હું મોદી નથી, જુઠું નહીં બોલું, ગરીબોના ખાતામાં 72 હજાર આવશે જ : રાહુલ


ચોકીદાર મોદીએ દેશના પૈસા ચોરીને અનિલ અંબાણીને આપી દીધા, માલ્યા, નિરવ મોદી જેવાને ભગાડી મુક્યાનો આરોપ 

નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશમાંથી ગરીબી દુર કરવા માટે ગરીબી પર જ સર્જિકલ સ્ટ્રાઇક કરશે. સાથે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રની મોદી સરકાર ગરીબો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી રહી છે અમે ગરીબી ઉપર કરીશું.

આંધ્ર પ્રદેશમાં પ્રચાર દરમિયાન રાહુલે એવુ પણ વચન આપ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. 

આંધ્ર પ્રદેશની જનતાને સંબોધતા રાહુલે દાવો કર્યો હતો કે કેન્દ્રની મોદી સરકારે આંધ્રની જનતા સાથે ગદ્દારી કરી છે, મોદીજી વિશેષ રાજ્યનો દરજ્જાનું વચન આપી ફરી ગયા છે.

જોકે અમે આ વચનને પુરુ કરીશું. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ન્યાય યોજના એક અહિંસક હથિયાર છે કે જેના દ્વારા દેશમાંથી ગરીબીનો નાશ કરવામાં આવશે. 

સાથે આરોપ લગાવ્યો હતો કે મોદીએ ગરીબો અને અમીરો એમ ભારતને બે ભાગમાં વહેચી નાખ્યું છે અને ગરીબો પ્રત્યે ધ્યાન નથી આપ્યું માત્ર વિજય માલ્યા અને નિરવ મોદી જેવા માટે જ કામ કર્યંુ છે જ્યારે અમે સત્તામાં આવ્યા બાદ બે નહીં એક જ ભારતનું નિર્માણ કરીશું કે જેમાં સૌને સમાન અધિકારો અને હકો મળશે.

સાથે રાહુલે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર તેના વચનોને પાળે છે અને તેથી જ મનરેગા યોજના લાવ્યા, તેવી જ રીતે અમે દરેક ગરીબના ખાતામા ૭૨ હજાર આવશે તે યોજનાનો પણ અમલ કરી બતાવીશું.

રાહુલે જણાવ્યું હતું કે હું નરેન્દ્ર મોદી નથી અને હું જુઠ નથી બોલતો. મોદી જુઠ બોલ્યા હતા કે તેઓ ગરીબોને પૈસા આપશે જોકે ગરીબોને બદલે અમીરોને પૈસા આપી દીધા છે. મોદી પર મનરેગા યોજનાનો નાશ વાળવાનો આરોપ પણ લગાવ્યો હતો,

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશના અને ગરીબોના વિકાસમાં મહત્વપૂર્ણ ગણાતી મનરેગા યોજના લોંચ કરી, સાથે સર્વેને ફરજિયાત શિક્ષણ, આરટીઆઇ જેવા કાયદા લાવ્યા પણ આ બધાનો મોદીએ નાશ વાળ્યો. રાહુલે સાથે આરોપ લગાવ્યો હતો કે ચોકીદાર મોદીએ દેશના પૈસા ચોરીને તેને અનિલ અંબાણીને આપી દીધા. જ્યારે નિરવ મોદી, વિજય માલ્યા જેવાને ભગાડી મુક્યા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uELYK6
via Latest Gujarati News

Post a Comment

0 Comments