
તીરુઅનંતપુરમ, તા.14 એપ્રિલ, 2019, રવિવાર
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ ફરી શરૃ થઇ ગયો છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની છુટ આપી હોવા છતા મંદિરના સંચાલકો અને અન્ય રાજકીય પક્ષો આ આદેશનો વિરોધ કરી રહ્યા છે.
જોકે છેલ્લા કેટલાક દિવસથી આ વિરોધ બંધ હતો પણ હવે અચાનક તે શરૃ થઇ ગયો છે. સબરીમાલા કર્મા સંસ્થા કે જે મંદિરનું સંચાલન કરે છે તેણે ફરી રસ્તા પર ઉતરીને મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કર્યો હતો.
કેરળ સરકારની વિવિધ ઇમારતોની સામે પણ આ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જેમાં એવી માગણી કરવામાં આવી હતી કે સબરીમાલા મંદિર મુદ્દે સરકાર પોતાનું વલણ બદલે અને મહિલાઓને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં મદદ કરે.
કેરળની ડાબેરી સરકાર મંદિરમાં દરેક વયની મહિલાઓના પ્રવેશના સમર્થનમાં છે જ્યારે વિરોધીઓની એવી માગ છે કે ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશવા ન દેવી. હાલ લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ફરી સબરીમાલા વિરોધ શરૃ થઇ ગયો છે.
બીજી તરફ ડાબેરી પક્ષોએ એવી દલીલ કરી હતી કે ભાજપ સબરીમાલા મંદિરનો વિવાદ એટલા માટે ફરી ચગાવી રહી છે કેમ કે તે આમ કરીને મતદારોને ખોટી દિશામાં લઇ જઇ ઉશ્કેરવા માગે છે જેથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે સબરીમાલા મુદ્દે ભાજપ શ્રદ્ધાળુઓની સાથે છે.
સબરીમાલા મંદિરનું નામ લીધા વગર મોદીએ પણ વર્ષો જુની પરંપરાને સમર્થન આપ્યું હતું. અહીં અગાઉ એવી પરંપરા હતી કે ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓને પ્રવેશવા ન દેવી, આ પ્રથાને સુપ્રીમ કોર્ટે હટાવી દીધી અને દરેક મહિલાઓ માટે મંદિરના દરવાજા ખોલી આપ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IklPZA
via Latest Gujarati News
0 Comments