
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
લોકસભા ચૂંટણીને અનુસંધાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બિહાર સહિત અનેક રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. આ સંબંધે એક ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે તેઓ પટના જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના વિમાનમાં કોઈક ખામી સર્જાતા તેમણે અડધા રસ્તેથી દિલ્હી પરત ફરવું પડયું હતું.
રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે ૧૦ કલાકે ટ્વિટ કરીને દિલ્હીથી પટના જઈ રહેલા પોતાના વિમાનમાં એન્જીનમાં ટેક્નિકલ ખામી થઈ હોવાની જાણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'આજે પટના જતી વખતે અમારા વિમાનનું એન્જીન ખોટકાયું હતું તેથી મજબૂરીવશ અમારે દિલ્હી પરત ફરવું પડયું છે. આ કારણે આજે સમસ્તીપુર(બિહાર), બાલાસોર(ઓડિશા) અને સંગમનેર(મહારાષ્ટ્ર)ની સભામાં મોડું થશે જેથી અસુવિધા બદલ માફી માંગુ છું.'
ડીજીસીએ દ્વારા આ ઘટના અંગેની તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વખત રાહુલ ગાંધી વિમાની પ્રવાસ વખતે મુશ્કેલીમાં મુકાયા હતા. ગત વર્ષે ૨૬ એપ્રિલના રોજ તેઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે દિલ્હીથી હુબલી એરપોર્ટ જઈ રહ્યા હતા તે સમયે તેમના વિમાનમાં ટેક્નિકલ ખામી ઉદ્ભવી હતી અને તે ડાબી બાજુ નમી ગયું હતું.
તે વખતે હવાની ગતિ સામાન્ય હતી અને બહાર તડકો હતો તેમ છતા પણ વિમાન ખૂબ જ ખરાબ રીતે હલી રહ્યું હતું. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ માનસરોવરની યાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓ ગઈ સાલ જ માનસરોવરની યાત્રા પૂર્ણ કરી આવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VszeF7
via Latest Gujarati News
0 Comments