મુંબઈ, તા.૨૭
લોઢા સમિતિની ભલામણોના અમલ સામે વિવિધ રાજ્યોના એસોસિએશનો કરેલા કેસો લડવા પાછળ ભારતીય ક્રિકેટ બોર્ડે આશરે રૃપિયા ૩૫૦ કરોડનો અધધ ખર્ચ કર્યો છે. એક મીડિયા રિપોર્ટમાં બીસીસીઆઈના વિશ્વસનીય સૂત્રોને ટાંકીને જણાવવામા આવ્યું છે કે, લોઢા સમિતિની ભલામણો સંબંધિત કેસો લડવા માટે બીસીસીઆઇએ છેલ્લા ત્રણ વર્ષોમાં વકીલોને સાડા ત્રણસો કરોડ જેટલી ફીની ચૂકવણી કરી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના વહિવટને વધુ પારદર્શી અને જવાબદાર બનાવવા માટે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ આર.એમ. લોઢાની આગેવાની હેઠળની પેનલે ક્રિકેટ જગતના દિગ્ગજોથી માંડીને સામાન્ય નાગરિકોની સલાહ લઈને ભલામણો તૈયાર કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ૧૮મી જુલાઈ, ૨૦૧૬ના રોજ અપનાવી લીધી હતી. આમ છતાં હજુ ઘણા બધા રાજ્યોના એસોસિએશનોએ તેનો અમલ કર્યો નથી અને તેની સામે વિરોધ દર્શાવતી અરજીઓ સુપ્રીમમાં કરી છે. આ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં તારીખ બીજી મે ના રોજ આગળ ચાલવાનો છે.
વિશ્વના ધનાઢય ક્રિકેટ બોર્ડનું મુખ્ય કામ તો ભારતમાં ક્રિકેટના પ્રચાર પ્રસારનું છે અને તેને તેની આવકનો ખર્ચ ક્રિકેટના પ્રચાર-પ્રસારમાં કરવાનો હોય તેવું માનવામાં આવે છે. જોકે વિશ્વના ધનાઢ્ય ક્રિકેટ બોર્ડને વિવિધ અદાલતોમાં પણ કેસ લડવા પડે છે અને આ માટે તેની પાસે વકિલોની 'ટીમ ઈન્ડિયા' છે. જે કાયદાકીય મેદાનમાં લડત આપે છે.
રસપ્રદ બાબત એ છે કે, ઘણી વખત સુનાવણી કોઈ પણ કાર્યવાહી વિના સ્થગિત થઈ જતી હોય છે, આમ છતાં વકીલોને તો કોર્ટમાં હાજરી આપવા બદલ રૃપિયા ૨૫ લાખની ફી તો ચૂકવવી જ પડે છે. જેની સામે બોર્ડ પણ કોઈ વિરોધ કરતું નથી.
બીસીસીઆઇમાં જુદા-જુદા વકીલો-ફર્મની ભરમાર
બીસીસીઆઇ અને હોદ્દેદારો તેમજ અન્ય સભ્યોના કેસો લડવા માટે કોઈ એક ચોક્કસ વકીલ કે વકીલાત અંગેની ફર્મ નથી, પણ બધા તેમની અનુકૂળતા મુજબ વકીલો કે ફર્મની પસંદગી કરતાં હોય છે. બીસીસીઆઇના કાયદાકીય વિભાગના મામલા એક ફર્મ સંભાળે છે. કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના વકીલો અલગ છે. લોઢા સમિતિની ભલામણોનો વિરોધ કરનારા કાર્યકારી પ્રમુખ, કાર્યકારી સેક્રેટરી અને કાર્યકારી ટ્રેઝરરના કાયદાકીય બીલોની ચૂકવણી પણ બીસીસીઆઇ કરે છે. બોર્ડના ૩૪ સ્ટેટ એસોસિએશનોમાંથી ઘણાએ લોઢા સમિતિની ભલામણોને સ્વીકારી નથી. હવે આ રાજ્યોના એસોસિએશનોએ આટલા વર્ષો બોર્ડ પાસેથી જે ગ્રાન્ટની રકમ મેળવી છે, તેમાંથી જ તેઓ કાયકાદીય ફીની ચૂકવણી કરતાં હોવાનું મનાય છે. બોર્ડના સૂત્ર જણાવે છે કે, રાજ્યોના એસોસિએશનોના વકીલોની સંખ્યા કુલ મળીને ૧૫૦ની આસપાસની છે અને તેઓએ એપેક્સ કોર્ટમાં લોઢા સમિતિની ભલામણો સામે ૧૦૦થી વધુ મધ્યસ્થીની અરજીઓ (ઈન્ટરવેનિંગ એપ્લિકેશન્સ) કરી છે.
મુકદ્દમાના બંને પક્ષકારોનો ખર્ચ બીસીસીઆઇ ભોગવે છે !
' જસ્ટીસ લોઢા સમિતિની ભલામણો અંગેના કેસોની પાછળ બોર્ડે છેલ્લા ત્રણ વર્ષમાં રૃપિયા ૩૫૦ કરોડ કાયદાકીય ફી પેટે ચૂકવ્યા છે. આ વિશ્વનો એક એવો અનોખો મુકદ્દમો છે કે, જેમાં અરજદાર અને બચાવપક્ષ એમ બંનેનો ખર્ચ એક જ સંસ્થા - બીસીસીઆઇ ઉઠાવે છે. આ ખરેખર અનોખો મુકદ્દમો કહેવાય એક પ્રકારે તો વિશ્વ વિક્રમ કહી શકાય. - બીસીસીઆઇના સૂત્રો
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GN9QBT
via Latest Gujarati News
0 Comments