(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તાઃ 27 એપ્રિલ 2019, શનિવાર
૨૦૧૯નો ઉનાળો આખા મહારાષ્ટ્ર માટે ભારે ઉકળતો અને અકળાવનારો સાબિત થયો છે.છેલ્લા એક સપ્તાહથી મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડા અને વિદર્ભના આકાશમાં જાણે કે અંગારા વરસી રહ્યા હોય તેવી અસહ્ય ગરમીનો પ્રકોપ થયો હોવાના સમાચાર મળે છે.
હવામાન ખાતાએ ૨૫થી ૨૯ એપ્રિલના પાંચ દિવસ સુધી વિદર્ભમાં અને ૨૮-૨૯ એપ્રિલના બે દિવસ સુધી મધ્ય મહારાષ્ટ્ર અનેમરાઠવાડામાં હીટ વેવની ચેતવણી આપી છે.આ બંને દિવસ દરમિયાન રાત્રે ભારે ઉકળાટ રહે તેવી પણ શક્યતા છે.
આજે મધ્ય મહારાષ્ટ્રના પરભણી અને વિદર્ભનાં અકોલા,બ્રહ્મપુરી,ચંદ્રપુર અને વર્ધા મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી હોટ હોટ રહ્યાં હતાં. હવામાન ખાતાનાં નાગપુર કેન્દ્રે આખા વિદર્ભ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી હોવાના સમાચાર મળે છે.
મહારાષ્ટ્રનાં આ તમામશહેરોનો ઉલ્લેખ વિશ્વનાં ગરમીનો ભારે પ્રકોપ ધરાવતાં શહેરોમાં પણ થયો હોવાનું જાણવા મળે છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવો વરતારો આપ્યો હતો કે હાલ મધ્ય પ્રદેશથી વિદર્ભ અને મરાઠવાડા થઇને કર્ણાટક સુધી હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.વળી,વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્ર થઇને દક્ષિણ કોંકણ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સઅર્જાયું છે.આવાં કુદરતી પરિબળોને કારણે ૨૯-૩૦ એપ્રિલ દરમિયાન દક્ષિણ કોંકણ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ હળવી વર્ષા થાય તેવી શક્યતા છે.
મુંબઇનું આકાશ આવતા ૪૮ કલાક દરમિયાન વાદળિયું રહે તેવી શક્યતા છે.સાથોસાથ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે.
આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી નોંધાયું હતું. કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૯-૭૦ ટકા જ્યારે સાંતાક્રુઝમાં ભેજનું પ્રમાણ ૭૯-૪૯ ટકા નોંધાયું હતું.
આજે વિદર્ભનાં અકોલા,બ્રહ્મપુરી,ચંદ્રપુર અને વર્ધામાં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી કરતા પણ વધારે નોંધાયું હતું.સાથોસાથ અમરાવતી-૪૫,યવતમાળ-૪૫,નાગપુર-૪૫ અને બુલઢાણા-૪૩,મરાઠવાડાનાં પરભણી-૪૬,નાંદેડ-૪૫,ઉસ્માનાબાદ-૪૪,ઔરંગાબાદ-૪૩ જ્યારે મધ્ય મહારાષ્ટ્રનાં અહમદનગર-૪૫,જળગાંવ-૪૪,સોલાપુર-૪૪,જેઉર-૪૩,સાંગલી-૪૩,નાશિક-૪૨ અને સાતારા-૪૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉકળતું નોંધાયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IIQPmk
via Latest Gujarati News
0 Comments