
મુંબઈ,તા, 3 એપ્રિલ 2019, બુધવાર
ટચૂકડા પડદાની લોકપ્રિય સિરિયલ 'ઊલ્ટા ચશ્મા...'માંથી દિશા વકાણીનું પત્તુ કપાઈ ગયું છે. તેના સ્થાને નવો ચહેરો ગોઠવવાની વેતરણ થઈ રહી છે. શોના નિર્માતા અસિત મોદીએ દિશાને શોમાં પાછા ફરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો હતો. જેમાં તેણે પાછા ફરવાનો કોઈ ઉત્સાહ ન દેખાડતાં તે શોમાંથી દૂર થઈ ગઈ છે. દિશા આમ પણ લાંબા સમયથી શોથી ગાયબ થઈ ગઈ હતી.
નિર્માતા અસિત મોદીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ''દિશા, હવે આ શોનો હિસ્સો નહીં રહે. તેના સ્થાને નવા ચહેરાની શોધ ચાલુ છે. લુક ટેસ્ટ લેવાઈ રહ્યા છે. અમે ત્રણ ચહેરાને પસંદ કર્યા છે. જેમાંથી એકને દર્શકો દયાબેનના પાત્રમાં જોશે. ટીમે દિશા માટે લાંબી રાહ જોઈ છે, હવે વધુ સમય રાહ જોઈ શકાય એમ નથી. તેથી તેને રિપ્લેસ કરવામાં જ શોની ભલાઈ છે.''
જો કે દિશા પાછી ફરવાની છે એવી અટકળો થઈ રહી હતી. પરંતુ હવે નિર્માતાએ ઘોષણા કરી દીધી છે કે દિશા આ શોનો હિસ્સો રહી નથી. લગ્ન અને માતૃત્વ બાદ દિશાએ આ શો સાથે જોડાઈ રહેવા માટે અનેક શરતો રાખી હતી જે શોના નિર્માતા - દિગ્દર્શકને પરવડે તેમ નહોતી.
હવે દર્શકોને નવી 'દયાબેન' નો 'એ માતાજી'નો ટહૂકો સાંભળવા મળશે કે નહીં તે તો સમય જ દાખવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WE25TY
via Latest Gujarati News
0 Comments