છેલ્લા ૬૦ વર્ષમાં ૮ હજાર સેટેલાઇટ સ્પેસમાં લોંચ થયા છે


મિશન શકિત અભિયાન હેઠળ સ્પેસમાં સેટેલાઇટ તોડી પાડવાનું ભારતનું પ્રથમ પરીક્ષણ હતું પરંતુ અગાઉ અમેરિકા,ચીન અને રશિયાએ સ્પેસમાં અનેક વાર પ્રયોગો કર્યા હોવાથી હાલમાં સ્પેસમાં ૬ હજારથી વધુ સક્રિય ટૂકડાઓનું  પ્રદૂષણ જોવા મળે છે. જયારે ૧૦ સેન્ટીમીટરથી મોટા કાટમાળની સંખ્યા ૩૦ હજારથી પણ વધારે છે.  તેમ છતાં  ભારતના મિશન શકિત હેઠળ ૪૦૦ જેટલા ટૂકડાઓના કારણે સ્પેસ પ્રદૂષણ ફેલાવ્યું હોવાના અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના દાવા અંગે ચર્ચા શરુ થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૦૭માં ચીને પણ એન્ટી સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. જેમાં ૮૦૦ કિલોમીટરથી વધુની ઉંચાઇ પોતાના ઉપગ્રહને પરીક્ષણ હેઠળ  નિશાન બનાવ્યો હતો.  ઇસ ૧૯૫૭માં રશિયાએ પ્રથમવાર સ્પુટનિક ઉપગ્રહ લોંચ કર્યો હતો ત્યારથી માંડીને આજ સુધી કુલ ૮ હજાર સેટેલાઇટ સ્પેસમાં છોડવામાં આવ્યા છે. જેમાં ૮૦૦ થી વધુ અમેરિકા અને રશિયાના છે. ભારતની હાલમાં કૃત્રિમ ઉપગ્રહોની સંખ્યા ૪૮ છે. આથી જેણે જેટલા વધારે ઉપગ્રહ છોડયા તેને એટલું વધારે પ્રદૂષણ ફેલાવ્યું એવું સાવ સાદું ગણિત બેસે છે પરંતુ અમેરિકા સ્પેસમાં કચરાને પોતાની રીતે મોનિટર કરીને હિસાબ લગાવે છે.

 નાસાની માહિતી પ્રમાણે રોજ એક કાટમાળ પૃથ્વીની નજીક આવે છે અથવા તો વાતાવરણમાં પ્રવેશની સાથે જ સળગી જાય છે. પૃથ્વી ૭૫ ટકા વિસ્તારમાં પાણી હોવાથી જમીન પર પડવાની શકયતા ૭૫ ટકા ઓછી રહે છે. પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતી વસ્તુઓ તે નીચે આવતી નથી કે ઉપર પણ જતી નથી. ત્રિશંકુની જેમ એ જ ભ્રમણકક્ષામાં ફર્યા કરે છે. આ કાટમાળ અંતરીક્ષયાન, ઉપગ્રહો અને સ્પેસ સ્ટેશનો માટે ભયજનક હોય છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I0HB4C
via Latest Gujarati News

Post a Comment

0 Comments