ફિલિપાઈન્સમાં 50 હજાર વર્ષ પહેલાં રહેતા આદિમાનવોના અવશેષો મળ્યાં


મનિલા, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

ફિલિપાઈન્સમાંથી આદિમાનવની નવી પ્રજાતિ મળી આવી છે. આ પ્રજાતિનું નામ હોમો લુજોનેનસિસ રાખવામાં આવ્યું છે. તેનો વર્તમાન માનવ સૃષ્ટિ સાથે સીધો સંપર્ક નથી, પણ એ પહેલાંની આદિમાનવ પ્રજાતિ સાથે તેની કડી મળે છે. આ માનવો ફિલિપાઈન્સમાં ૫૦ હજાર વર્ષ પહેલાં રહેતા હોવાની શક્યતા છે.

ફિલિપાઈન્સ, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ ફિલિપાઈન્સની કેલો નામની ગુફામાંથી આદિમાનવના દાંત, હાડકા જેવા અવશેષો શોધી કાઢ્યા છે. ૫૦ હજારથી ૬૭ હજાર વર્ષ પહેલાંના આ અવશેષો માનવ અસ્તિત્વના ઈતિહાસને લગતી નવી કડી તરફ ધ્યાન દોરે છે.

હોમો લુજોનેનસિસ નામની આ પ્રજાતિ વર્તમાન માનવો સાથે સીધું જોડાણ ધરાવતી નથી, પણ એ પહેલાંના આદિમાનવો સાથે તેનું જોડાણ હોવાની શક્યતા છે. આદિ માનવોના કાળખંડ પ્રમાણે તેમને અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે, તેમાં એક કડી જોડી આપવાનું કામ આ સંશોધનથી થશે એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.

ફિલિપાઈન્સના લુજોન ટાપુની કેલો નામની ગુફામાંથી મળી આવ્યા હોવાના કારણે આ અવશેષોને લુજોનેનસિસ નામ અપાયું છે. અગાઉ આ જ ગુફા આસપાસના વિસ્તારમાંથી ૨૦૦૭માં ૬૭ વર્ષ જૂના આદિમાનવનું હાડકું મળી આવ્યું હતું.

નેચર જર્નલમાં આ સંશોધનપત્ર પ્રસિદ્ધ થયું છે. નેચરે નોંધ મૂકી છે કે આદિમાનવોનો ઈતિહાસ આપણે વર્તમાન માનવો જેવો ધારીએ છીએ એટલો સપાટ નથી. તેમાં અલગ અલગ કાળખંડ પ્રમાણે ઘણું વૈવિધ્ય છે અને તેમાં સંશોધન કરવાથી અનેકાનેક રહસ્યો ઉકેલી શકે તેમ છે. સંશોધકોને મુંઝવતો સવાલ એ છે કે આ પ્રજાતિના આદિવાસીઓ આ ટાપુ ઉપર ૫૦ હજાર વર્ષ પહેલાં કેવી રીતે આવ્યા હતા અને તેમના પૂર્વજો કોણ હશે? સંશોધકોએ આ ખોજને અસાધારણ ગણાવી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdTuAO
via Latest Gujarati News

Post a Comment

0 Comments