
(પીટીઆઈ) લખનૌ, તા. 31 માર્ચ, 2019, રવિવાર
ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરે પોતે વારાણસી બેઠકથી લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કર્યા બાદ બસપા સુપ્રીમો માયાવતીએ ચંદ્રશેખરને ભાજપનો ગુપ્તચર ગણાવ્યો છે. તેમણે ભાજપે ચંદ્રશેખરને બસપામાં મોકલવા પ્રયાસ કરેલો જે નિષ્ફળ રહ્યો તેમ કહ્યું.
ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં દલિત આંદોલનનો ચહેરો બનીને ઉભરેલા ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે પોતે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.
જો કે ચંદ્રશેખરના આ એલાન બાદ બહુજન સમાજ પાર્ટી(બસપા)એ ચંદ્રશેખરને નિશાન પર લઈને આકરા પ્રહારો કર્યા છે. બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કરીને ચંદ્રશેખર ભાજપનો ગુપ્તચર હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેમણે ચંદ્રશેખરને ભાજપની પ્રોડક્ટ ગણાવી હતી.
માયાવતીએ ટ્વિટમાં લખ્યું છે કે, દલિતોના મતમાં ભાગલા પડાવીને ભાજપને ફાયદો કરાવવા માટે ભાજપ જ ચંદ્રશેખરને વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી રહ્યું છે. માયાવતીએ ભાજપે ચંદ્રશેખરને ગુપ્તચર તરીકે બસપામાં મોકલવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો તેમ પણ જણાવ્યું.
વધુમાં લખ્યું કે ભીમ આર્મી સંગઠનની રચના ભાજપે જ પોતાના કોઈ ષડયંત્ર અંતર્ગત કરી છે અને તેની આડમાં તેઓ પોતાની દલિતવિરોધી માનસિકતાવાળી હલકી રાજનીતિ રમી રહ્યા છે. તેમણે કહ્યું કે અહંકારી, નિરંકુશ, ઘોર જાતિવાદી અને સાંપ્રદાયિક ભાજપને સત્તામાંથી ઉથલાવવા માટે એક-એક મત કિંમતી છે અને લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CK4zIW
via Latest Gujarati News
0 Comments