
રિયાધ, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
સાઉદી સરકારે આજે જણાવ્યુ હતું કે આતંકવાદી પ્રવૃત્તિ બદલ મંગળવારે ૩૭ લોકોને દેહાતદંજની સજા દેવાઈ છે. સાઉદીના આંતરીક સુરક્ષા મંત્રાલયે જણાવ્યુ હતુ કે આ ૩૭ વ્યક્તિઓ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેઓ ભવિષ્યમાં હુમલાનું આયોજન કરી રહ્યા હતા અને એક સિક્યુરિટી ગાર્ડની હત્યા પણ કરી હતી.
સાઉદી અરબ મૃત્યુદંડની સજા આપવામાં બહુ ઉદાર દેશ છે. ત્યાં રાજાશાહી હોવાથી તત્કાળ ન્યાય થાય છે અને સજાનો અમલ પણ તુરંત કરવામાં આવે છે. સાઉદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે રિયાધ ખાતેની આંતકવાદ સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને તેમાં આ સૌ કસૂરવાર જણાયા હતા. આ ૩૭ વ્યક્તિઓને રિયાધ, મક્કા, મદિના, અલ શરિયાક, અલ કાસિમ અને અસર એમ છ શહેરમાં દેહાતદંડની સજા આપવામાં આવી હતી.
ફાંસીનો સામુહિક કાર્યક્રમ યોજાયો હતો. આ બધા જ પડોશી દેશમાંથી આવેલા કે અન્ય ધર્મના નાગરિકો ન હતા. બધા સાઉદી નાગરિકો જ હતા. એમાંથી વળી અબ્દુલ કરીમ અલ તોરવેગી નામના એક નાગરિકે તો ફાંસીના સ્તંભ સાથે ખીલા ઠોકીને જડી લેવાયો હતો. એમ સાઉદી સરકારે જણાવ્યુ હતુ. સાઉદીમાં દેહાતદંડ આપવાની પણ અલગ અલગ પ્રથા અમલી છે. ત્યાં દોરડે લટકાવીને સજા આપવામાં નથી આવતી, પરંતુ મોટે ભાગે તલવારના એક ઝાટકે ધડથી મસ્તક જુદું કરી દેવાય છે.
ફેબુ્રઆરીમાં સાઉદી અરબે બે ભારતીય (પંજાબી) નાગરિકોના પણ માથા ધડથી જૂદા કરી તેમને દેહાતદંડ આપ્યો હતો. આ બન્ને નાગરિકો સાઉદીમાં ચોરી અને ખૂનના કેસમાં ઝડપાયા હતા. તેમના વિરૃદ્ધ કાર્યવાહી કરી ફાંસી આપી દેવાઈ હતી. એ ફાંસી આપતા પહેલા સાઉદી સ્થિત ભારતીય એમ્બેસીને પણ જાણ કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, તેમના મૃતદેહો પણ ભારતમાં મોકલાયા નથી. એ રીતે એપ્રિલની શરૃઆતમાં જ નાઈજિરિયાની એક મહિલાને ડ્રગ્સની હેરાફેરી માટે સાઉદી અરબે ફાંસી આપી હતી.
સાઉદી સરકારે આ ફાંસી પછી સ્પષ્ટતા કરી હતી કે દેશની શાંતિ જોખમાય એવી કોઈ પણ પ્રવૃત્તિ અમે ચલાવી લેવા માંગતા નથી. ૨૦૧૬માં સાઉદી સરકારે રાજવી પરિવારના કુંવરને પણ ગુનાખોરી બદલ ફાંસી આપી દીધી હતી. તુર્કી બીન સાઉદ અલ-કબીર નામના એ કુંવર પર ૩ વર્ષ સુધી કેસ ચાલ્યો હતો. એ પછી ગુનેગાર જણતા એ રાજવી પરિવારનો સભ્ય છે એ વાતની પરવા કર્યા વગર ફાંસી આપી દેવાઈ હતી. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે આ વર્ષમાં અત્યાર સુધીમાં ૧૦૦થી વધારે વ્યક્તિને મૃત્યુદંડની સજા આપી તેનો અમલ કરવામાં આવ્યો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XB2rLJ
via Latest Gujarati News
0 Comments