BCCIની ગ્રાન્ટ મેળવવા લોઢા સમિતિની ભલામણો આધારે બંધારણ તૈયાર કરો

નવી દિલ્હી, તા.૨૫

ભારતીય ક્રિકેટ બોર્ડને પારદર્શી બનાવવા માટે જસ્ટીસ લોઢા સમિતિની કેટલીક ભલામણોને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને તેનો અમલ કરવા માટે જણાવ્યું છે. આમ છતાં બીસીસીઆઇના કેટલાક સ્ટેટ એસોસિએશનાએ લોઢા સમિતિની કેટલીક ચોક્કસ ભલામણો સામે વિરોધ નોંધાવતા સુપ્રીમ કોર્ટમાં જ કેસ દાખલ કર્યા છે. જે અંગેની સુનાવણી અગાઉ એમીસક્યુરી પી.એસ. નરસિમ્હાએ જુદા-જુદા સ્ટેટ એસોસિએશનો સાથે મુલાકાત યોજીને તેમને સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, જો તમારે બીસીસીઆઇની ગ્રાન્ટ મેળવવી હોય તો લોઢા સમિતિની સુપ્રીમે માન્ય કરેલી ભલામણો અનુસારનું બંધારણ તૈયાર કરીને તેને રજિસ્ટર કરાવો.

આજે સુપ્રીમ કોર્ટમાં બીસીસીઆઇના સ્ટેટ એસોસિએશનોના જુદા-જુદા કેસો અંગે સુનાવણી યોજાઈ હતી, જેને સ્થગિત કરવામાં આવી હતી. હવે આ મામલે તારીખ બીજી મેના રોજ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નહતી.

સુનાવણીના એક દિવસ પહેલા બુધવારે એમીસક્યુરી પી.એસ. નરસિમ્હાએ કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સની પેનલના ત્રણ સભ્યોની હાજરીમાં સ્ટેટ એસોસિશએશનોના હોદ્દેદારોની સામે મુલાકાત યોજી હતી. એમીસક્યુરીએ જણાવ્યું હતુ કે, સ્ટેટ એસોસિએશનોને ગ્રાન્ટ મેળવવા માટે સૌ પહેલા તો તેમના બંધારણને લોઢા સમિતિની ભલામણો પ્રમાણે તૈયાર કરવાનું રહેશે અને તેને રજિસ્ટર પણ કરાવવું પડશે. 

સ્ટેટ એસોસિએશનના એક સિનિયર ઓફિસિઅલને ટાંકીને એજન્સીનો રિપોર્ટ જણાવે છે કે, જુદા-જુદા એસોસિએશનોએ સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ દાખલ કરી છે તે અંગે કોઈ ઉકેલ આવે તે માટે કેટલાક સ્ટેટ એસોસિએશનોના પ્રતિનિધિઓ એમિસક્યુરી અને સીઓએના સભ્યોને મળ્યા હતા. અમને લાગી રહ્યું છે કે, ઘણી સમયથી બોર્ડનું સંચાલન કરી રહેલા સીઓએમાં રાજ્યોના ક્રિકેટ એસોસિએશનો તરફ કટુતા છે અને આ કારમે વિવાદ ઉકેલાતો નથી. 

એમિસક્યુરીએ વિવાદના પાયા તરફ ધ્યાન આપ્યું હતુ અને તેમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સિવાયના મામલે કોર્ટ નિર્ણય લેશે. સ્ટેટ એસોસિએશનોએ જસ્ટીસ લોઢા સમિતિની કેટલીક ભલામણો સામે વિરોધ નોંધાવતા સુપ્રીમ કોર્ટમાં આ અંગે રજુઆત કરી છે અને સુપ્રીમ તેમની રજુઆત સાંભળવા માટે તૈયાર પણ થઈ ગયું છે. અગાઉ સુપ્રીમ કોર્ટે લોઢા સમિતિની કેટલીક ભલામણોમાં ફેરફાર કરતાં 'વન સ્ટેટ વન વોટ'ની ભલામણને દૂર કરી હતી. આ કારણે ગુજરાત રાજ્યમાં ચાલતા ત્રણ ક્રિકેટ એસોસિએશનો - ગુજરાત ક્રિકેટ એસોસિએશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશનને તેમનો વોટનો અધિકાર પાછો મળ્યો હતો. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PvDPRI
via Latest Gujarati News

Post a Comment

0 Comments