હેમાને નહીં જીતાડો તો ટાંકી પર ચડી જઈશ: ધર્મેન્દ્રની શોલે સ્ટાઈલમાં અપીલ


(પીટીઆઈ) મથુરા, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

હિંદી સિનેમાની ડ્રીમ ગર્લ તરીકે પ્રખ્યાત વરિષ્ઠ અભિનેત્રી હેમા માલિની ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મથુરા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ધર્મેન્દ્ર પણ પોતાની પત્નીના સમર્થનમાં મથુરા પહોંચી ગયા હતા.

અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈથી ખાસ પોતાની પત્ની હેમાના સમર્થનમાં મથુરા પહોંચ્યા હતા અને તેમણે હેમાને મત આપવા માટે લોકોને ફિલ્મી સ્ટાઈલમાં અપીલ કરી હતી. ધર્મેન્દ્રે શોલે ફિલ્મના વીરુના અંદાજમાં લોકોને સંબોધિત કર્યા હતા.

તેમણે પોતાની બસંતી માટે મતની અપીલ કરતા કહ્યું હતું કે, 'ગામવાળાઓ જો તમે હેમા માલિનીને સારા મતથી જીતવામાં મદદ નહીં કરો તો આ ગામમાં જે ટાંકી છે ને... હું તેના પર ચઢી જઈશ.' તેમણે પંજાબથી લઈને આસામ સુધી અને કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી તમામ લોકો ભારત દેશને પોતાની માતા સમજે અને તેની ઉન્નતિ માટે મહેનત કરે તેવી અપીલ કરી હતી.

ભાજપના ઉમેદવાર હેમા માલિની ધર્મેન્દ્રના મથુરા આવવાથી ખૂબ ખુશ થયા હતા અને તેમણે આ પળોને યાદગાર બનાવવા માટે તેમના મથુરાના ઘરનો એક ખાસ ફોટો પણ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રે અગાઉ પણ એક ઓડિયો ક્લિપ જાહેર કરીને મથુરાના લોકો હેમા માલિનીને મત આપે તેવી અપીલ કરી હતી.

આ ચૂંટણી જીતવા માટે હેમા માલિની ખૂબ કમર કસી રહ્યા છે અને થોડા દિવસો પહેલા પ્રચાર માટે ખેતરોમાં પહોંચેલા હેમાજીએ ત્યાં ઉપસ્થિત લોકો સાથે મળીને ઘઉં પણ વાઢ્યા હતા. તેમને મથુરામાં ગઠબંધનના કારણે મોટો પડકાર મળી રહ્યો છે કારણ કે આ બેઠક પર સપા-બસપા-આરએલડીએ કુંવર નરેન્દ્ર સિંહને અને કોંગ્રેસે મહેશ પાઠકને ટિકિટ આપી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XipQBB
via Latest Gujarati News

Post a Comment

0 Comments