
ન્યાય: પાંચ કરોડ કુટુંબો માટે
ચૂંટણી ટાણે કોંગ્રેસ પક્ષે જાહેર કરેલી ન્યાય એટલે ન્યૂનતમ આવક યોજના. તેમાં ભારતના છેક છેવાડેના ૨૦ ટકા ગરીબોનાં કુટુંબોને વાર્ષિક ૭૨,૦૦૦ રૂપિયાની (માસિક ૬૦૦૦ રૂપિયા) કેશ ટ્રાન્સફરની જોગવાઇ છે. ૨૦૧૧ના સેન્સસ પ્રમાણે ભારતમાં આશરે ૨૫ કરોડ કુટુંબો છે અને દરેક કુટુંબમાં સરાસરી પાંચ લોકો રહે છે.
રૂપિયા ત્રણ લાખ સાઇઠ હજાર કરોડનું બજેટ
ભારતમાં રહેતા લગભગ ૨૫ કરોડ કુટુબોમાંથી ૨૦ ટકા કુટુંબો ગરીબ છે તેવો અંદાજ છે. વર્લ્ડ બેંકના ડેટા પ્રમાણે ૨૦૧૧માં ભારતમાં ૨૧.૨ ટકા ગરીબી છે.
હવે તે ઘટીને ૨૦ ટકા થઇ હશે તેમ માનીએ તો ભારતમાં પાંચ કરોડ કુટુંબો એટલે કે ૨૫ કરોડ લોકો ગરીબીની રેખા હેઠળ જીવે છે. તેમને ગરીબીમાંથી બહાર કાઢવા માસિક ૬૦૦૦ રૂપિયાની એટલે કે વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયાની જરૂર છે તેમ કોંગ્રેસ પક્ષ માને છે. તે મુજબ ન્યાય યોજના માટે સરકારે ૩.૬૦ લાખ કરોડ રૂપિયા (રૂા. ૭૨૦૦૦ટ૫ કરોડ કુટુંબો) ઊભા કરવા પડે.
મોદી સરકારની પીએમ કિસાન યોજના
આની સામે મોદી સરકારની પીએમ કિસાન યોજના જેની જાહેરાત છેલ્લા બજેટમાં થઇ હતી તે પ્રમાણે દેશના ૧૨ કરોડ કિસાનો જેમની પાસે બે હેકટર્સથી ઓછી જમીન છે તે દરેકને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા આપવા માગે છે. જે માટે વાર્ષિક ૭૫૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી થઇ છે. મતદાતાઓને રીઝવવા એક તેનો ૨૦૦૦ રૂપિયાનો એક હપ્તો તો ચૂકવાઇ પણ ગયો છે. મૂળ ખર્ચ ૭૨,૦૦૦ કરોડ રૂપિયા થાય પરંતુ ૭૫,૦૦૦ કરોડ રૂપિયાના ફાળવણીમાં વહીવટી ખર્ચ પણ ગણી લેવામાં આવ્યો હશે તેમ ધારણા છે.
ભારતમાં ગરીબો, વૃધ્ધો, અનાથ લોકો, તદ્દન માંદા પણ નોકરી કરવા અશક્ત, શારીરિક ક્ષતિ ધરાવતા લોકો માટે કોઇ જ સોશીઅલ સીક્યુરીટી યોજના નથી. પશ્ચિમના દેશોમાં તે વર્ષોથી છે અને પશ્ચિના કલ્યાણ રાજ્યોમાં તેનો વ્યાપ અને કવરેજ પણ અનેકવિધ છે.
અર્થશાસ્ત્રીઓમાં એક મત એવો છે કે લોકોને સબસીડીઝ આપ્યા કરતા તેમને રાજ્ય તરફથી લઘુતમ આવક મળે (બેઝીક મીનીમમ ઈન્કમ) તે અર્થકારણની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ પોલીસી છે. સબસીડીઝ તો તમને ત્યારે જ મળે જ્યારે તમે કશુંક ખરીદો (દા.ત. અનાજ કે પેટ્રોલ કે ખાતર) પરંતુ લઘુતમ આવકની યોજના હેઠળ તમે કામ કરો કે ના કરો, તમે તદ્દન ગરીબ હો કે મુકેશ અંબાણી હો તો પણ તે રકમ તમને મળે.
આ પ્રકારની યુનિવર્સલ બેઝીક ઈન્કમની યોજના ઉપરની બન્નેમાંથી એકેય નથી. તે યુરોપમાં છે જ્યારે ઉપરની બન્ને યોજનાઓમાં લઘુતમ આવક મળે છે. અર્થશાસ્ત્રમાં તેને કેશ ટ્રાન્સફર કહે છે જેમાં તમને આ લાભ કોઇ જ કામ કર્યા વિના મફત મળે છે, પરંતુ તે અમુક વર્ગને જ મળે છે. કોંગ્રેસ પક્ષની ન્યાય યોજના અને મોદી સરકારની યોજના જેનો અમલ પણ ચાલુ થઇ ગયો છે તે બન્નેની સરખામણી નીચે મુજબ કરી શકાય.
મોદી સરકારની પીએમ કિસાન યોજના
૧) આ યોજનાની સૌથી મોટી મર્યાદા એ છે કે તે માત્ર ૨ હેકટર્સ ઓછી જમીન ધરાવતા કિસાનોને જ લાગુ પડે છે. તે સર્વજનહિતાય, સર્વજનસુખાય નથી પરંતુ કિસાનો પૂરતી મર્યાદિત છે.
૨) જેઓ કિસાનોથી પણ વધુ ગરીબ છે તે ખેતમજૂરોની તેમાં તદ્દન અવગણના છે.
૩) ભારતના શહેરોમાં કરોડો ગરીબ લોકો રહે છે જેમાંના કેટલાક તો અત્યંત ગરીબ હોય છે. તેઓ મોટાભાગના ઝુંપડપટ્ટીમાં રહે છે કે ફુટપાથ પર જીવન વીતાવે છે. શ્રી મોદી સરકારની આ યોજના શહેરી ગરીબોને આવરી લેતી નથી.
૪) તેનું 'ટાઇમીંગ' એ પ્રકારનું છે કે જેથી એમ લાગે કે આ ચૂંટણીમાં જીતવા માટેનો એક નુસખો (જીમીક્સ) છે. ભારતના ગામડાઓમાં મતદાતાઓના માત્ર ૨૦ ટકા જ રહેતા હોત તો આ યોજના કદાચ ઘડાત નહીં.
૫) આ યોજનાનું એક પોઝીટીવ પાસુ એ છે કે તે માટે ખર્ચવી પડતી ૭૫,૦૦૦ કરોડ રૂપિયાની રકમ ટેક્ષ દ્વારા ઊભી કરવાનું કામ કઠિન નથી.
૬) આ યોજનામાં ચૂંટણીને લગતા ફાયદા કેટલા થશે તેની આપણને ખબર નથી પરંતુ ત્રણ હપ્તામાં દરેક હપ્તામાં કુટુંબ માટે ૨૦૦૦ રૂપિયાની રકમ ખેડૂતોને કેટલી ઉપયોગી થઇ પડશે તે ખબર નથી. ભારતમાં ખેતીનો પ્રાણપ્રશ્ન સ્ટ્રકચરલ છે. વાર્ષિક ૬ હજારના રૂપિયાનો ખર્ચો ખેતીમાં મૂળભૂત સુધારા લાવશે તે માની શકાતું નથી.
૭) આ પહેલાં કોંગ્રેસ સરકારની બે યોજનાઓ - મનરેગા અને સસ્તા અનાજની દુકાનોની યોજનાને ગેમ ચેન્જર સાબિત થઇ. તેણે દેશમાંથી ભૂખમરો દૂર કર્યો.
મોદી સરકારની ઉપરોક્ત યોજના ગેમ ચેન્જર નથી જ્યારે કોંગ્રેસ સરકારની યોજના જો તેનો બરાબર અમલ થાય તો તે ગેમ ચેન્જર છે. દેશમાંથી ભૂખમરો અદ્રશ્ય થયો છે. ન્યાય યોજના દેશમાંથી ગરીબી દૂર કરી શકે તેમ છે.
કોંગ્રેસ સરકારની ન્યાય યોજના
૧) તેનો સૌથી મોટો ગુણ એ છે કે તે તમામ ગરીબ કુટુંબોને મદદ કરશે. તે ગરીબો શહેરમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય કે ભટકતું જીવન ગાળતા હોય, હિન્દુ હોય, મુસ્લીમ હોય, ખ્રીસ્તી હોય, સવર્ણ હોય, ઓબીસી હોય કે એસસી-એસટી હોય તેમાં કોઇ ફરક નહીં પડે. આ યોજના બહુજનહિતાય છે અને ભારતમાંથી ગરીબીને દૂર કરી શકે તેમ છે.
૨) તેની મોટી મર્યાદા તેનું ૩.૬૦ લાખ કરોડ રૂપિયાનું અનુમાનિત ખર્ચ છે જે ભારતના લગભગ ૩ લાખ રૂપિયાના સંરક્ષણ બજેટથી વધારે છે.
૩) કોંગ્રેસ જો સત્તામાં આવે અને કરવેરાના દર વધાર્યા વિના કડક ટેક્ષવસૂલી કરે તો જો ટેક્ષની આવક માત્ર ૧૫ ટકા જ વધે તો વધારાના ટેક્ષમાંથી આ કલ્યાણ યોજના ભારતમાં દાખલ કરી શકાય છે.
યાદ રહે કે ભારત સરકારની કુલ કેન્દ્રીય વેરાની આવક ૨૦ લાખ કરોડ રૂપિયાથી વધુ છે અને જો આપણે ૩ લાખ કરોડ રૂપિયાથી વધુ ડીફેન્સ માટે ખર્ચી શકીએ તો ૩.૬૦ લાખ કરોડ ગરીબી હટાવવા પાછળ ખર્ચી ના શકીએ. વળી આ વધારાની ખરીદશક્તિ અર્થકારણમાં દાખલ થતા જ અર્થકારણને વધુ વેગ મળે. જો આ વધારાની આવક કરવેરા દ્વારા મેળવી ના શકાય તો અર્થકારણમાં ઊંચા ભાવવધારાનો ડર રહે છે.
૪) આ યોજનાનો વહીવટ અત્યંત જટિલ બની શકે છે. પાંચ કરોડ કુટુંબોને ગરીબ કુટુંબો તરીકે 'આઇડેન્ટીફાય' કરવાનું કામ જ હિમાલય જેટલું કઠિન છે અને તેમને દર મહીને ૬૦૦૦ રૂપિયા પહોંચાડવાનું કામ પણ કઠીન છે.
વળી અમુક કુટુંબો અમુક સમય દરમિયાન ગરીબીમાંથી બહાર આવતા રહે છે તો અમુક લોકો ગરીબીની રેખા નીચે જતા રહે છે. આવું મોનીટરીંગ કરવાનું કામ પણ કઠિન છે પરંતુ એટલું ચોક્કસ કે 'ન્યાય' યોજના ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની દિશામાં સાચુ પગલું છે.
ઉપરની બન્ને યોજનાઓની ટીકા એ રીતે થઇ શકે કે લોકોમાં નવી કુશળતાઓ ઊભી કરવી, દરેકને પીએચ.ડી. સુધીના ઉચ્ચ શિક્ષણનો (માત્ર પ્રાથમિક શાળાના શિક્ષણનો નહીં) માનવ અધિકાર આપવો તેમજ ઉચ્ચ શિક્ષણને સ્કેન્ડેનેવીઅન કલ્યાણ રાજ્યોની માફક મફત કરી દેવું (માત્ર મફત જ નહીં) ઘણા વિદ્યાર્થીઓને મોટી રકમની સ્કોલરશીપ ત્યાં મળે છે) અને સ્વાસ્થ્ય યોજનાને પણ લગભગ મફત કરી દેવું તે આપણા દેશની પ્રાથમિકતા હોવી જોઇએ કે પછી કેશ ટ્રાન્સફરની લ્હાણીની ? તમે લોકોને માછલી ના આપતા પણ માછલા પકડવાની જાળ આપો અને તે અંગેની ટેકનીક શીખવો.
હાલની ચાલુ યોજનાનું શું
અહીં સૌથી મોટો ભય એ છે કે જે કોઇ પક્ષ જીતે તે પોતાની માનીતી વોટકેચર યોજનાનો અમલ કરવા માટે હાલની કલ્યાણની યોજનાઓ બંધ કરી દેશે કે શું ?
ઈ.સ. ૨૦૧૯-૨૦૨૦ના કેન્દ્ર સરકારના બજેટમાં અનાજ, ખાતર અને પેટ્રોલીયમ પર કુલ મળીને ૨.૯૬ લાખ કરોડની સબસીડીઝની ફાળવણી થઇ છે. આ ઉપરાંત મનરેગામાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ, ૨૫,૮૫૩ કરોડ રૂપિયાની હાઉસીંગ સબસીડી, ૧૮૦૦૦ કરોડ રૂપિયાની ખેડૂતોને લોન પર વ્યાજની સબસીડી, પાક વીમા યોજના પાછળ ૧૪૦૦૦ કરોડ રૂપિયા - શું આ બધી યોજનાઓ બંધ કરવામાં આવશે ?
જો તેઓને બંધ નહીં કરવામાં આવે તો પીએમ કિસાન યોજના કે 'ન્યાય' યોજનાનો ખર્ચ સરકાર ક્યાંથી કાઢશે ? ઉપર જોયું તેમ કરવેરાની કડક વસૂલાત દ્વારા ૩.૬૦ લાખ કરોડ ઊભા કરી શકાય તેવી શક્યતા છે પરંતુ શું આનો ઉપયોગ કલ્યાણ રાજ્યની અન્ય યોજનાઓ દાખલ કરવામાં ના થઇ શકે ? જો જાહેર દેવુ વધારીને સરકાર આ યોજનાઓનો અમલ કરે તો દેશમાં ફુગાવો એટલો બધો વધી જાય કે સરકાર જ ફેંકાઇ જાય.
જ્યારે બજારો નિષ્ફળ જાય ત્યારે સરકાર તેમને ગજેન્દ્ર મોક્ષ દ્વારા ઉગારી લે છે. એર ઈન્ડિયાને અને માંદી જાહેર બેંકોને ઉગારવા સરકાર કેવા મરણિયા પ્રયત્નો કરે છે ? પરંતુ રાજકીય પક્ષોની સરકાર જેના પર અત્યારે કોઇ 'ચેક્સ એન્ડ બેલેન્સ' નથી તે લોકો માટે નિષ્ફળ જાય તો શું કરવું ? સરકારે નાદારી નોંધાવવી ? સરકારના કાન માત્ર ચૂંટણી દરમિયાન જ લોકો પકડી શકે છે.
ઉપસંહાર: ભારતમાં સૌથી તાતી જરૂરિયાત મફત શિક્ષણ અને મફત આરોગ્યની છે. આરોગ્યની સુરક્ષા માટે દરેક ગામમાં વીજળી, નળનાં ચોખ્ખા પાણી અને રાંધણ ગેસની જરૂર છે. તેને પ્રાથમિકતા આપો.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GklYZY
via Latest Gujarati News
0 Comments