આજે બેંગ્લોરને આઇપીએલમાં સતત ચોથી જીતની તલાશ : દિલ્હી સામે મુકાબલો

દિલ્હી, તા.૨૭

આઇપીએલમાં અત્યાર સુધી સરપ્રાઈઝ પેકેજ સાબિત થયેલી ફિરોઝ શાહ કોટલા મેદાનની પીચ પર આવતીકાલે દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે થશે. આઇપીએલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમની નજર પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવા તરફ છે. જ્યારે બેંગ્લોર સતત ચોથી જીતની સાથે પ્લે ઓફની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે. સાંજે ૪.૦૦ વાગ્યાથી આ મુકાબલો શરૃ થશે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના માર્ગદર્શન હેઠળની બેંગ્લોરની ટીમ સતત છ મેચો હારીને બહાર ફેંકાયેલી મનાતી હતી. આઇપીએલમાં દર વર્ષે જોવા મળતાં ચડાવ ઉતારની જેમ જ બેંગ્લોર બધાના આશ્ચર્ય વચ્ચે અચાનક જીતવા લાગી છે. તેઓ છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીત્યા છે અને છેલ્લી ત્રણ મેચમાં તો સતત વિજય મેળવી ચૂક્યા છે. આઇપીએલમાં વર્ષો વર્ષ પોઈન્ટ ટેબલમાં છેક તળિયે રહેલી ટીમો અચાનક ઉપર આવતી અને પ્લે ઓફમાં નિશ્ચિત લાગતી ટીમો અચાનક બહાર ફેંકાઈ જતી હોય છે. આવું જ કંઈક હાલ જોવા મળી રહ્યું છે. 

દિલ્હીને હોમગ્રાઉન્ડ પર કેપ્ટન ઐયરની સાથે સીનિયર બેટ્સમેન ધવન, પૃથ્વી શૉ, રિષભ પંત જેવા ખેલાડીઓના શાનદાર દેખાવની આશા છે. ટીમની બોલિંગની જવાબદારી મોરીસ, રબાડા તેમજ ઓલરાઉન્ડર અક્ષર પટેલ સંભાળશે. મુનરો અને ઈનગ્રામ પણ નિર્ણાયક બની શકે છે. 

બેંગ્લોરનો મદાર ડી વિલિયર્સ પર વિશેષ છે. કોહલી એકાદ-બે સિવાયની ઈનિંગ્સમાં ફ્લોપ રહ્યો છે. મોઈન અલી કદાચ આવતીકાલની મેચમાં જોવા નહિ મળે અને તેની ખોટ સ્પષ્ટપણે પડશે. વોશિંગ્ટન સુંદર, નેગી, ક્લાસન, સિરાજ, ચહલ અને ઊમેશ યાદવ ટીમને જીતાડવા માટે પ્રયાસ કરશે. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WanOmP
via Latest Gujarati News

Post a Comment

0 Comments