(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 12 એપ્રિલ, 2019, શુક્રવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં પીછેહઠ દેખાઈ હતી. ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઉછાળે ફંડવાળા વેચવા આવ્યા હતા. અમેરિકામાં તાજેતરમાં જોબગ્રોથના આંકડા સારા આવ્યા પછી હવે જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવાઓ પણ ઘટીને ૫૦ વર્ષના તળિયે જતા રહ્યાના નિર્દેશો વહેતા થતાં વિશ્વ બજારમાં ડોલર ઉંચો ગયો હતો સામે સોનાના ભાવ દબાણ હેઠળ હતા. ક્રૂડતેલના ભાવ વધી બેરલદીઠ બ્રેન્ટક્રૂડના સાંજે ૭૧ ડોલર કુદાવી ૭૧.૬૦થી ૭૧.૭૦ ડોલર હતા. ન્યુયોર્કના ભાવ વધી સાંજે ૬૪.૫૦થી થી ૬૪.૬૦ ડોલર હતા. નોર્વેમાં રાજકીય અશાંતિના સમાચાર હતા અને તેની અસર ક્રૂડતેલના ભાવ પર દેખાઈ હતી.
અમંરિકામાં બેરોજગારીના દાવાઓ ૮ હજાર ઘટી ૧ લાખ ૯૬ હજાર આવતાં ૫૦ વર્ષના તળિયે આવા દાવાઓ ઉતરી ગયા હતા. આવા દાવાઓ પાછલા સતત ૪ મહિનાઓથી ઘટતા રહ્યા છે. આ વખતે આવા દાવાઓ ૨ લાખ ૧૧ હજાર આવવાની અપેક્ષા હતા તેના બદલે હકીકતમાં ૧ લાખ ૯૬ હજાર આવ્યાના નિર્દેશો હતા. આ પૂર્વે માર્ચ મહિનામાં જોબગ્રોથ ૧ લાખ ૯૬ હજાર આવ્યો હતો. આમ અમેરિકામાં જોબ માર્કેટ સ્ટ્રોન્ગ બનતાં ડોલરના ભાવ ઉંચા ગયા છે.
મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ઉછળી ફરી રૂ.૬૯ની ઉપર જતો રહ્યો હતો. ડોલરના ભાવ રૂ.૬૮.૯૪ વાળા રૂ.૬૯.૦૪ ખુલી રૂ.૬૯.૦૨ રહ્યા પછી ઉંચામાં ભાવ ૬૯.૩૮ થઈ છેલ્લે બંધ ૬૯.૧૬ હતા. ડોલરના ભાવ આજે ૨૨ પૈસા વધ્યા હતા બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૯ પૈસા વધી રૂ.૯૦.૫૪ ૯૦.૫૫ હતા. યુરોના ભાવ ૫૯ પૈસા વધી રૂ.૭૮ પાર કરી રૂ.૭૮.૩૦થી ૭૮.૩૧ હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ઘટી સાંજે ૧૨૯૦.૭૦ ડોલર હતા. સોના પાછળ ચાંદીના ભાવ ઘટી સાંજે ૧૫.૦૧થી ૧૫.૦૨ ડોલર હતા. ચાંદીના ભાવ નીચામાં ૧૪.૯૫ ડોલર સુધી ગયા હતા.
દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૭૬૨ વાળા રૂ.૩૧૬૮૩ તથા ૯૯.૯૦ના રૂ.૩૧૮૯૦ વાળા ૩૧૮૧૦ બંધ હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા હતા. દરમિયાન મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૨૩૫ વાળા ૩૭૧૫૦ થઈ રૂ.૩૭૨૭૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૨૫૦થી ૩૭૩૦૦ તથા જીએસટી સાથેના આ ભાવથી આશરે રૂ.૧૧૦૦થી ૧૨૦૦ જેટલા ઉંચા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ આજે સાંજે ઔંશના ૯૦૦.૨૦થી ૯૦૦.૩૦ ડોલર તથા પેલેડીયમના ભાવ સાંજે ૧૩૭૩.૨૦થી ૧૩૭૩.૩૦ ડોલર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VEVFUJ
via Latest Gujarati News
0 Comments