નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
બહુચર્ચિત ગેસ્ટહાઉસ કાંડના 24 વર્ષ બાદ બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ આજે એક મંચ પર સાથે આવે એવી સંભાવના છે. ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં માયાવતી આજે મુલાયમસિંહ યાદવ માટે પ્રચાર કરતા જોવા મળશે. સપા-બસપા-આરએલડી મહાગઠબંધનની ચોથી રેલી આજે મેનપુરી ખાતે યોજાવાની છે.
મેનપુરીના ક્રિશ્ચિયન ફિલ્ડ ખાતે યોજાનારી આ રેલીમાં માયાવતી અને મુલાયમસિંહ એક મંચ પર હાજર રહે એવી પૂરી સંભાવના છે. આ દ્વારા એવો સંદેશ આપવામાં આવશે કે યૂપીમાં ભાજપને રોકવા માટે સપા-બસપાએ દુશ્મની સંપૂર્ણપણે ભૂલાવી દીધી છે. આ રેલીમાં માયાવતી ઉપરાંત સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ ચૌધરી અજિતસિંહ પણ સંબોધન કરશે. આ અવસરે સપા સંસ્થાપક મુલાયમસિંહ પણ હાજર રહેશે. શરૂઆતમાં એવી ખબર હતી કે મુલાયમસિંહ રેલીમાં સામેલ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે લગભગ 25 વર્ષ પહેલાં 1993માં સપા-બસપા ગઠબંધને સાથે મળીને ઉત્તરપ્રદેશમાં સરકાર રચી હતી જે 1995માં તૂટી ગયું હતું. સપા કાર્યકરોને બાતમી મળી હતી કે લખનઉના મીરાબાઇ ગેસ્ટહાઉસમાં બસપાના ધારાસભ્યો એકઠા થઇને ભાજપ સાથે સરકાર રચવાની હિલચાલ કરી રહ્યાં હતાં. જેના પગલે સપા કાર્યકરોએ ગેસ્ટહાઉસ પર જઇને તોડફોડ મચાવી હતી અને માયાવતી સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આ ઘટના ગેસ્ટહાઉસકાંડ તરીકે જાણીતી બની હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IGxv8t
via Latest Gujarati News
0 Comments