નિશા મુલ્યાશીયા ઇઝરાયલ આર્મીમાં જોડાનાર પ્રથમ મૂળ ગુજરાતી મહિલા બનશે

ત્રીસ વર્ષથી ઇઝરાયલમાં સ્થાયી થયેલા અને ત્યાનું નાગરિત્વ ઘરાવતા જીવાભાઇ મુલ્યાશીયાની પુત્રી નિશા મુલ્યાશીયા આગામી મે મહિનાથી ઇઝરાયલ આર્મીનાં ઇન્ફોર્મેશન વિભાગમાં જોડાશે. ઇઝરાયલી આર્મીમાં જોડાનાર નિશા મુલ્યાશીયા ગુજરાતની પહેલી વ્યક્તિ બનશે. ઇઝરાયના કાયદા અનુસાર દેશના નાગરિકને ૧૮ વર્ષની ઉંમર બાદ આર્મીમાં ચાર વર્ષ સેવા આપવી જરૃરી હોય છે. આગામી મહિનાથી આર્મીમાં જોડાવાનું હોવાથી જીવાભાઇ પોતાના પરિવાર સાથે હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વાતચીતમાં જીવાભાઇએ કહ્યું કે, હું માંગરોળ નજીકની સ્કૂલમાં ભણતો હતો, ત્યારે મને ઇઝરાયલ સ્થાયી થવાની પ્રેરણા મળી હતી. હાલમાં ત્યાં કિબુઝમાં રહીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને સિક્યોરીટીના બિઝનેસ સાથે જોડાયેલો છું, મારી પત્ની તેમા મને મદદરૃપ બને છે. દિકરી ઉપરાંત મારે બે દિકરાઓ પણ છે.

મેડિકલ અભ્યાસમાં આગળ વધવુ છે

મારે મેડિકલ અભ્યાસમાં આગળ વધવાની ઇચ્છા છે, પરંતુ આર્મીમાં જોડાવાની ખુસી પણ છે. કારણ કે, આર્મી ટ્રેનિંગ દરમિયાન ઘણી વસ્તુઓ શીખવા મળતી હોય છે. ઉપરાંત આર્મીનું શીસ્ત પણ જીવનમાં ઘણી વસ્તુઓ ઉમેરે છે. આર્મીમાં જોડાયા બાદ વર્ષમાં માત્ર એક કે બે જ રજાઓ મળતી હોવાથી હાલ ગુજરાતમાં આવ્યા છીએ. - નિશા મુલ્યાશીયા

ઇઝરાયલમાં ૪૫ ગુજરાતી ફેમેલી રહે છે

ઇઝરાયલમાં ૪૫ જેટલા ગુજરાતી ફેમેલી રહે છે, પરંતુ તેમાના બધા ફેમેલી બિઝનેસ વિઝા ધરાવે છે. જ્યારે મુલ્યાશીયા પરિવારને ત્યાનું નાગરિત્વ છે. તેથી તેમના પરિવારના બાળકો જ ઇઝરાયલ આર્મીમાં સેવા આપી શકે છે. મે મહિનાથી જીવાભાઇની દિકરી અને આગામી વર્ષોમાં તેમના દિકરા પણ આર્મીમાં સેવા આપશે. ઉપરાંત તેમને ઇઝરાયલની કિબુઝ સોસાયટીમાં રહેવાની પરવાનગી પણ છે. 

સ્કૂલમાંજ આર્મી ટ્રેનિંગની પ્રક્રિયા શરૃ કરવામાં આવે છે

ઇઝરાયલમાં બાળકોને સ્કૂલમાંથી જ આર્મીમાં જોડાવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવે છે, સ્કૂલમાં ભણતા ૧૬ વર્ષના બાળકોને આર્મીના વિવિધ એક્સપર્ટ દ્વારા આર્મીના કામ અને મહત્ત્વ અંગેની સમજ આપવામાં આવે છે. સ્કૂલ ટ્રેનિંગ દરમિયાન આર્મી ઓફિસર્સ દ્વારા બાળકોની સ્કિલ ટેસ્ટ પણ લેવામાં આવે છે, જેના આધારે બાળકને ક્યાં વિભાગમાં મોકલવું તે નક્કી કરાય છે.

શારીરિક અને માનસિક ટેસ્ટ બાદ સિલેક્શન થાય છે

ઇઝરાયલ આર્મીમાં જોડાવા માટે સૌપ્રથમ માનસિક ટેસ્ટ અને ત્યારબાદ શારીરિક ટેસ્ટ આપવો પડે છે. સ્કૂલમાં લેવાયેલા માનસિક ટેસ્ટના આધારે પ્રાથમિક ધોરણે બાળકોને આર્મીના જૂદા જૂદા વિભાગોમાં મોકલવામાં આવે છે, આર્મીમાં જોડાયા બાદ બીજી સ્કિલના આધારે પણ બાળકોના વિભાગ બદલવામાં આવે છે.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W9CG4O
via Latest Gujarati News

Post a Comment

0 Comments