GST કાયદામાં નોંધણી નંબરને લગતી શું જોગવાઇ છે ?


GST કાયદામાં પત્રકો ન ભરવાથી નોંધણી નંબર રદ્ થઇ શકે છે. નોંધણી નંબર રદ્ થવાથી ભારે મુશ્કેલીઓ થાય જેથી સરકારે આવા કિસ્સાઓ માટે સરકારે નોંધણીનો દાખલો રદ્ કરવાના આદેશને ફગાવી કાઢવા માટે નિયમ બનાવ્યો છે. વધુમાં જ્યારે કોઇ વ્યક્તિ નવો નોંધણી નંબર લેવાની અરજી કરે છે ત્યારે અધિકારી ધારે તો તે વ્યક્તિના ધંધાના સ્થળની તપાસ કરી શકે છે. આજના લેખમાં GST કાયદા હેઠળ નોંધણી નંબર બાબતે ચર્ચા કરવામાં આવી છે.

એક રાજ્યમાં અલગ ધંધાના સ્થળ માટે શું જુદો નોંધણી નંબર મળી શકે ?
૧ ફેબુ્રઆરી ૨૦૧૯ પહેલા અલગ બીઝનેસ વર્ટીકલ હોય તો જ એક રાજ્યની અંદર આવેલ અલગ-અલગ ધંધાના સ્થળ માટે જૂદો નોંધણી નંબર મળી શકતો. આ ખૂબ આકરી જોગવાઇ હોવાથી સરકારે નિયમ ૧૧માં સુધારો કરીને બીઝનેસ વર્ટીકલ શબ્દ કાઢી નાખ્યો અને રાજ્યની અંદર આવેલ અલગ-અલગ ધંધાના સ્થળ માટે જૂદો નોંધણી નંબર પ્રાપ્ત કરી શકાય છે.

આ સુધારાથી જ સપ્લાયરોને રાજ્ય સરકાર દ્વારા ઈનસેન્ટીવ મળવા પાત્ર છે તેવા સપ્લાયરો માટે ખૂબ લાભદાયક છે. ખાસ નોંધવું કે જ્યારે એક જ રાજ્યમાં અલગ અલગ ધંધાના સ્થળ માટે જૂદો નોંધણી નંબર લેવામાં આવેલ હોય ત્યારે સપ્લાયરે ઈનપૂટ સર્વિસ ડિસ્ટ્રીબ્યૂટરનો પણ નંબર લઇ કોમન ઈનપૂટ્સનો વેરાશાખ ટર્નઓવરના પ્રમાણમાં વહેંચવાનો થાય.

સ્વ નોંધણી થઇ શકે ?
જ્યારે કોઇ તપાસ, સર્વે, ઈન્સ્પેકશન, સર્ચ અથવા કોઇ GST  કાયદા હેઠળ કાર્યવાહી દરમ્યાન અધિકારીને લાગે કે કોઇ વ્યક્તિને નોંધણી નંબર લેવાનો થાય છે પણ લીધો નથી, ત્યારે અધિકારી આવી વ્યક્તિને ટેમ્પરરી નોંધણી નંબર આપશે અને નમૂના GST REG ૧૨ માં આદેશ પસાર કરવાનો થાય. જો આ આદેશ સામે વાંધો ન હોય તો આદેશમાં લખેલ વ્યક્તિએ નિયમ ૮ પ્રમાણે તમામ વિગતો નંબર લેવા માટે રજૂ કરો જેમ કે પાનકાર્ડ, બેંકની વિગત, ધંધાના સ્થળની જગ્યા, વિગેરે આપી પાકો નોંધણી નંબર માટે અરજી કરવાની થાય ૯૦ દિવસમાં.

નોંધણી નંબરમાં સુધારા
સ્વાભાવિક છે નોંધણી નંબર લીધા બાદ માણસો બદલાય અને નોંધણી લેતી વખતે જે વિગતો આપી હોય તેમાં સુધારો કરવાનો થાય. આ સુધારા જે તારીખથી થયા હોય તેનાથી ૧૫ દિવસમાં GST પોર્ટલ ઉપર અરજી કરીને કરવાના થાય. જ્યારે ધંધાનું બંધારણ બદલાય જેનાથી પાન નંબર પણ બદલાઇ જાય ત્યારે નવો નંબર લેવાની અરજી કરવાની થાય.

સુધારાની અરજીમાં કોઇ ઉણપ હોય તો અધિકારી અરજી તારીખથી ૧૫ દિવસમાં GST REG ૦૩ માં નોટિસ બજાવી ખૂલાસો માંગવાનો થાય જેનો જવાબ સપ્લાયરે ૭ દિવસમાં આપવાનો થાય નમૂનો   GST REG ૦૪ માં.

રજીસ્ટ્રેશન રદ્દીકરણ
કલમ ૨૯ મુજબ જ્યારે માલિકી પેઢીના માલિકનો દેહાન્ત થાય, અથવા કંપનીનું અમાલગમેશન, અથવા ધંધો વેચાણ કે બંધ કરવામાં આવેલ હોય અથવા નોંધણી નંબર લેવાની કોઇ ફરજીયાત જરૂર રહી નહીં ત્યારે નોંધણી નંબર રદ્ કરવાની અરજી નમૂનો GST REG ૧૬ માં કરવાની થાય અને યોગ્ય વિકલ્પ લેવાનો થાય. વધુમાં આખર માલ, કેપીટલ ગુડ્ઝ તથા વણવપરાયેલ વેરાશાખ જતી કરવાની થાય.

આ અરજી કલમ ૨૯માં દર્શાવેલ ઘટના તારીખથી ૩૦ દિવસમાં કરવાની થાય. વધુમાં નિયમ ૨૧ મુજબ સપ્લાયરનો નોંધણી નંબર ફરજીયાત રદ્બાતલ કરવાપાત્ર થાય જ્યારે ડિકલેર્ડ ધંધાના સ્થળથી કોઇ ધંધો ન કરતો હોય અથવા GST કાયદા હેઠળ જોગવાઇ અને નિયમનો ઉલ્લંઘન થાય તેવા બીલ - ટેક્ષઈન્વોઈસ આપવામાં આવેલ હોય અથવા તો કલમ ૧૭૧ એટલે કે એન્ટી પ્રોફીટીયરંગની જોગવાઇનું ઉલ્લંઘન કરી ધંધો કરવામાં આવેલ હોય.

આ બાબતે અધિકારીએ નમૂના GST REG ૧૭ માં નોટિસ પાઠવવાની થાય જેનો જવાબ સપ્લાયરે નમૂના GST REG ૧૮ માં આપવાનો થાય. બધું બરાબર જણાતા અધિકારીએ નમૂના GST REG ૨૦ માં આદેશ પસાર કરવાનો થાય. જ્યારે કોઇ વ્યક્તિએ સ્વમેળે નોંધણીનો દાખલો રદ્દ કરવાની અરજી કરેલ હોય અને અધિકારીને બધું બરાબર જણાતા નમૂના GST REG ૧૯ માં આદેશ પસાર કરવાનો થાય. અરજીની તારીખથી ત્રીસ દિવસમાં.

પત્રકો ન ભરવાથી પણ નોંધણી નંબર રદ્ કરવાની સત્તા અધિકારીને આપી છે. આવી પરિસ્થિતિમાં સપ્લાયરને જો રદ્ નંબર ફરી ચાલુ કરાવા માટે તમામ પત્રકો, વેરો, વ્યાજ અને લેટ ફી ભરવાની થાય અને નમૂના GST REG ૨૧ માં અધિકારી સમક્ષ અરજી કરવાની થાય. રદ્નો આદેશ મળ્યા તારીખથી ત્રીસ દિવસમાં. અરજીમાં તથ્ય જણાતા અધિકારીએ યોગ્ય આદેશ નમૂના GST REG ૨૪ માં પસાર કરવાનો થાય અને અરજી નામંજૂર કરવા માટે GST REG ૦૫ માં આદેશ કરવાનો થાય.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UOFzvk
via Latest Gujarati News

Post a Comment

0 Comments