સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી લડતા રોકવા કોર્ટ પહોંચ્યા માલેગાંવ વિસ્ફોટના પીડિતના પિતા

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર

માલેગાંવ વિસ્ફોટના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભાજપે મધ્યપ્રદેશની ભોપાલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યાં છે. ભાજપની જાહેરાત બાદથી જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ચૂંટણી લડતા રોકવાની કવાયત શરૂ થઇ ગઇ છે. સામાજિક કાર્યકર તહેસીન પૂનાવાલા બાદ હવે માલેગાંવ વિસ્ફોટના પીડિતના પિતાએ પણ મહારાષ્ટ્રની NIA કોર્ટમાં યાચિકા દાખલ કરીને સાધ્વી પ્રજ્ઞાના જામીન સામે સવાલ ઉઠાવ્યાં છે.

NIA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી યાચિકામાં જણાવવામાં આવ્યું છે કે સાધ્વી પ્રજ્ઞાને કોર્ટે સ્વાસ્થ્યના કારણોસર જામીન આપ્યાં હતાં, તો તેઓ એ સંજોગોમાં લોકસભાની ચૂંટણી કેવી રીતે લડી શકે? પીડિતના પિતાએ માંગ કરી કે સાધ્વી પ્રજ્ઞાને લોકસભાની ચૂંટણી લડતા રોકવામાં આવે. એ સાથે જ તેમને આ મામલામાં હાઇકોર્ટના આદેશ અનુસાર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ પણ આપવામાં આવે.

પીડિતના પિતાએ કહ્યું કે પ્રજ્ઞા ઠાકુરને જામીન એ શરતે આપવામાં આવ્યાં હતાં કે તેઓ સુનાવણીમાં ભાગ લેશે, પરંતુ તેઓ પોતાને અસ્વસ્થ અને સ્તન કેન્સરના પીડિત બતાવીને સુવાવણીમાં ભાગ નથી લઇ રહ્યાં. પરંતુ સાધ્વી જુદાં જુદાં કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યાં છે અને આપત્તિજનક ભાષણ આપી રહ્યાં છે.

આ પહેલાં સામાજિક કાર્યકર્તા તહેસીન પૂનાવાલાએ પણ ચૂંટણી પંચમાં સાધ્વી પ્રજ્ઞા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે ચૂંટણી પંચે તેમની માંગ ફગાવી દીધી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞા કોઇ મામલામાં દોષિત ઠર્યા નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GwdaBt
via Latest Gujarati News

Post a Comment

0 Comments