અનિલ અંબાણી પાસેથી પૈસા વસુલીને તેનો ઉપયોગ ન્યાય સ્કીમમાં કરાશે : રાહુલ


શહડોલ/શિહોરા, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ ફરી એક વાર મધ્યપ્રદેશમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવ્યા હતા. સાથે જ લોકોને વચન આપ્યુ છે કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો તેઓ રાફેલ યુધ્ધ વિમાનનું ઉત્પાદન ભારતમાં જ કરશે. મધ્ય પ્રદેશના શિહોરા અને શહડોલમાં ચૂંટણી સભાઓને સંબોધતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતા જણાવ્યુ હતુ કે મોદીએ પોતાને ચોકીદાર ગણાવીને બધા ચોકીદારોનુ નામ ખરાબ કર્યુ છે. 

રાહુલ ગાંધીએ જણાવ્યુ કે અનિલ અંબાણી જેવા લોકો પાસેથી પૈસા વસુલીને તેનો ઉપયોગ ન્યાય સ્કીમમાં કરીશ. જે અંતર્ગત લાભાર્થી પરિવારોને વાર્ષિક ૭૨ હજાર રૃપિયા આપવામાં આવશે.

રાફેલ મુદ્દે પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યુ કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો રાફેલ વિમાન ફ્રાન્સના બદલે ભારતમાં બનાવવામાં આવશે. કોંગ્રેસ સરકાર ફ્રાન્સના બદલે ભારતને ફાયદો થાય તેવી નવી ડીલ કરશે. સાથે જ તેમણે વડાપ્રધાન મોદીને રાફેલ અને ભ્રષ્ટાચાર મુદ્દે તેની સામે ૨૦ મિનિટ ચર્ચા કરવાની ચુનોતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે નોટબંધી અને જીએસટીના અણઘડ પ્લાનિંગથી નાના ઉદ્યોગો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ઉપરાંત મોદીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ફાયદા માટે તેમની કંપનીને ૩૦ હજાર કરોડ આપ્યા હોવાની વાત પણ કરી હતી. વધુમાં કહ્યુ કે અમે આપેલા બધા જ વચનો પાળીશું. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વચન મુજબ ખેડૂતોને લોનમાફીનો લાભ આપવામાં આવ્યો છે. ઉલ્લખનીય છે કે રાહુલ ગાંધીએ સોમવારે સુપ્રિમના ચુકાદામાં ચોકીદાર અંગેના પોતાના નિવાદન અંગે માફી માંગી હતી. ત્યારબાદ તેઓ ફરી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vhXZW3
via Latest Gujarati News

Post a Comment

0 Comments