જેરૃસલેમ, તા. ૩
ઇઝરાઇલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેતૃત્ત્વવાળા એક પ્રતિનિધિ મંડળથી ભારતે સાથે થયેલા સંરક્ષણ સોદાના ગુપ્ત દસ્તાવેજો ખોવાઇ ગયા હતાં પણ સદનસીબે આ દસ્તાવેજ હવે મળી ગયા છે.
એક રેસ્ટોરન્ટના વેઇટરની હોશિયારીને પગલે દસ્તાવેજો ફરીથી મળી આવ્યા છે તેમ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
ઇઝરાઇલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મેર બેન શબ્બાત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્યો સાથે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ભારત આવ્યા હતાં. આ પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલને પણ મળ્યા હતાં.
ઇઝરાઇલના સ્થાનિક દૈનિક અખબારના જણાવ્યા અનુસાર શબ્બાતે આ બેઠકમાં બંને દેશો વચ્ચે વિભિન્ન હથિયાર સોદાઓ અંગે ચર્ચા કરી હતી.
ઇઝરાઇલ પોતાની સંરક્ષણ કંપનીઓ દ્વારા વિકસિત કરાયેલ વિવિધ એડવાન્સ શસ્ત્રો ભારતને વેચવા માગે છે. જેમાં જાસૂસી વિમાન, માનવરહિત એરક્રાફ્ટ, એન્ટિ ટેન્ક મિસાઇલ અને રડાર સિસ્ટમનો સમાવેશ થાય છે.
શબ્બાતના સહયોગી ભારત પ્રવાસ અગાઉ સંભવિત શસ્ત્ર સોદા અંગે વિવિધ દસ્તાવેજો પ્રિન્ટ કરીને લાવ્યા હતાં. આ પ્રતિનિધિ મંડળ વિમાનમાં બેસતા પહેલા એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતાં. ત્યાં તેમનો સહયોગી પ્રિન્ટ કરેલા દસ્તાવેજો ભૂલી ગયો હતો.
પ્રતિનિધિમંડળ રવાના થયા પછી આ રેસ્ટોરન્ટના વેઇટરને આ દસ્તાવેજો મળ્યા હતા અને તેણે પોતાના મિત્રને ફોન કર્યો હતો જેની માતા ભારતમાં ઇઝરાઇલના દૂતાવાસમાં કામ કરતી હતી.
રેસ્ટોરન્ટ કર્મચારીનો મિત્ર આ દસ્તાવેજો લઇને તાત્કાલિક ઇઝરાઇલથી ભારત આવી પહોંચ્યો હતો અને તેણે આ દસ્તાવેજો પોતાની માતાને આપ્યા હતાં. તેમણે આ દસ્તાવેજો દૂતાવાસના સુરક્ષા અધિકારીને સુપ્રત કર્યા હતાં.
આ ઘટનાની તપાસમાં શબ્બાતના સહયોગીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને ચેતવણી પણ આપવામાં આવી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WHk6Rl
via Latest Gujarati News
0 Comments