
- ઉશ્કેરાયેલાં લોકોએ લાફો ઝીંકનાર તરુણ ગજ્જરના કપડાં ફાડી નાખ્યાં ને ઢોર માર્યો: હોસ્પિટલમાં દાખલ કરાયો
અમદાવાદ,તા,19 એપ્રિલ 2019, શુક્રવાર
લોકસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યાં હતાં તે વખતે એક યુવકે સ્ટેજ પર ચઢીને હાર્દિક પટેલને તમાચો મારી દીધો હતો જેના પગલે સભાસ્થળે ભારે હંગામો મચી ગયો હતો.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગુજરાતને ઘમરોળી રહ્યાં છે.રોજની ચાર-પાંચ જાહેરસભા સંબોધી હાર્દિકે કોંગ્રેસના પ્રચારને વેગવાન બનાવ્યો છે. આજે બલદાણામાં હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલના સમર્થનમાં પ્રચારઅર્થે ગયાં હતાં. હાર્દિક પટેલ જાહેરસભાને સંબોધી રહ્યાં હતા તે વખતે અચાનક જ એક યુવક સ્ટેજ પર ચડી ગયો હતો. તેણે હાર્દિક પટેલને લાફો ઝીંકી દીધો હતો ત્યારે સ્ટેજ પર બેઠેલાં મહાનુભાવો જ નહીં,સભામાં ઉપસ્થિત લોકો ય ચોંકી ઉઠયાં હતાં.
હાર્દિક પટેલને લાફો મારનાર યુવ કડીના જાસલપુર ગામનો વતની હતો. આ ઉપરાંત તેનુ નામ તરુણ ગજ્જર હોવાનુ ખુલ્યુ હતું. આ ઘટના બાદ સ્ટેજ પર જ મારામારી થઇ હતી. લોકો એટલી હદે રોષે ભરાયાં હતાંકે, તરુણ ગજ્જરને સ્ટેજ પર ઢોર માર્યો હતો. એટલુ જ નહીં, તેના કપડાં સુધ્ધાં લોકોએ ફાડી નાખ્યા હતાં. લોકોએ તરુણને અર્ધનગ્ન અવસ્થામાં પોલીસને હવાલે કર્યો હતો. લોકોએ માર મારતાં તરુણને સુરેન્દ્રનગર સ્થિત હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ ઘટના બાદ હાર્દિક પટેલે એવી પ્રતિક્રિયા આપી હતીકે, હુ ગરીબો,ખેડૂતો,બેરોજગારો,મહિલાઓની વાત કરુ તે ભાજપને ગમતુ નથી. કોંગ્રેસનો પ્રચાર કરુ છે તે ભાજપને ખટકે છે. મને એ સમજાતુ નથી કે,એક ૨૫ વર્ષના યુવાનથી ભાજપને કેમ આટલો ડર લાગે છે. હુ તો હજુ રાજકારણમાં ડગ માંડુ છુ.મારા પર ભાજપે જ હુમલો કરાવ્યો છે.
જો કોઇ અન્ય હોત તો કાળા વાવટા ફરકાવ્યા હોત, અન્ય રીતે વિરોધ કર્યો હોત. સ્ટેજ પર ચડીને હુમલો કરે તેનો મતલબ ભાજપ જ આ બધુ કરાવી શકે.ભાજપ મારી હત્યા પણ કરાવી શકે છે. હાર્દિક પટેલે સ્પષ્ટ કહયુંકે, લાફો મારનારાં ભાઇ મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલના ખાસ છે. તેઓ કડીથી ખાસ હુમલો કરવા જ આવ્યા હતાં . આ પુર્વયોજિત કાવતરું જ હતું.
હાર્દિક પટેલે સ્થાનિક પોલીસ મથકમાં જઇને લાફો ઝિંકનારાં તરુણ ગજ્જર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છેકે,જાહેરસભા વખતે પુરતો પોલીસ બંદોબસ્ત જ ન હતો. માત્ર ગણ્યાંગાંઠયા પોલીસ જ બંદોબસ્તમાં ગોઠવાયા હતાં. પોલીસ બંદોબસ્ત અપુરતો હોવાને લીધે જ હાર્દિક પટેલ પર હુમલો થયો હોવાનુ ગ્રામજનો કહી રહ્યાંછે. આ ઘટનાને લાલજી પટેલ,નિખિલ સવાણી સહિતના પાટીદાર યુવા નેતાઓએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.
હાર્દિક પટેલને લાફો મારનાર કોણ છે
હાર્દિક પટેલને લાફો મારનારા યુવકનુ નામ તરુણ ગજ્જર છે. તે કડી તાલુકાના જાસલપુર ગામનો વતની છે. આ ઉપરાંત જાસલપુર ગ્રામ પંચાયતનો સભ્ય છે. આ ઉપરાંત જાસલપુરમાં ભાજપ શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ છે. તરુણ ગજ્જર હાર્દિક પટેલનો માણસ છું તેમ કહીને ગામમાં રોકાયો હતો.
અનામત આંદોલન વખતે મારી પત્નિ-બાળકે તકલીફ પડી એટલે હાર્દિકને લાફો માર્યો: તરુણ
હાર્દિક પટેલને લાફો મારવા પાછળનુ કારણ શુ છે તે અંગે તરુણ ગજ્જરે એવો ખુલાસો કર્યોકે, અનામત આંદોલન વખતે મારી પત્નિ ગર્ભવતી હતી જેથી દવાઓ લેવા ઘણી જ મુશ્કેલી પડી હતી. ગુજરાતમાં આવી મુશ્કેલી ઘણાં લોકોને પડી હતી. તે વખતે મે હાર્દિક પટેલને સબક શિખવાડવા નક્કી કર્યુ હતું. ગુજરાતમાં ૧૪ પાટીદારોનો ભોગ લેનારાં હાર્દિકે રાજનિતી સિવાય કશું જ કર્યુ નથી. અનામત આંદોલનના નામે ગુજરાતમાં બંધનુ એલાન આપ્યુ તે વખતે એકથી બીજા સ્થળે જવામાં ય લોકોને ઘણી મુશ્કેલી પડી હતી. હાર્દિક પટેલ પોતાની જાતને હિટલર સમજી બેઠો છે. પાટીદાર સમાજના આગેવાનો હોવા છતાંય પોતાની જાતને આગેવાન સમજે છે.
જાસલપુરમાં તરુણ ગજ્જરના ઘેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના બાદ જાસલપુરમાં તરુણ ગજ્જરના ઘેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તરુણના પિતા મનુભાઇ મિસ્ત્રીએ કહ્યુકે, તરુણ ૧૫ દિવસથી અમારાં સંપર્કમાં નથી. બહારગામ જઉ છુ તેમ કહીને ગયો છે. તે પત્નિ સાથે કડીમાં પાંચ વર્ષથી રહે છે. તે કુરિયર-જમીનની લે-વેચ કરે છે. તરુણ આવુ કરેતે માનવામાં આવતુ નથી. તે કયા પક્ષ સાથે જોડાયેલો છે તે ખબર નથી પણ ભાજપ,ભાજપ કહેતો હતો. હાર્દિક પટેલને લાફો મારતાં હુમલો થવાની દહેશત આધારે તરુણના પરિવારના પોલીસ રક્ષણ અપાયુ છે.
ગૃહવિભાગે સુરક્ષા આપવાની તૈયારી દર્શાવી, હાર્દિક પટેલ ના પાડી દીધી
હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના બાદ રાજ્ય સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. રાજ્ય ગૃહવિભાગે હાર્દિક પટેલને ૨૪ કલાક પોલીસ રક્ષણ આપવા તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત કોંગ્રેસે પણ રાજ્ય ચૂંટણીપંચને પત્ર લખી સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને વાય પ્રકારની સુરક્ષા આપવા માંગ કરી છે. જોકે, હાર્દિક પટેલે સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. તેમણે એવી પ્રતિક્રિયા આપીકે, સરકાર પોલીસ સુરક્ષાના બહાને જાસૂસી કરાવે છે. જો અમારાં જેવા સલામત નથી તો આમજનતાનો તો સવાલ જ ક્યાં છે. પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો છેકે, ભાજપ ભાર ભાળી ચૂક્યુ છે એટલે ગુંડાગીર્દી પર ઉતરી આવ્યુ છે. ભયના જોરે ભાજપ ચૂંટણી જીતવા માંગે છે પણ ગુજરાતની જનતા ભાજપને મતના જોરે સબક શિખવાડશે.
કોંગ્રેસી કાર્યકરો ગાંધીઆશ્રમ પાસે રામધૂન બોલાવી
બલદાણામાં હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના બાદ કોંગ્રેસના કાર્યકરોએ આ કૃત્યને વખોડી કાઢ્યુ હતું. અમદાવાદ પૂર્વના ઉમેદવાર અને પાટીદાર યુવા નેતા ગીતા પટેલની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરોએ ગાંધીઆશ્રમ નજીક રામધૂન બોલાવી હતી. કોંગ્રેસી કાર્યકરોએ એવો રોષ ઠાલવ્યો હતોકે, હાર્દિક પટેલ પર હૂમલો કરાવી ભાજપે સાબિત કરી દીધુ છેકે, તે લોકશાહીમાં માનતુ નથી .૨૩મીએ પાટીદારો જ નહીં, ગુજરાતની જનતા એકથઇ આ થપ્પડનો જવાબ આપશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IvHPB7
via Latest Gujarati News
0 Comments