વધુ પડતા શ્રમના કારણે 1878 કર્મચારીઓ બીમાર : મૃતક કર્મચારીઓના પરિવારોને વળતરની જાહેરાત
જાકર્તા, તા.28 એપ્રિલ, 2019, રવિવાર
ઇન્ડોનેશિયામાં યોજાયેલી ચૂંટણીની મતગણતરીના થાકના કારણે ૨૭૦થી પણ વધુ કર્માચારીઓના મોત થયા છે. એક જ દિવસમાં સમગ્ર દેશમાં ચૂંટણી આયોજીત કરી ઇન્ડોનેશિયાએ એક દિવસમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી ચૂંટણીનો વિક્રમ તો હાંસલ કર્યો છે પરંતુ પોસ્ટલ બેલેથી યોજાયેલી આ ચૂંટણીની થાકના કારણે ચૂંટણીના દસ દિવસ પછી કર્મચારીઓના મૃત્યુ થયા છે.
ચૂંટણીનો ખર્ચ બચાવવા ઇન્ડોનેશિયામાં પહેલીવાર એક જ દિવસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી(લોકસભા સ્તરની) અને રાજ્ય સ્તરની ચૂંટણીનું મતદાન એક સાથે અને એક જ દિવસે ૧૭ એપ્રિલના રોજ આયોજીત કરવામાં આવ્યું હતું. જેમાં ૨૬ કરોડ નાગરિકો પૈકી ૧૯.૩ કરોડ નાગરિકો પાસે મતાધિકાર હતો. જેમાંથી ૮૦ ટકા નાગરિકોએ મતદાન કર્યુ હતું.
મતદાન તો શાંતિપૂર્ણ રહ્યું હતું પરંતુ દેશના પૂર્વથી પશ્ચિમ સુધીના ૫૦૦૦ કિલોમીટરના પટ્ટામાં આઠ કલાકમાં મતદાન સમેટી લેવુ જનરલ ઇલેક્શન કમિશન (ઇન્ડોનેશિયાા ચૂંટણી તંત્ર)ના અધિકારીઓ માટે આકરું સાબિત થયું હતું.
ઇન્ડોનેશિયાના ચૂંટણીતંત્રના નિવેદન મુજબ ૨૭૦ કર્મચારીઓ ઓવરલોડના કારણે થયેલી માંદગીના કારણે મૃત્યુ પામ્યા છે અને ૧૮૭૮ કર્મચારીઓ બીમાર પડયા છે. આ કર્મચારીઓને તમામ તબીબી સુવિધાઓ વિનામૂલ્યે આપવાની જાહેરાત સરકાર કરી ચૂકી છે ઉપરાંત મૃતક કર્મચારીઓના પરિવારજનોને યોગ્ય વળતર આપવા માટે નાણા મંત્રાલય હાલ કામગીરી કરી રહ્યું છે.
ઇન્ડોનેશિયાના વિરોધ પક્ષના નાયબના પ્રમુખ અહેમદ મુઝાનીએ નિવેદન આપ્યું છે કે જનરલ ઇલેક્શન કમિશન કર્મચારીઓના સ્ટાફના વર્કલોડનું વ્યવસ્થાપન કરવા માટે સક્ષમ નથી. કેટલાંક કર્મચારીઓએ રાષ્ટ્રપતિ જોકો વિડોડોની તરફેણમાં બોગસ મતદાન પણ કર્યુ છે. જો કે હજુ પણ ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ૨૨મી મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DEmYau
via Latest Gujarati News
0 Comments