
પરમાણુ હથિયારો મુદ્દે ચાલતી વાટાઘાટોમાંથી અમેરિકન વિદેશમંત્રી માઈક પોમ્પિઓને હટાવવા ઉત્તર કોરિયાની અમેરિકા સમક્ષ માગણી
સીઓલ, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર
અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ હથિયારો બાબતે વાટાઘાટો ચાલી રહી છે એ દરમિયાન જ ફરીથી ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારોનું પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ હથિયારોનું પરીક્ષણ થયું હોવાની જાહેરાત કરી હતી.
ઉત્તર કોરિયાએ ફરી વખત પરમાણુ હથિયારોનું પરીક્ષણ કર્યું હોવાનો રીપોર્ટ ઉત્તર કોરિયાની સરકારી સમાચાર સંસ્થા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ આપ્યો હતો. જોકે, એમાં ટેકનિકલ ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કર્યું હોવાનું કહેવાયું છે અને તે પરમાણું હથિયાર નથી એવો બચાવ પણ કરાયો છે.
હથિયારનું પરીક્ષણ થયું ત્યારે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન ખુદ હાજર રહ્યા હતા અને પરીક્ષણનું જાત નિરીક્ષણ કર્યું હતું. છેલ્લાં છ-આઠ મહિનામાં ઉત્તર કોરિયાએ પહેલી વખત હથિયારોનું પરીક્ષણ કર્યું હતું.
અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચે પરમાણું પરીક્ષણ ન કરવાની બાબતે જે વાટાઘાટો શરૃ થઈ હતી, તે પછી આ પરીક્ષણ થયું તેના કારણે બંને દેશોના સંબંધોમાં ફરીથી તંગદિલી શરૃ થાય એવી શક્યતા છે.
અમેરિકાએ કહ્યું હતું કે આ પરીક્ષણ બાબતે તેને જાણકારી પહેલેથી જ હતી અને આ પરીક્ષણ પરમાણું મિસાઈલનું ન હતું એવું ય અમેરિકાએ કહ્યું હતું.
બીજી તરફ ઉત્તર કોરિયાએ અમેરિકા સમક્ષ વાટાઘાટો બાબતે નવી શરત મૂકી છે. ઉત્તર કોરિયાએ કહ્યું કે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ સાથે પરમાણું નિ:શસ્ત્રીકરણ બાબતે ઉત્તર કોરિયા કોઈ વાતચીત નહીં કરે.
જો અમેરિકા માઈક પોમ્પિઓને પ્રતિનિધિ બનાવશે તો શિખર વાર્તા ફરીથી પડી ભાંગશે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીને ટાંકીને સરકારી ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે જો અમેરિકા મૂળ કારણને હટાવશે નહીં તો ઉત્તર કોરિયાને પરમાણું પરીક્ષણો કરતા કોઈ અટકાવી શકશે નહીં.
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બે વખત વાર્તાલાપ થયો છે. એક વખત સિંગાપોરમાં બંને દેશોના નેતા મળ્યા હતા અને બીજી વખત વિએટનામમાં મળ્યા હતા. જોકે, છેલ્લી બેઠકમાં કોઈ જ પરિણામ આવ્યું ન હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PibRJd
via Latest Gujarati News
0 Comments