નવી દિલ્હી, તા.૨૫
ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુપરસ્ટાર્સ સચિન તેંડુલકર અને વી.વી.એસ. લક્ષ્મણની સામે પણ હિતોના ટકરાવનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને આ મામલે બીસીસીઆઈના ઓમ્બડ્સમેન રિટાયર્ડ જસ્ટીસ ડી. કે. જૈને તેમને નોટિસ ફટકારી છે. તેંડુલકર અને લક્ષ્મણ બીસીસીઆઇની સલાહકાર સમિતિમાં સામેલ હોવાની સાથે સાથે આઇપીએલની ફ્રેન્ચાઈઝીના મેન્ટર પણ છે. તેમની આ ભૂમિકામાં હિતોનો ટકરાવ હોવાનું મનાય છે. અગાઉ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સામે આ અંગેનો આક્ષેપ થયો હતો અને ગાંગુલીનો મામલો ચાલી રહ્યો છે, ત્યારે હવે આ મામલે તેંડુલકર અને લક્ષ્મણને નોટિસ ફટકારવામાં આવી છે.
તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની વેબસાઈટમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેન્ચાઈઝીનો આઇકોન છે. જ્યારે લક્ષ્મણ સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીના મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ બોર્ડની સલાહકાર સમિતિમાં છે, જે ટીમ ઈન્ડિયાના કોચની પસંદગી કરતી હોય છે. ટૂંકમાં તેઓ એક હોદ્દા પર રહીને બીજા હોદ્દાની મદદથી કોઈને લાભ પહોંચાડી શકે તેમ હોવાનો આક્ષેપ મૂકાયો છે. હવે આ મામલે બોર્ડના ઓમ્બડ્સમેન તપાસ કરી રહ્યા છે.
બીસીસીઆઇના ઓમ્બડ્સમેન જસ્ટીસ ડી.કે. જૈને તેંડુલકર અને લક્ષ્ણમને તારીખ ૨૮મી એપ્રિલ સુધીમાં નોટિસનો જવાબ આપવા માટે જણાવી દીધું છે. સૌરવ ગાંગુલી તો ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલનો પ્રમુખ હોવાની સાથે સાથે દિલ્હીની ટીમનો મેન્ટર છે અને બીસીસીઆઇની સલાહકાર સમિતિમાં પણ છે.
ઓમ્બડ્સમેને નોટિસમાં લખ્યું છે કે, જો તેઓ નિર્ધારિત સમયમાં નોટિસનો જવાબ નહિ આપે તો આ મામલે તેમને કોઈ ખુલાસો કરવાની તક નહિ મળે અને કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના આજીવન સભ્ય એવા સંજીવ ગુપ્તાએ આ દિગ્ગજો સામે હિતોના ટકરાવનો મામલો ઉઠાવ્યો છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vnE5ZG
via Latest Gujarati News
0 Comments