એપ્રિલ વલણના અંતે કડાકો ઃ છેલ્લા અડધા કલાકમાં શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 38731

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર

ભારતીય શેર બજારોમાં આજે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં એપ્રિલ વલણનો અંત છેલ્લી ઘડીના કડાકાએ  થયો હતો. કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૧૯ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર સાધારણ થી નબળા પરિણામો જાહેર થઈ રહ્યા હોવા સાથે વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન પરના આર્થિક પ્રતિબંધોમાં ભારત સહિતના દેશોને આયાતમાં રાહત નહીં લંબાવવાના અમેરિકાના સંકેતે આજે ક્રુડ ફરી વધીને બ્રેન્ટ વર્ષ ૨૦૧૯માં પ્રથમ વખત ૭૫ ડોલરની સપાટી કુદાવી જતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ફરી સતત પતન થતું રહી આજે રૂપિયો ૩૮ પૈસા નબળો પડીને ૭૦.૨૫ થઈ જતાં તેમ જ ઓટોમોબાઈલ જાયન્ટ મારૂતી સુઝુકીના આજે જાહેર થયેલા ચોથા ત્રિમાસિકના રિઝલ્ટ નબળા આવતાં નેગેટીવ અસરે  ફંડોનું ઓટોમોબાઈલ શેરોમાં મોટું ઓફલોડિંગ થયું હતું. આ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ શેરોમાં  પણ ફંડોએ છેલ્લી ઘડીમાં હેમરીંગ કરતાં સેન્સેક્સ ૩૨૩.૮૨ પોઈન્ટ તૂટીને ૩૮,૭૩૦.૮૬ અને નિફટી સ્પોટ ૮૪.૩૫ પોઈન્ટ ગબડીને ૧૧,૬૪૧.૮૦ બંધ રહ્યા હતા. 

સેન્સેક્સ ફરી ૩૯૦૦૦ની સપાટી ગુમાવી ઃ છેલ્લા અડધા કલાકમાં અણધાર્યો કડાકો ઃ ૩૨૪ પોઈન્ટ તૂટીને ૩૮૭૩૦

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૦૫૪.૬૮ સામે ૩૯૧૦૧.૭૮ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં ભારતી એરટેલ, ટીસીએસ, બજાજ ઓટો સહિતમાં આકર્ષણે અને અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં પસંદગીની લેવાલીએ એક સમયે ૨૦૭.૫૪ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૯૨૬૨.૨૨ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને સાંકડી વધઘટે લાંબો સમય અથડાતો રહ્યા બાદ છેલ્લા અડધા કલાકમાં ફંડોનું મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા, કોલ ઈન્ડિયા સહિતમાં ઓફલોડિંગ થતાં અને મારૂતી સુઝુકીના ત્રિમાસિક નબળા પરિણામ જાહેર થતાં ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં મારૂતી, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ સહિતમાં વેચવાલીએ અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક,  કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, યશ બેંક, બજાજ ફાઈનાન્સ સહિતમાં ફંડોની વેચવાલીએ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસીસ સહિતમાં ઓફલોડિંગે એકાએક ધબડકો બોલાઈ વધ્યામથાળેથી ૫૯૮.૨૪ પોઈન્ટ અને આગલા બંધથી ૩૯૦.૭૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૩૮૬૬૩.૯૮ સુધી આવી અંતે ૩૨૩.૮૨ પોઈન્ટ ઘટીને ૩૮૭૩૦.૮૬ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ફરી ૧૧૭૦૦ની સપાટી ગુમાવી ઃ ઉપરમાં ૧૧૭૯૬ થઈ નીચામાં ૧૧૬૨૪ સુધી ગબડયો

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૭૨૬.૧૫ સામે ૧૧૭૩૫.૭૦ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમમાં ફંડોની મોટી લેવાલી થતાં અને ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ભારતી એરટેલ, બીપીસીએલ, યુપીએલ, ટીસીએસ, વિપ્રો, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ સહિતમાં આકર્ષણે વધીને ૧૧૭૯૬.૬૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને સાંકડી વધઘટે લાંબો સમય અથડાતો રહ્યા બાદ છેલ્લા અડધા કલાકમાં એકાએક કડાકો બોલાઈ જઈ બેંકિંગ-ફાઈનાન્સ શેરો એક્સીસ બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ તેમ જ સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈશર મોટર્સ, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટસ સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૧૦૧.૮૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૧૬૨૪.૩૦ સુધી આવી અંતે ૮૪.૩૫ પોઈન્ટ ઘટીને ૧૧૬૪૧.૮૦ બંધ રહ્યો હતો.

એપ્રિલના અંતે કડાકો ઃ નિફટી એપ્રિલ ફયુચર તૂટીને ૧૧,૬૪૨ સેટલ ઃ મે નિફટી ફયુચર ૧૧,૮૨૬ થી તૂટીને ૧૧,૭૩૦

ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણનો અંત છેલ્લી ઘડીમાં કડાકાએ થયો હતો. નિફટી એપ્રિલ ફયુચર ૨,૦૩,૦૦૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૭,૮૬૯.૮૫ કરોડના કામકાજે ૧૧,૭૩૮.૨૫ સામે ૧૧,૭૧૩.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૭૯૭.૮૫ થઈ પાછો ફરીને નીચામાં ૧૧,૬૩૦.૫૫ સુધી આવી અંતે ૧૧,૬૪૨.૮૦ સેટલ થયો હતો. નિફટી મે ફયુચર ૧,૭૯,૯૦૪ કોન્ટ્રેકટસમાં રૂ.૧૫,૯૩૭.૬૬ કરોડના કામકાજે ૧૧,૮૨૬.૯૫ સામે ૧૧,૮૦૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૮૭૬.૯૫ થઈ પાછો ફરીને નીચામાં ૧૧,૭૧૪.૫૦ સુધી આવી અંતે ૧૧,૭૩૦.૦૫ રહ્યો હતો. નિફટી ૨,મે એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૧,૮૦૦નો કોલ ૩૮.૭૫ સામે ૫૮.૦૫ મથાળે ખુલીને નીચામાં ૧૧.૩૦ સુધી પટકાઈ અંતે ૧૪.૪૫ રહ્યો હતો. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૮૮.૨૫ સામે ૮૯.૯૦ મથાળે ખુલીને નીચામાંવધીને ૧૨૧.૯૫ સુધી પહોંચી પાછો ફરીને નીચામાં ૩૭.૨૦ સુધી આવી અંતે ૩૯.૯૫ રહ્યો હતો.

બેંક નિફટી એપ્રિલ ફયુચર ૨૯,૮૯૦ થી તૂટીને ૨૯,૫૬૧ સેટલ ઃ મે બેંક નિફટી ફયુચર ૩૦,૦૭૦ થી તૂટીને ૨૯,૭૬૭

બેંક નિફટી એપ્રિલ ફયુચર ૧,૫૯,૦૪૬ કોન્ટ્રેકટસમાં રૂ.૯૪૯૨.૪૬ કરોડના કામકાજે ૨૯,૮૯૦.૩૫ સામે ૨૯,૮૮૯.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૦,૦૬૦ થઈ તૂટીને ૨૯,૫૧૧ સુધી આવી અંતે ૨૯,૫૬૧.૩૫ સેટલ થયો હતો. બેંક નિફટી મે ફયુચર ૯૫,૫૭૯ કોન્ટ્રેકટસમાં રૂ.૫૭૩૮.૧૪ કરોડના કામકાજે ૩૦,૦૭૦.૫૫ સામે ૩૦,૦૦૧.૫૫ ખુલીને ઉપરમાં ૩૦,૨૫૧.૫૫ થઈ ઘટીને ૨૯,૭૫૦  સુધી આવી અંતે ૨૯,૭૬૬.૯૫ રહ્યો હતો.

ક્રુડ બ્રેન્ટ ૬૫ સેન્ટ વધીને ૭૫.૧૯ ડોલર ઃ નાયમેક્ષ ૬૬.૧૪ ડોલર ઃ રિલાયન્સ ઘટયો ઃ બીપીસીએલ, એચપીસીએલ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વર્ષ ૨૦૧૯માં પ્રથમ વખત બ્રેન્ટ ક્રુડના ૭૫ ડોલરની સપાટી કુદાવીને આજે સાંજે ૬૫ સેન્ટ વધીને ૭૫.૧૯ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૨૫ સેન્ટ વધીને ૬૬.૧૪ ડોલર થઈ જવા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર પણ ૩૮ પૈસા ઉછળીને રૂ.૭૦.૨૫ થઈ જવા છતાં ઓઈલ-ગેસ શેરોમાં ખાસ અસર જોવાઈ નહોતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૧૩૭૪.૫૫, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૧.૫૫ ઘટીને રૂ.૧૫૫.૨૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૭૮.૯૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૬૫ ઘટીને રૂ.૩૪૩.૯૦ રહ્યા હતા. જ્યારે બીપીસીએલ રૂ.૯.૮૫ વધીને રૂ.૩૫૮.૩૫, એચપીસીએલ રૂ.૫.૭૫ વધીને રૂ.૨૭૪.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૫૦ વધીને રૂ.૨૩૭.૫૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧.૬૦ વધીને રૂ.૩૦૯.૮૫ રહ્યા હતા. 

ચાઈના દ્વારા સ્ટીમ્યુલસ પાછું ખેંચવાના નિર્ણયે મેટલ શેરોમાં ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, વેદાન્તા, જિન્દાલ, જેએસડબલ્યુ ઘટયા

ચાઈના દ્વારા આર્થિક વિકાસને વેગ આપવા અત્યાર સુધી આપવામાં આવતાં સ્ટીમ્યુલસને અટકાવવાનું જાહેર કરાતાં નોન-ફેરસ મેટલના વૈશ્વિક ભાવો તૂટતાં મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની વ્યાપક વેચવાલી નીકળી હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૫.૨૫ ઘટીને રૂ.૧૬૬.૯૦, ટાટા સ્ટીલ રૂ.૧૪.૪૦ ઘટીને રૂ.૫૧૦.૯૦, વેદાન્તા રૂ.૩.૯૫ ઘટીને રૂ.૧૭૦.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૬.૧૦ ઘટીને રૂ.૨૮૬.૪૦, એનએમડીસી રૂ.૨.૦૫ ઘટીને રૂ.૧૦૦.૩૫, હિન્દાલ્કો રૂ.૩.૯૦ ઘટીને રૂ.૧૯૭, કોલ ઈન્ડિયા રૂ.૨.૭૫ ઘટીને રૂ.૨૫૧.૪૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧.૩૫ ઘટીને રૂ.૨૭૩.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૧૭.૧૪ પોઈન્ટ તૂટીને ૧૧૧૩૫.૮૪ બંધ રહ્યો હતો.

મારૂતીનો નફો ૪.૬ ટકા ઘટીને રૂ.૧૭૯૫ કરોડ ઃ શેર રૂ.૧૨૧ તૂટીને રૂ.૬૯૦૨ ઃ એકસાઈડ, અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ ઘટયા

ક્રુડ ઓઈલના ભાવ ફરી વધીને ૭૫ ડોલરની સપાટી કુદાવી જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર રૂ.૭૦ની સપાટી કુદાવી રૂ.૭૦.૨૫ થઈ જતાં પેટ્રોલ, ડિઝલ ફરી મોંઘા થવાની પૂરી શકયતાએ ઓટોમોબાઈલ ઉદ્યોગનું સંકટ વધવાના એંધાણે ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોની વ્યાપક વેચવાલી થઈ હતી. મારૂતી સુઝુકીનો ત્રિમાસિક ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૪.૬ ટકા ઘટીને રૂ.૧૭૯૫.૬૦ કરોડ અને ચોખ્ખી વેચાણ આવક ૦.૭ ટકા વધીને રૂ.૨૦,૭૩૭.૫૦ કરોડ જાહેર થતાં શેરમાં વેચવાલીએ રૂ.૧૨૧.૪૦ તૂટીને રૂ.૬૯૦૨.૯૫, એકસાઈડ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૨૧૪, અશોક લેલેન્ડ રૂ.૧.૩૫ ઘટીને રૂ.૮૯.૮૫, ટાટા મોટર્સ રૂ.૩ ઘટીને રૂ.૨૨૦.૭૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૪૫ ઘટીને રૂ.૯૩૮.૯૫, આઈશર મોટર્સ રૂ.૨૦૦.૪૫ ઘટીને રૂ.૨૦,૩૪૫.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૧૬.૯૦ ઘટીને રૂ.૨૬૦૬.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪.૦૫ ઘટીને રૂ.૬૬૩.૯૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૪.૪૦ ઘટીને રૂ.૭૩૩, બોશ રૂ.૮૯.૭૫ ઘટીને રૂ.૧૭,૯૦૧.૫૦, એમઆરએફ રૂ.૧૮૫.૩૦ તૂટીને રૂ.૫૫,૬૪૮.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૫૬.૬૭ પોઈન્ટ ઘટીને ૧૯૩૬૯.૬૧ બંધ રહ્યો હતો. 

બેંકિંગ-ફાઈ. શેરોમાં ધોવાણ ઃ બીઓબી, સ્ટેટ બેંક, ઈન્ડસઈન્ડ, એક્સીસ, IIFL, મહિન્દ્રા ફાઈ., રિલાયન્સ કેપિટલ ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની વ્યાપક વેચવાલી રહી હતી. બેંક ઓફ બરોડા રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૨૨.૧૫, સિટી યુનિયન બેંક રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૦૨.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૨૫ ઘટીને રૂ.૩૦૬.૪૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૦.૨૫ ઘટીને રૂ.૧૬૭૯.૯૦, એક્સીસ બેંક રૂ.૮.૧૫ ઘટીને રૂ.૭૪૪.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૦૫ ઘટીને રૂ.૩૯૭, કોટક બેંક રૂ.૧૦.૮૦ ઘટીને રૂ.૧૩૫૯.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૪૧૬.૧૫, આઈઆઈએફએલ રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૪૩૨, રિલાયન્સ કેપિટલ રૂ.૫.૩૦ ઘટીને રૂ.૧૫૦.૦૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૪.૯૫ ઘટીને રૂ.૭૧૧, ભારત ફિન રૂ.૨૭.૧૫ ઘટીને રૂ.૧૦૪૦.૬૫, બંધન બેંક રૂ.૧૩.૩૫ ઘટીને રૂ.૫૯૦.૨૫, ઈક્વિટાસ રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૨૯, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૬ ઘટીને રૂ.૭૩૨.૮૦, પીએનબી રૂ.૧.૮૦ ઘટીને રૂ.૮૬.૬૦, ઈન્ડિયન બેંક રૂ.૪.૩૦ ઘટીને રૂ.૨૫૩.૨૦, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૩૭.૫૦ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક વેચવાલી ઃ ૧૩૯૯ શેરો નેગેટીવ બંધ ઃ ૧૭૯ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના  શેરોમાં ફરી વ્યાપક વેચવાલી નીકળતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૯૯ અને વધનારની સંખ્યા ૧૧૦૪ રહી હતી. ૧૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

FIIની કેશમાં રૂ.૩૭૮૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી ઃ DIIની રૂ.૪૦૭૦ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૩૭૮૫.૭૩ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦૨૩૯.૩૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૪૫૩.૬૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૦૬૯.૯૮ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૫૪૨.૧૪ કરોડની ખરીદી સામે રૂ.૮૬૧૨.૧૨ કરોડની વેચવાલી થઈ હતી. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L4ybr1
via Latest Gujarati News

Post a Comment

0 Comments