કંગના રનૌતે અનુરાગ બાસુની ફિલ્મ છોડી દીધી



મુંબઈ,તા, 3 એપ્રિલ 2019, બુધવાર

કંગના રનૌત બોલીવૂડમાં પોતાના સાથીઓ સાથેના વિવાદાસ્પદ વિધાનો માટે જાણીતી છે. તે જલ્દી જ અનુરાગ બાસુની 'ઈમલી' ફિલ્મમાં નજરે ચડવાની હતી, પરંતુ હવે તે આ ફિલ્મનો હિસ્સો રહી નથી. કંગનાએ પોતે જ આ ફિલ્મમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે. કંગના બોલીવૂડમાં સ્પષ્ટવક્તા તરીકે જાણીતી છે અને ગમે તે ઘડીએ સંબંધો બગાડી નાખે છે. કંગનાએ કારકિર્દીની શરૂઆત અનુરાગ બાસુની ફિલ્મથી ૨૦૦૬માં કરી હતી.

અનુરાગની 'ગેંગસ્ટર' ફિલ્મ દ્વારા કંગનાએ બોલીવૂડમાં એન્ટ્રી લીધી હતી. 'ઈમલી' ફિલ્મની ઘોષણા વખતે પોતે આ ફિલ્મ કરવા ઉત્સુક હોવાનું કહ્યું પણ હતું. પરંતુ હવે તે આ ફિલ્મમાંથી નીકળી ગઈ છે. કંગનાએ પોતે જ આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે. કંગનાને હવે પોતાની ફિલ્મોનું દિગ્દર્શન કરવું હોવાથી આ ફિલ્મ કરવાનો ઈનકાર કર્યો હોવાની અટકળ છે.

કંગનાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ''ગયા વરસે મેં 'પંગા' અને 'ઈમલી'ની ઘોષણા એક સાથે કરી હતી. અનુરાગની 'ઈમલી' ગયા વરસના નવેમ્બર માસમાં શરૂ કરવાની યોજના હતી.  પરંતુ 'મણિકર્ણિકા'ને કારણે મારે 'ઈમલી' ની તારીખ લંબાવવી પડી હતી. આ દરમિયાન 'પંગા'નું શૂટિંગ શરૂ થઈ ગયું હોવાથી આ ફિલ્મને હું ના પાડી શકી નહીં.

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 'અનુરાગ અને મેં આ બાબતે ઊંડાણમાં વાતચીત કરી છે મને તેની આ ફિલ્મ ન કરવાનો રંજ છે.

એની સાથે ફરી કામ કરવાની તક મેં ગુમાવી નાખી છે. પરંતુ હું થોડા જ દિવસોમાં મારી એક નવી ફિલ્મની ઘોષણા કરવાની છું.' કંગનાની આ વાત પરથી લોકો અંદાજ બાંધી રહ્યા છે કે કંગના કદાચ પોતાની બાયોપિક બનાવવાની તૈયારી કરતી હશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HX3UrQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments