બેઇજિંગ, તા.૨૫
ચીનમાં ચાલી રહેલા આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપમાં ભારતે મિક્સ ટીમ ઈવેન્ટમાં બેવડા ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. ભારતની મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. જ્યારે અંજુમ મુદગીલ અને દિવ્યાંશ સિંઘ પનવરે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
શૂટિંગ વર્લ્ડકપમાં હવે નવા ફોર્મેટને અમલી બનાવવામાં આવ્યું છે અને તે અંતર્ગત આ વખતે ટોચના બે સ્થાન પર રહેનારી ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો ખેલાયો હતો. ભારતના મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલમાં ચીનના જિએંગ રાન્ક્ષીન અને પાંગ વેઈને ૧૬-૬થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડી ક્વોલિફાઈંગમાં પાંચમા ક્રમે રહી હતી. જોકે ફાઈનલમાં તેમણે પ્રભુત્વસભર દેખાવ કરતાં હરિફ ટીમને તક આપી નહતી.
ભાકેર અને ચૌધરીની જોડીએ આ સતત બીજો મિક્સ ટીમ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો છે. અગાઉ તેઓએ ફેબુ્રઆરીમાં નવી દિલ્હીમાં રમાયેલી આઇએસએસએફ શૂટિંગ ચેમ્પિયનશીપમાં પણ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતની હિના સિદ્ધુ અને રિઝવી શાહઝાર પણ સ્પર્ધામાં હતા. જોકે તેઓ ફાઈનલમાં ક્વોલિફાય થઈ શક્યા નહતા.
અગાઉ શૂટિંગ વર્લ્ડકપની મેડલ ટેલિમાં ભારતનું ખાતુ અંજુમ મુદગીલ અને દિવ્યાંશ પનવરે સુવર્ણથી ખોલાવ્યું હતુ. તેમણે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઈનલમાં ચીનના લીઉ રુક્ષુએન યાંગ હાઓરાનને ૧૭-૧૫ના ભારે રોમાંચક મુકાબલામાં હરાવ્યા હતા. અંજુમ અને દિવ્યાંશ ક્વોલિફાયરના અંતે છઠ્ઠા ક્રમે રહ્યા હતા.જોકે તેઓ ગોલ્ડ મેડલ મુકાબલા માટે ક્વોલિફાય થયા હતા અને તેમાં પણ એક તબક્કે ૧૧-૧૩થી પાછળ પડયા બાદ તેમણે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vkq2UD
via Latest Gujarati News
0 Comments