નવા ત્રણ ટ્રેડીંગ દિવસના ટૂંકા સપ્તાહમાં સેન્સેક્સ 39111 થી 38333 અને નિફટી સ્પોટ 11777થી 11511 વચ્ચે અથડાશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 13 એપ્રિલ, 2019, શનિવાર

લોકસભા ચૂંટણીના મંડાણ ગત સપ્તાહમાં થઈ જઈ પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં ૮૦ ટકા મતદાન અને બિહારમાં ૫૦ ટકા મતદાન થયાના આંકડા બાદ હવે ૧૮,એપ્રિલના યોજાનાર બીજા તબક્કાના મતદાન પૂર્વે કોર્પોરેટ ઈન્ડિયાના જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિકના પરિણામોની શરૂ થયેલી સીઝન ભારતીય શેર બજારોમાં આગામી ટૂંકા ત્રણ ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં બે-તરફી અફડાતફડી બતાવશે. કંપનીઓના પરિણામોની શરૂઆત ગત સપ્તાહના અંતે ઈન્ફોસીસ અને ટીસીએસના અપેક્ષાથી સારા રિઝલ્ટે થયા છતાં આ કંપનીઓ પૈકી ઈન્ફોસીસ નવા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આવક વૃદ્વિના અપેક્ષાથી નબળા અંદાજો રજૂ કરતાં પરિણામો આગામી સપ્તાહમાં ખાસ બજાર પર અસર કરનાર નહીં રહેવાની શકયતા છે. આ ટૂંકા સપ્તાહમાં બજારમાં ગત સપ્તાહની જેમ સાવચેતી સાથે બે-તરફી અફડાતફડી રહેવાની શકયતા છે.

કંપની પરિણામોની સાથે ફુદાવાના માર્ચ મહિનાના આંક, રૂપિયા-ડોલરની વધઘટ અને ક્રુડ ઓઈલના ભાવ પર નજર

કોર્પોરેટ પરિણામોની સાથેસાથે આગામી સપ્તાહમાં જાહેર થનારા ફુગાવાના માર્ચ મહિનાના આંક અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યની વધઘટ તેમ જ ક્રુડ ઓઈલના ભાવ પર બજારની નજર રહેશે. કોર્પોરેટ પરિણામોમાં આગામી સપ્તાહમાં ક્રિસિલના રિઝલ્ટ ૧૬,એપ્રિલના  અને આરબીએલ બેંકના ૧૮,એપ્રિલ તેમ જ ટાટા કોફીના રિઝલ્ટ ૧૯,એપ્રિલ ૨૦૧૯ના જાહેર થનાર છે. જ્યારે ફુગાવાના માર્ચ ૨૦૧૯ મહિના માટેના હોલસેલ ફુગાવાનો આંક સોમવારે ૧૫,એપ્રિલ ૨૦૧૯ના જાહેર થશે. વૈશ્વિક મોરચેઅમેરિકાના રીટેલ વેચાણના માર્ચ મહિનાના આંક ૧૮,એપ્રિલ ૨૦૧૯ના જાહેર થશે. 

૧૭,એપ્રિલના મહાવીર જયંતિ અને ૧૯,એપ્રિલના ગુડ ફ્રાઈડેના બજારો બંધ રહશે : નિફટી ૧૧૭૭૭ થી ૧૧૫૧૧ વચ્ચે અથડાશે

આગામી સપ્તાહમાં ભારતીય શેર બજારો બુધવારે ૧૭,એપ્રિલ ૨૦૧૯ના રોજ મહાવીર જયંતિ નિમિતે અને શુક્રવારે ૧૯,એપ્રિલ ૨૦૧૯ના ગુડ ફ્રાઈડે નિમિતે બંધ રહેનાર છે. જેથી આગામી ત્રણ ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં કંપની પરિણામો, ફુગાવાના આંક, લોકસભા ચૂંટણીના ઘમાસાન અને રૂપિયા સામે ડોલરના મૂલ્યમાં વધઘટ તેમ જ ક્રુડ ઓઈલના ભાવની વધઘટ વચ્ચે સેન્સેક્સ ૩૯૧૧૧ થી ૩૮૩૩૩ અને નિફટી ૧૧૭૭૭ થી ૧૧૫૧૧ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા છે.

ડાર્ક હોર્સ : વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિ.

બીએસઈ(૫૩૨૭૫૭), એનએસઈ (VOLTAMP)  લિસ્ટેડ રૂ.૧૦ પેઈડ-અપ, ૪૮.૪૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, FII/FPI  પાસે ૧૫.૫૮ ટકા હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૮.૭૪ ટકા હોલ્ડિંગ અને આમ જનતા હસ્તક માત્ર ૯.૭૩ ટકા  હોલ્ડિંગની, સંપૂર્ણ ડેટ-ઋણ મુક્ત, રૂ.૬૧૦ કરોડનું રિઝર્વ ધરાવતી, વર્ષ ૧૯૬૩માં શરૂ થયેલી અને લલિત પટેલ દ્વારા પ્રમોટેડ, વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિમિટેડ(VOLTAMP TRANSFORMERS LIMITED)  ISO/IEC 17025/2005, ISOQAR દ્વારા ISO 9001:2008 પ્રમાણીત, આઈએસઓ ૬૨૨૭૧MORA-GERMANY અને HTT-GERMANY  સાથે તકનીકિ સહયોગ દ્વારા વડોદરા-મકરપુરા ખાતે ૬ એકર જમીન પર અંદાજે ૧.૨૦ લાખ ચોરસ ફૂટ માત્ર વાપરેલી બિલ્ટ અપ વિસ્તારમાં પાવર ટ્રાન્સફોર્મર્સ માટે બે પ્લાન્ટ અને વડાદી -વડોદરા ખાતે ડિસ્ટ્રબ્યુશન અને વર્ષ ૨૦૦૯થી કાર્યરત કરેલી ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર્સ માટેની ક્ષમતા મળીને વાર્ષિક ૧૩૦૦૦ એમવીએ ત્રણ શિફ્ટ ધોરણે કુલ સ્થાપિત ક્ષમતા ધરાવતી અને ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને મિડલ ઈસ્ટ એશીયા, સાઉથ ઈસ્ટ અને આફ્રિકન દેશોમાં હજારો કેવીએ ક્ષમતા સાથે ૫૩,૦૦૦થી વધુ ઈન્સ્ટોલેશન કરી ચૂકેલી કંપની છે. કંપની ઓઈલ ફિલ્ડ પાવર અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સ ૧૬૦ એમવીએ સુધી , ૨૨૦ કે વી ક્લાસ, રેસીન ઈમ્પ્રિજનેટ ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર્સ ૧૨.૫ એમવીએ, ૩૩ કેવી ક્લાસનું મેન્યુફેકચરીંગ કરે છે. 

કંપની માત્ર પાવર ક્ષેત્ર કે પછી રાજય વિદ્યુત બોર્ડ(એસઈબીઝ) પર નિર્ભર નહીં રહેતાં કંપનીના ડ્રાય ટ્રાન્સફોર્મર્સનો ઉપયોગ વિવિધ ઉદ્યોગ જેમ કે કેમિકલ્સ, એફએમસીજી, હોટલ્સ, હોસ્પિટલો સહિતમાં ઉપયોગ થાય છે. જ્યારે ઓઈલ બેઝડ ટ્રાન્સફોર્મર્સનો ઉપયોગ પાવર ઉદ્યોગમાં થાય છે. કંપનીના કુલ બિઝનેસમાં ૭૦ ટકા ડ્રાય ટ્રાન્સફોર્મર્સ અને બાકી ૩૦ ટકા ઓઈલ બેઝડ ટ્રાન્સફોર્મર્સનો છે. ઘણી વખત ડ્રાય ટ્રાન્સફોર્મર્સ પાવર પ્લાન્ટોમાં સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવે છે. કંપની તેના ગ્રાહકો સરકારી અને સેમી સરકારી પ્રોજેક્ટો માટે, રિફાઈનરીઝ, ફર્ટિલાઈઝર્સ પ્લાન્ટો, પાવર ક્ષેત્ર, ફાર્મા, પેપર, સ્ટીલ, સિમેન્ટ વગેરે ઉદ્યોગોમાં ધરાવે છે. કંપનીના ઉત્પાદનોનો ૯૦ ટકાથી વધુ ઉપયોગ એસઈબીઝ સિવાયના ઉદ્યોગોમાં થાય છે. જેમાં મોટાભાગના ઉદ્યોગો ખાનગી અને પ્રતિષ્ઠિત કંપનીઓ છે. ૧૦ ટકાથી ઓછા એસઈબી ગ્રાહકો છે. કંપની સોલાર  બેઝડ પાવર પ્લાન્ટોમાં ઉપયોગમાં લેવાતાં ટ્રાન્સફોર્મર્સનું પણ મેન્યુફેકચરીંગ કરે છે. સરકાર દ્વારા રીન્યુએબલ એનજીૅ પર ફોક્સ વધારાયું છે અને અત્યારે આ સેગ્મેન્ટમાંથી માંગ વધારે છે. ઉદ્યોગ અત્યારે સ્થાપિત ક્ષમતાના ૬૫ ટકા ઓપરેટીંગ ક્ષમતાએ કાર્યરત છે, બીજા ઘણા સાહસિકોએ અન્ય બિઝનેસો પણ શરૂ કરતાં ટ્રાન્સફોર્મર્સ પરનું ફોક્સ ઘટયું છે. છેલ્લા આઠ વર્ષમાં નવી ક્ષમતાનો ઉદ્યોગમાં ઉમેરો થયો નથી. જો કે કંપની ૮૫ ટકા ક્ષમતા વપરાશે કાર્યરત છે અને ઉદ્યોગની તુલનાએ સારી ક્ષમતાએ કાર્યરત છે. કંપનીએ આઠ વર્ષ બાદ ક્ષમતામાં વૃદ્વિની આવશ્યકતા રહેશે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૯૨૦૦ એમવીએ ટ્રાન્સફોર્મરોનું ઉત્પાદન કર્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૯માં ૧૧૦૦૦ એમવીએ જેટલું ઉત્પાદન કરવાના ઉદ્દેશ સાથે વધતી પૂછપરછો સાથે કંપની નાણાકીય વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧૩૦૦૦ એમવીએ સ્થાપિત ક્ષમતાએ પહોંચવાની આવશ્યકતા રહેશે. 

ઓર્ડર બુક : 

કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯ની શરૂઆત એપ્રિલ ૨૦૧૮ના રૂ.૩૨૫ કરોડની ૫૧૮૫ એમવીએ સમકક્ષ ઓર્ડર બુક સાથે કર્યા બાદ ડિસેમ્બર ૨૦૧૮ મુજબ રૂ.૪૭૫ કરોડની ઓર્ડર બુક છે. જેમાં વાર્ષિક ધોરણે ૨૦ ટકા વૃદ્વિ થઈ છે. વિન્ડ પાવર ક્ષેત્ર તરફથી ટ્રાન્સફોર્મરની માંગ વધી રહી છે. સોલાર પાવર ક્ષેત્રે સરકાર૨૦,૦૦૦ મેગાવોટ માટે સરકારી ટેન્ડરો તૈયાર છે.

ગ્રાહકોની યાદી :

કંપનીના પ્રમુખ ગ્રાહકોમાં એન્જિનિયર્સ ઈન્ડિયા, કાવરનેર, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ, એમએન ડસ્તુર, અવાન્ટ ગાર્ડે, ટોયો એન્જિનિયરીંગ, જેકોબ્સ એચજી, યુએચડીઈ, કેમટેક્ષ એન્જિનિયરીંગ, દલાલ કન્સલ્ટન્ટસ, બેકટેલ, મીકોન, ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટસ, ફિચનર કન્સલ્ટિંગ એન્જિનિયર્સ સહિતના આંતરરાષ્ટ્રીય અગ્રણી કન્સલ્ટન્ટ્સ હોવા ઉપરાંત ટર્નકી કોન્ટ્રેકટર્સમાં એબીબી, સિમેન્સ, એલ એન્ડ ટી વગેરે છે.

પાવર ક્ષમતામાં છેલ્લા પાંચ વર્ષમાં ઓછી ક્ષમતાં ઉમેરા અને ટી એન્ડ ડીના મંદ વિસ્તરણના કારણે ટ્રાન્સફોર્મર્સની માંગ મંદ રહી છે, જ્યારે ઉદ્યોગમાં આ સમયગાળામાં સ્થાનિક અને વિદેશની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ મેન્યુફેકચરીંગ ક્ષમતા બમણા જેટલી થઈ ગઈ હતી, આ સામે ક્ષમતા વપરાશ સરેરાશ ૬૦ ટકા રહી છે. હવે નવી સરકારે દેશના ઝડપી આર્થિક વિકાસ માટે આ ક્ષેત્ર પ્રમુખ હોવાથી આ ક્ષેત્રને મહત્વ આપીનેલક્ષ્યાંક મુજબ પાવર ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે અટવાયેલા પાવર પ્રોજેકટોને આગળ વધારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હોવાથી પાવર ટ્રાન્સફોર્મર્સની માંગમાં પણ વધારો અપેક્ષિત છે.

ડિવિડન્ડ :

વર્ષ ૨૦૧૨માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૧૩માં ૧૫૦ ટકા, વર્ષ ૨૦૧૪માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૧૫માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૧૬માં ૧૨૫ ટકા, વર્ષ ૨૦૧૭માં ૧૫૦ ટકા, વર્ષ ૨૦૧૮માં ૧૫૦ ટકા

બુક વેલ્યુ :

માર્ચ ૨૦૧૨ના રૂ.૩૯૦.૫૬, માર્ચ ૨૦૧૩ના રૂ.૪૦૫.૫૩, માર્ચ ૨૦૧૪ના રૂ.૪૧૯.૮૨, માર્ચ ૨૦૧૫ના રૂ.૪૩૫.૧૭, માર્ચ ૨૦૧૬ના રૂ.૪૬૪.૧૪, માર્ચ ૨૦૧૭ના રૂ.૫૫૮.૪૮, માર્ચ ૨૦૧૮ના રૂ.૬૧૨.૯૫, અપેક્ષિત માર્ચ ૨૦૧૯ના રૂ.૬૯૯.૧૫

શેર હોલ્ડિંગ :

પ્રમોટર્સ હસ્તક ૪૮.૪૨ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૮.૭૪ ટકા પૈકી ડીએસપી બ્લેક રોક સ્મોલ કેપ ફંડ પાસે ૩.૯૪ ટકા, યુટીઆઈ મિડ કેપ ફંડ હસ્તક ૫.૫ ટકા, રિલાયન્સ કેપિટલ ટ્રસ્ટી કંનપી પાશે ૯.૧૧ ટકા,  ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૧૫.૫૮ ટકા પૈકી    નાલંદા ઈન્ડિયા ઈક્વિટી ફંડ પાસે આ પૂર્ણ ૧૫.૫૮ ટકા હોલ્ડિંગ અને રૂ.૨ લાખ સુધીનું વ્યક્તિગત શેર ધારકો પાસે ૯.૭૩ ટકા હોલ્ડિંગ છે.

નાણાકીય પરિણામો :

(૧) સંપૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ :

ચોખ્ખી આવક રૂ.૬૧૦.૯૩ કરોડની તુલનાએ વધીને રૂ.૬૩૯.૦૨ કરોડ મેળવીને એનપીએ ૧૦.૮૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૨.૨૧ કરોડની તુલનાએ વધીને રૂ.૭૩.૪૮ કરોડ  નોંધાવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૧.૪ થી વધીને રૂ.૭૨.૬  હાંસલ કર્યા હતા.

(૨) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ :

ચોખ્ખી આવક રૂ.૧૬૦.૧૦ કરોડની તુલનાએ ૩૪ ટકા વૃદ્વિએ રૂ.૨૧૫.૧૭  કરોડ મેળવીને ઊંચા વેરા દર અને લિક્વિડ અને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં રોકાણો પર એમટીએમ નુકશાનીના કારણે અન્ય આવક ઓછી થતાં એનપીએમ ૯.૮૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૩.૬૦ કરોડની તુલનાએ ૬ ટકા ઘટીને રૂ.૨૨.૨૪ કરોડ નોંધાવીને શેર દીઠ આવક રૂ.૨૧.૯૭ હાંસલ કરી હતી.

(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ :

ચોખ્ખી આવક રૂ.૪૧૯.૪૫ કરોડની તુલનાએ ૩૬ ટકા વધીને રૂ.૫૭૦.૦૫ કરોડ મેળવીને એનપીએમ ૮.૮૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫૩.૩૭ કરોડની તુલનાએ એક ટકા ઘટીને રૂ.૫૨.૬૭ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક રૂ.૫૨.૦૫ હાંસલ કરી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૮૪૭.૩૭  કરોડ મેળવીને અપેક્ષિત એનપીએમ  ૯.૫૮ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૮૧.૧૭કરોડ નોંધાવીને શેર દીઠ આવક ૮૦.૨૦ અપેક્ષિત છે. 

(૫) વેલ્યુએશન : સિંગલ B :

પાવર-ટ્રાન્સમિશન અને ઈક્વિપમેન્ટ  ઉદ્યોગના સરેરાશ ૧૬ના પી/ઇ જેટલો જ પી/ઈ આપીએ તો રૂ.૧૨૮૦ને આંબી શકે એ માટે વેલ્યુએશનસિંગલ B

આમ (૧) સંપૂર્ણ ઋણ-મુક્ત, રૂ.૬૧૦ કરોડનું રિઝર્વ ધરાવતી (૨) ૪૮.૪૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, એફઆઈઆઈઝ પાસે ૧૫.૫૮ ટકા હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૮.૭૪ ટકા હોલ્ડિંગ અને આમ જનતા હસ્તક માત્ર ૯.૭૩  ટકા હોલ્ડિંગની (૩) ૧૫૦ ટકા ડિવિડન્ડ ચૂકવતી (૪) પ્રતિષ્ઠિત ગ્રાહકો ધરાવતી (૫) અપેક્ષિત વર્ષ પૂર્ણ ૨૦૧૮-૧૯માં અપેક્ષિત ઈપીએસ રૂ.૮૦.૨૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૯૯.૧૫ સામે  એનએસઈ, બીએસઈ પર રૂ.૧૧૧૧.૧૦ ભાવે ૧૩.૮૫ના પી/ઈએ ઉપલબ્ધ છે.

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v5I5hw
via Latest Gujarati News

Post a Comment

0 Comments