
'Joy of Flying 'ની ટેગલાઈન સાથે 'જેટ'ના હુલામણા નામે ઓળખાતી દેશની બીજા ક્રમાંકની સૌથી મોટી એરલાઈન્સ જેટ એરવેઝના આખરે શટર પડી ચૂક્યા છે. અસહ્ય દેવાના બોજાના કારણે નાણાંભીડનો સામનો કરતી આ એરલાઈન્સ કંપનીએ ગત બુધવારે કામચલાઉ ધોરણે તેના કામકાજ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
ગત બુધવારે જેટની અમૃતસર-મુંબઇની ફ્લાઇટિ એ હાલ તુરંતનો તેની અંતિમ ફ્લાઇટ બની છે. અમૃતસરથી રાત્રે ૧૦.૨૪ કલાકે ઉપડેલી આ ફ્લાઇટ (૫૨૩૫૦૨) રાત્રે ૧૨.૨૨ કલાકે મુંબઇ એરપોર્ટ પર લેન્ડ થઇ તે સાથે જ હવાઈ દુનિયાના અંદાજે ૨૭ વર્ષ લાંબા અધ્યાયના બીજા શબ્દોમાં કહીએ તો, જેટયુગનો દુઃખદ અંત આવ્યો છે. જેટ એરવેઝ કંપનીની સ્થાપના ૧ એપ્રિલ ૧૯૯૨ના રોજ નરેશ ગોયલે કરી હતી. જો કે, તેની પ્રથમ ફ્લાઇટિ તા. ૫ મે ૧૯૯૩ના રોજ મુંબઇથી અમદાવાદની હતી. તે વેળા કંપની એર ચાર્ટર ઓપરેટર તરીકે કાર્યરત હતી.
બાદમાં તા. ૧૪ જાન્યુઆરી ૧૯૯૫માં કંપનીને શિડયુલ્ડ ઓપરેટર તરીકેની પરમીટ મળી હતી. જેટ એરવેઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'કોઈ ધિરાણકાર કે બીજા સ્ત્રોત તરફથી કોઈ ઇમરજન્સી ફંડિંગ આવી રહ્યું નથી તેથી એરલાઈન ઇંધણ અને બીજી મહત્ત્વની સેવાઓનાં નાણાં ચૂકવી શકે તેમ નથી.
પરિણામે તાત્કાલિક અસરથી જેટ એરવેઝે તેની તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટસ રદ કરવી પડી છે. કંપની સમક્ષ રહેલા તમામ વિકલ્પોનો અભ્યાસ કર્યા પછી અને બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન તથા સલાહ બાદ આ નિર્ણય લેવાયો છે.
જેટ તેની ફ્લાઇટ્સ શરૂ નહીં કરે તો લાઈસન્સ પણ રદ થવાની શક્યતા છે. જો કે ઉડ્ડયન સેકટરના નિયમનકારે હજુ કોઈ પગલાં જણાવ્યાં નથી. જેટની મૂળ યોજના ૧૨૪ પ્લેનથી નેટવર્ક ચલાવવાની હતી અને જાન્યુઆરી સુધી તે ભારતની બીજા ક્રમની સૌથી મોટી એરલાઇન હતી પરંતુ ત્યારબાદ તેની મુશ્કેલીની શરૂઆત થઈ હતી તેણે કહ્યું કે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં તેણે વચગાળાનું અને લોંગ ટર્મ ફંડિંગ મેળવવા તમામ પ્રયાસ કર્યા છે. કમનસીબે અનેક પ્રયાસ કરવા છતાં એરલાઈન પાસે ભંડોળ ન હોવાના કારણે કામકાજ બંધ કરવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
સમગ્ર પરિસ્થિતિથી વાકેફ સૂત્રોના જણાવ્યા મુજબ જેટ એરવેઝનું મેનેજમેન્ટ છેલ્લા એક વર્ષથી ભંડોળ માટે પ્રયાસ કરી રહ્યું હતું. જો કંપનીએ પહેલેથી જ એનસીએલટી (NCLT) નો સંપર્ક કર્યો હોય તો આજે ચિત્ર કાંઇક જુદું હોત. હાલ જે કટોકટી ઉદ્ભવી છે તેના માટે માત્ર ને માત્ર કંપનીનું મેનેજમેન્ટ જ જવાબદાર છે. તેનું મુખ્ય કારણ એ કે કંપનીના ખર્ચા ખૂબ જ વધુ હતાં. અને તેની સામે કેશ જનરેશનનું પ્રમાણ આ ખર્ચાને પહોંચી વળે તેટલું ન હતું. જેના કારણે અંતે આ કંપનીને પોતાના કામકાજ બંધ કરવાનો વારો આવ્યો.
એવિએશન ઇન્ડસ્ટ્રીના જાણકારોના જણાવ્યા મુજબ જેટ એરવેઝ છેલ્લા એક વર્ષથી નાણાંભીડનો સામનો કરી રહ્યું હતું. જેને આગળ જતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જે અંતે 'ટેમ્પરરી શટડાઊન'માં પરિણમ્યું છે. જો કે, હકીકત તો એ છે કે ૨૦૦૫-૦૬થી જ જેટ એરવેઝ માટે પ્રતિકૂળ સમયની શરૂઆત થઇ હતી.
સૂચિત સમય દરમિયાન દેશમાં ત્રણ લો-કોસ્ટ એરલાઈન્સ સ્પાઇસ જેટ, ગો-એર અને ઇન્ડિગોએ શ્રીગણેશ કર્યા હતા. તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન જેટ એરવેઝે માંદી પડેલી એર સહારા કંપનીને ખરીદી હતી. આ સોદો ખૂબ ઊંચા ભાવે થયો હોવાનું તે વેળા ચર્ચાતું હતું. બાદમાં આ કંપનીને જેટલાઈટ નામ આપ્યું હતું.
નવી શરૂ થયેલી ત્રણ લો-કોસ્ટ એરલાઈન્સ કંપનીઓએ સસ્તા દરે હવાઈ મુસાફરી ઉપલબ્ધ બનાવતા દેશમાં એવીએશન ઇન્ડસ્ટ્રીનો ઝડપી વિકાસ થયો તો બીજી તરફ આ ત્રણ કંપનીઓનો પણ ઝડપથી વિકાસ થયો અને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન મેળવવા તરફ પ્રયાણ કર્યું હતું.
આ ત્રણ કંપનીઓએ નીચા દર રાખીને મુસાફરોને પોતાની તરફ આકર્ષવામાં સફળ પૂરવાર થઇ તેની સામે જેટ એરવેઝ હાઈ પ્રોફાઈલ અને ધનાઢ્યો તેમજ કોર્પોરેટ ગ્રાહકોને આકર્ષીને નંબર વન બનવા તરફ આગળ વધી હતી. અને આખરે તે ૧૦૦થી પણ વધુ વિમાન સાથે દેશની બીજા નંબરની મોટી એરલાઈન્સ કંપની બની ગઈ.
આ કવાયત દરમિયાન તેણે લો-ફેર એર માર્કેટમાં પણ પોતાનો હિસ્સો હાંસલ કરવા જેટલાઈટને ઉતારી હતી. શરૂઆતમાં તો જેટ લાઈટની બોલબાલા પણ વધી હતી. પરંતુ મલાઈ ખાવા ટેવાયેલા જેટ એરવેઝના સંચાલકોએ જેટલાઈટ તરફ પૂરતું ધ્યાન કેન્દ્રિત ના કર્યું અને આખરે તેના હસ્તગત કર્યાના (એરસહારાને જેટલાઇટ નામ અપાયું હતું.) નવ વર્ષ બાદ આ કંપની બંધ કરવાની નોબત આવી. આમ, આ બધી કવાયત દરમિયાન નાણાંકીય મોરચે પણ કંપનીને સહન કરવાનો વારો આવ્યો.
આમ, ઓપરેશનલ લેવલની પ્રતિકૂળતાનો સામનો કરતી આ કંપનીને ક્રૂડ ઓઇલની ઉથલપાથલની પણ અસર થવા પામી હતી. છેલ્લા દોઢ-બે વર્ષથી ક્રૂડમાં ભારે વોલેટાલિટી જોવા મળી છે. જેની અસર વિશ્વભરની એરલાઈન્સ કંપનીઓ પર થવા પામી છે.
એક તરફ ક્રૂડના ઊંચા ભાવ અને બીજી તરફ અગાઉ નબળા પડેલા રૂપિયાના કારણે ઇંધણના બીલમાં તોતિંગ વધારો થવા પામ્યો હતો. આમ, મુશ્કેલીમાં મુકાયેલ જેટની નાણાંભીડ પ્રબળ બનવા સાથે તેના દેવામાં સતતને સતત વધારો થતો ગયો. હાલ કંપનીના માથે આશરે રૂ. ૮૫૦૦ કરોડનું દેવું છે.
૧૦૦થી પણ વધુ વિમાનોનો કાફલો ધરાવતી જેટ એરવેઝની હાલત એટલી હદ સુધી કથળી કે ભાડે લીધેલા એરક્રાફ્ટના રૂપિયા ચૂકવાયા નથી. ઇંધણના રૂપિયા ચૂકવાયા નથી. વિવિધ ચાર્જીસની ચૂકવણીમાં પણ અનિયમિતતા ઉદ્ભવી હતી, અને સૌથી મોટી ગંભીર બાબત તો એ હતી કે આ કંપનીના કર્મચારીઓને પણ પગાર ચૂકવાયો નથી. તેમાંય વળી તેના પાયલોટોને તો છેલ્લા ત્રણ માસથી પગાર ચૂકવાયો નથી.
પોતાનું કામકાજ ચાલુ રાખવા દેવામાં ડૂબેલી આ કંપનીનો બેંકો અથવા અન્ય કોઈ ધિરાણદારોએ હાથ ન પકડતા આખરે ગયા બુધવારે જેટ યુગનો દુઃખદ અંત આવ્યો છે. અને તે સાથે જ 'ર્વઅ ર્ક ખનઐહય'ની ટેગલાઈન પણ 'ઈશઘ ર્ંક ખનઐહય'માં પરિણમી છે.
ભારતમાં એક વખત બંધ પડેલી એરલાઈન પુનઃ શરૂ થઇ શકી નથી
નાણાંભીડમાં સપડાયેલ જેટ એરવેઝ દ્વારા કામચલાઉ કામકાજ બંધ કરાયું છે. નાણાંકીય મોરચે સૌ સારા વાના થયા બાદ તે પુનઃ કાર્યરત થશે તેમ કહેવાય છે. પરંતુ ભારતમાં એક વખત બંધ પડેલી એરલાઇન ક્યારેય પુનઃ શરૂ થતી નથી. તેમ ઈતિહાસ દર્શાવે છે.
આ અગાઉ ૨૦૧૨માં કિંગફીશર એરલાઇન વખતે પણ તે પુનઃ શરૂ થશે તેવી ચર્ચા થતી હતી પરંતુ આજદિન સુધી તે કાર્યરત થઇ શકી નથી.
ભૂતકાળ પર નજર કરીએ તો છેલ્લા બે દાયકામાં બાર જેટલી એરલાઇન કંપનીઓના શટર પડી ચૂક્યા છે. જે બંધ પડયા બાદ ક્યારેય ચાલુ થઇ શકી નથી.
બંધ પડેલ એરલાઇન પર નજર કરીએ તો બેંગાલુર સ્થિત એર પેગાસન ૨૦૧૬માં, ૨૦૧૦માં ચેન્નાઇ સ્થિત પેરામાઉન્ટ એરવેઝ, ૨૦૦૯માં ગુડગાંવ સ્થિત MDLR, ૨૦૦૭માં એર ડેક્કનને કિંગફિશરે ખરીદી લીધી હતી.
આ ઉપરાંત ૨૦૦૦માં અર્ચના અરવેઝ, ૧૯૯૬માં મોડિલુફ્ટ, ૧૯૯૭માં દમનિયા એરવેઝ, ૧૯૯૭માં NEP, ૧૯૯૬માં ઈસ્વ વેસ્ટ એરલાઇન અને ૧૯૮૭માં વાયુદૂતનો સમાવેશ થાય છે. આમ, ભૂતકાળમાં બંધ પડેલી આ એરલાઇન ક્યારેય પુનઃ શરૂ થઇ શકી નથી.
Air India ના માથે લટકતી તલવાર
સરકાર હસ્તકની એર ઈન્ડિયાએ ચાલુ નાણાં વર્ષમાં રૂા. ૯૦૦૦ કરોડના દેવાની ચૂકવણી કરવાની છે. કંપની પાસે આ દેવું ચૂકવવાની ક્ષમતા દેખાતી નથી. એર ઈન્ડિયા અને એવીએશન મંત્રાલયે આ મુદ્દાને નાણાં મંત્રાલય સમક્ષ રજૂ કર્યો છે.ચાલુ નાણાં વર્ષે એર ઈન્ડિયાને આ દેવું ચૂકવવા માટે ભંડોળની જરૂર પડશે. જો તે ચૂકવણી નહીં કરે તો ડિફોલ્ટ થઇ શકે છે.
આમ, એર ઈન્ડિયાને બચાવવા સરકારે ફરી એકવાર બેલઆઉટ કરવું પડશે. આ અંગેનો નિર્ણય નવી સરકારની રચના બાદ લેવાશે.એ ઉલ્લેખનીય રહેશે કે પાકિસ્તાન સાથે તંગદીલી વધતા પાકિસ્તાન પોતાનો એરસ્પેસ બંધ કરતા એર ઈન્ડિયાને ફોરેન રૂટ યુરોપ - યુએસની ફ્લાઇટ માટે દૈનિક રૂા. ૬ કરોડનું નુકસાન થાય છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GqnBFl
via Latest Gujarati News
0 Comments