મુંબઇ તા. 27 એપ્રિલ 2019, શનિવાર
૨૬/૧૧ના હુમલામાં શહીદ થયેલ મુંબઇના એડિશનલ પોલીસ કમિશનર અશોક કામટેના પત્ની વિનિતા કામટે તાજેતરમાં ઠક-ઠક ગેન્ગની ચાલાકીનો ભોગ બન્યા હતા. આ ગેન્ગનો એક ગઠીયો તેમની કારમાંથી ૧.૧૬ લાખ રૂપિયાની મૂલ્યની બેગ સીફ્ત પૂર્વક ઉપાડી રફુચક્કર થઇ ગયો હતો. વિનિતા કામટેએ આ બાબતે વરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બેગ ત્યારબાદ મળી આવી હતી પણ તેમાંથી હીરાના ઇયરિંગ અને રોકડ મળી ૧.૧૬ લાખની મત્તા ગાયબ જણાઇ હતી. આ બનાવ ગયા મહિને બન્યો હતો. વિનિતા કામટે તેમની એક સહેલી અને તેના પતિ સાથે વરલી નાકા ખાતે કામસર આવ્યા હતા.
આ સમયે કારમાં તેમની સહેલીને બેસાડી વિનિતા થોડા સમય માટે બહાર નિકળ્યા હતા ત્યારે એક ગઠીયાએ તેમની સહેલીને કારની બહાર તેમના પૈસા પડયા હોવાનું જણાવ્યું હતું. જેવા તેઓ કારની બહાર નિકળ્યા કે આ ગઠીયાએ પાછળ રાખેલ બેગ તફડાવી લીધી હતી. તેમની સહેલીને આ વાતની જાણ પણ થઇ નહોતી. વિનિતા જ્યારે પાછા આવ્યા ત્યારે આ વાતની જાણ થતા તેમણે વરલી પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ દાખલ કરી હતી.
થોડા સમય બાદ તેમની બેગ મળી ગઇ હતી પણ બેગમાંથી ૧.૧૬ લાખની મતા સાથે જ અમૂક જરૂરી કાગળીયા ગાયબ હોવાનું જણાયું હતું. વરલી પોલીસ આ સંદર્ભે વધુ તપાસ કરી રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J26X1R
via Latest Gujarati News
0 Comments