ઉર્મિલા માતોંડકર, ગિરિરાજસિંહ, કન્હૈયા કુમાર, ડિંપલ યાદવ, સલમાન ખુર્શીદ, સાક્ષી મહારાજનું ભાવિ ઇવિએમમાં સીલ થશે
નવ રાજ્યોમાં ભારે સુરક્ષા વચ્ચે 1.40 લાખ મતદાન મથકો તૈયાર, કુલ 961 ઉમેદવારોએ ઝંપલાવ્યું
નવી દિલ્હી, તા.28 એપ્રિલ, 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીના સાત પૈકી ચોથા તબક્કા માટે ૨૯મીએ એટલે કે સોમવારે મતદાન યોજાવા જઇ રહ્યું છે. ચોથા તબક્કામાં ૭૨ બેઠકોને આવરી લેવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહીત ૯ રાજ્યોનો સમાવેશ થાય છે.
૨૯મીએ થનારા મતદાનમાં જે દિગ્ગજોનું ભાવી ઇવીએમમાં સીલ થવાનું છે તેમાં ઉત્તર પ્રદેશના કન્નોજથી ડિંપલ યાદવ, ઉન્નાવથી સાક્ષી મહારાજ, ફારુકાબાદથી સલમાન ખુર્શીદ, બિહારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય, ઉપેન્દ્ર કુશવાહા, ગિરિરાજસિંહ, કન્હૈયા કુમારનો પણ સમાવેશ થાય છે.
જ્યારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના પુત્ર નકુલનાથ છિંદવાડથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે તેઓને કોંગ્રેસે જોધપુરની ટીકીટ આપી છે, તેથી કોંગ્રેસના બે વર્તમાન મુખ્ય પ્રધાનના પુત્રો પણ આ ચૂંટણીમાં મેદાનમાં છે. મુંબઇમાં ઉર્મિલા માતોડકર, અને મિલિંદ દેવરા પણ આ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે. દેશભરમાં જે નવ રાજ્યોમાં મતદાન થવાનું છે ત્યાં આશરે ૧.૪૦ લાખ મતદાન મથકો તૈયાર કરાયા છે.
ચોથા તબક્કામાં કુલ ૯૬૧ ઉમેદવારો મેદાનમાં છે, મહારાષ્ટ્રમાં આ તબક્કાની સાથે જ બધી જ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ જશે, અહીં એનસીપી, કોંગ્રેસ બન્ને જોર લગાવી રહ્યા છે.
૨૦૧૪માં મહારાષ્ટ્રમાં શીવસેના અને ભાજપના ગઠબંધને ૧૭ બેઠકો જીતી હતી. જ્યારે રાજસ્થાનમાં બધી જ બેઠકો ભાજપ જીતી ગયુ હતું ત્યાં આ વખતે કોંગ્રેસની સરકાર હોવાથી પક્ષને વધુ બેઠકો જીતવાની આશા છે. ઉત્તર પ્રદેશમાં ૧૩ બેઠકો એવી છે કે જ્યાં ભાજપની સામે સપા અને બસપાના ગઠબંધન વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. પશ્ચિમ બંગાળમાં આઠ બેઠકો પર કોંગ્રેસ, ભાજપ, તૃણમુલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો એમ ચાર જુદા જુદા પક્ષો વચ્ચે ટક્કર જોવા મળશે.
ઓડિશામાં હાલ બધી જ છ બેઠકો બીજેડી પાસે છે ત્યારે ભાજપ અહીં ખાતુ ખોલવાની આશા રાખી રહ્યું છે. બિહારમાં ભાજપ અને તેના સાથી પક્ષો આ તબક્કાની પાંચેય બેઠકો જીતવાની આશા રાખી રહ્યા છે જોકે બેગુસરાય બેઠક સૌથી વધુ ચર્ચામા રહેશે કેમ કે અહીં યુવા નેતા કન્હૈયા કુમાર અને ગીરીરાજસિંહ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશમાં આ તબક્કામાં છ બેઠકો પર મતદાન યોજાવાનું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GJ7P8A
via Latest Gujarati News
0 Comments