નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં પીપલ્સ એજન્ડા જન સરોકાર ૨૦૧૯ના એક કાર્યક્રમને સંબોધ્યો હતો. જે દરમિયાન તેમણે મોદી સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં જાતી, ધર્મ અને વિચારધારાના નામે ભાગલા પાડવામાં આવી રહ્યા છે.
લોકોની સાથે આ પ્રકારના ભેદભાવ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આપણા દેશની મુળ આત્માને કાવતરાના ભાગરુપે કચડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જનસરોકાર એજન્ડા જારી કરતી વેળાએ સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે વર્તમાન સરકાર બંધારણીય સંસ્થાઓને ખતમ કરવા માગે છે. તેમણે કહ્યંુ હતું કે જે બંધારણીય સંસ્થાઓએ આપણને બુલંદી પર પહોંચાડયા તે દરેકને જાણી જોઇને ખતમ કરવામાં આવી રહી છે.
૬૫ વર્ષની મહેનત પર મોદી સરકાર પાણી ફેરવી રહી છે. આજે દેશભક્તિની નવી વ્યાખ્યા લોકોને ભણાવવામાં આવી રહી છે. જાતી, ધર્મના નામે ભેદભાવ કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સરકાર લોકોને સારુ જીવન આપનારા જે અવસરો છે તેને છીનવી રહી છે. બંધારણીય અધિકારોને ફરી પ્રસ્થાપિત કરવા પડશે. દરેક વ્યક્તિની સુરક્ષાને સુનિશ્ચિત કરવી પડશે.
સોનિયાએ માગ કરી હતી કે દરેક વ્યક્તિને પોતાની વાત કહેવાનો અધિકાર મળવો જોઇએ, દરેક ભારતીયને એક સમાન અધિકાર મળવા જરુરી છે. નાગરીકોના અધિકારો છીનવાનો અધિકાર કોઇને પણ નથી. આજે લોકોના બોલવાના, ખાવાના અધિકારો છીનવાઇ રહ્યા છે અને પોતાની ઇચ્છા મૂજબના વિચારો આ વર્તમાન સરકાર લોકો પર થોપી રહી છે. કોણે શું ખાવુ પીવુ તે સરકાર નક્કી ન કરી શકે, દરેકને પોતાના અધિકારો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uNc9hC
via Latest Gujarati News
0 Comments