દેશની સેનાને મોદી સેના ગણાવનારા યોગી વિરુદ્ધ કાર્યવાહી ન કરી ચૂંટણી પંચે અયોગ્ય કર્યું : સુરજેવાલ
નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દેશની સેનાને મોદી સેના ગણાવી હતી. જેને પગલે ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી હાજર થવા કહ્યું હતું, શનિવારે યોગી પંચ સમક્ષ હાજર થયા હતા અને પોતાનો જવાબ રજુ કરી તેમને જવા દેવામાં આવ્યા હતા. જેને પગલે વિપક્ષે ચૂંટણી પંચ સામે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો.
વિપક્ષે માગણી કરી હતી કે યોગી સામે પગલા લેવામાં આવે, જોકે યોગી સામે કોઇ પગલા ન લેવાતા હવે વિપક્ષ વિફર્યો છે અને ચૂંટણી પંચ દ્વારા લાગુ મોડલ કોડ ઓફ કન્ડક્ટ (આચાર સંહિતા)ને મોદી કોડ ઓફ કન્ડક્ટ ગણાવી હતી.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે સૈન્યનું અપમાન કરનારા યોગી આદિત્યનાથ વિરુદ્ધ ચૂંટણી પંચે કોઇ જ કાર્યવાહી ન કરી, ચૂંટણી પંચે યોગીને પ્રેમ પત્ર લખ્યો અને હાજર થયા બાદ કોઇ પણ કાર્યવાહી કર્યા વગર જવા દીધા. દેશમાં જાણે મોડલ કોડ ઓફ કન્ડક્ટ નહીં પણ મોદી કોડ ઓફ કન્ડક્ટ લાગુ હોય તેમ લાગી રહ્યું છે. ચૂંટણી પંચ જે લોકો સત્તામાં છે તેમને સત્યનું દર્પણ દેખાડવાને બદલે કોઇ જ કાર્યવાહી નથી કરી રહી.
પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે કલ્યાણસિંહ, રાજીવ કુમારે પણ આચાર સંહિતાનો ભંગ કર્યો છે, કલ્યાણસિંહે રાજ્યપાલ પદે હોવા છતા ભાજપ અને મોદી માટે મત માગ્યા છે. આવા દરેક લોકો પાસેથી રાજીનામુ લઇ લેવુ જોઇએ તેવી માગણી વિપક્ષે કરી હતી. આ પહેલા નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કોંગ્રેસની ન્યાય યોજનાની ટીકા કરી હતી, જેને પગલે તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kff0dT
via Latest Gujarati News
0 Comments