કોમોડિટી કરંટ - જયવદન ગાંધી



કોમોડિટી સેકટરમાં એનર્જી અને કરંસીને બાદ કરતાં એગ્રી, બુલિયન, મેટલની મોટાભાગની ચીજોમાં તેજીનો માહોલ ચે. કોમોડિટીમાં  MCXઅને NCDEX ઉપરાંત BSE, NSE,ICEXજેવા મોટા ગજાના એક્સચેન્જોની એન્ટ્રીને કારણે આજે કેટલીક ચીજોના બંધ પડેલા વાયદા અને નવી ચીજોને પણ વાયદા ફ્યુચર ટ્રેડીંગમાં એન્ટ્રી એટલે કે શરૂ થતાં વાયદાનો કારોબાર દિનપ્રતિદિન વધી રહ્યો છે.

સેબીના હકારાત્મક પગલાંને કારણે એક્સચેન્જોના કારોબારમાં નોંધપાત્ર વૃધ્ધિ થઇ છે. ખાસ કરીને વર્ષ ૨૦૧૩ જુલાઈમાં કોમોડિટી ટ્રાન્ઝેકશન ટેક્ષ (CTT) લાદવામાં આવતાં કોમોડિટી એક્સચેન્જોને ભારે અસર થઇ હતી. જો કે વિદેશી એક્સચેન્જો સામે RBIના કડક વલણને કારણે ભારતીય એક્સચેન્જોને પ્રોત્સાહન મળેલ છે.

જેના લીધે કોમોડિટી સેકટરના સૌથી મોટા એક્સચેન્જ MCXનું વર્ષ ૨૦૧૮-૧૯માં વર્ષે દહાડે ડેઇલી ટર્ન ઓવર લગભગ ૨૫૬૦૦ કરોડ રૂપિયાની આસપાસ હાઈલેવલે પહોંચી ગયું છે. કોમોડિટીમાં સેબીના આગમન બાદ અનેક બંધ વાયદા ફરી શરૂ થયા છે. તથા નવી ચીજોના વાયદા પણ શરૂ કરીને ફ્યુચર ટ્રેડીંગનો કારોબાર વધારવામાં સેબી હંમેશાં અગ્રેસર રહ્યું છે.

તાજેતરમાં હીરા (ડાયમન્ડ)નો સૌ પ્રથમ વાર વાયદો શરૂ કરનાર ઇન્ડીયન કોમોડિટી એક્સચેન્જ (ICEX) એ હવે એગ્રી ઇસબગોલમાં વાયદો શરૂ કરવા કવાયત હાથ ધરી છે. BSE એ એરંડા-સોયાબીન અને હળદળનો વાયદો શરૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે NSE  માં અડદ તુવેર અને બટાકાનો વાયદો શરૂ થઇ રહ્યો છે.

આજકાલ એગ્રી તેમજ બુલિયન, મેટલ કોમોડિટીમાં તેજીનો માહોલ વધુ છે. સોનામાં વૈશ્વિક પરિબળોને કારણે અખાત્રીજ સુધીમાં ભાવો વધવાની શક્યતા તેજ છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વને વર્ષ ૨૦૧૯માં વ્યાજના દરો ઓછા કરી રહી હોવાના સંકેતોને કારણે ડોલર નબળો પડવાની શક્યતાએ સોનામાં તેજીનો પવન ફૂંકાયો છે.

ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ દ્વારા સોનાની સુરક્ષિત માંગનો વધારો થયો છે સાથે સાથે અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની સમાંતર અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે પણ ટ્રેડ વોર થવાની સંભાવનાની અસર સોના ઉપર પડી છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે પણ આગામી આવી રહેલા અખાત્રીજ તેમજ લગ્ન સરાની સીઝનને કારણે માંગ ખુલવાની વકીને કારણે સોનામાં ભાવો સુધારા ઉપર તેજી તરફી જઇ રહ્યા છે.

આગામી સાતમી મે અખાત્રીજના તહેવાર સુધીમાં સોનાના ભાવો પ્રતિ ૧૦ ગ્રામે રૂ. ૩૪૫૦૦ની આસપાસ ઉચા સ્તરે રહે તેવી સંભાવના તેજ છે. આ વર્ષે ગ્રામ્ય સ્તરેથી પણ સોનાની માંગ વધવાની શક્યતાઓને કારણે સોનાને સપોર્ટ રહે તેમ છે. સોનાની સમાંતર ચાંદીની માંગમાં સતત વધારો થતાં ભાવો વધવાની શક્યતા વધુ છે.

એગ્રી કોમોડિટીમાં એરંડા, ચણા, ગવાર, જીરૂ, વરીયાળી, ઇસબગોલ જેવી મોટાભાગની ચીજોમાં વધતી જતી માંગને કારણે હાજર બજારોમાં તેજી છવાઈ છે. ચણાના ભાવો છેલ્લા ચાર માસની ઉચી સપાટીએ છે.

સરકારે નક્કી કરેલા ચણાના ટેકાના ભાવો ૪૬૨૦ના ભાવે ચણાની પૂરજોશમાં ખરીદી શરૂ કરતાં લોકલ બજારમાં પણ ગરમી પકડાઈ છે. ચણા વાયદો પ્રતિ ક્વિન્ટલે ૪૫૦૦ની આસપાસ આવી ગયો છે. સરકારી એજન્સી નાફેડ દ્વારા લગભગ ૩૮૦૦૦ ટન ચણાની ખરીદી કરી હોવાના અહેવાલો છે. ખાસ કરીને તેલંગાણામાંથી વધુ ખરીદી થઇ છે. 

ચણાની આયાત ડયુટી વધુ હોવાને કારણે આયાતની માત્રા ઓછી થવા સામે દેશમાં ચણાના ઉત્પાદનમાં દશેક ટકાનો ઘટાડો થયો હોવાનો અંદાજ છે. આ વર્ષે લગભગ ૧૦૩ લાખ ટનની આસપાસ ઉત્પાદન થવાની વકી છે.

તેલીબીયાંમાં સોયાબીનની સાથે સાથે એરંડામાં પણ બજાર તેજ ચાલી રહી છે. છેલ્લા એક મહિનામાં  NCDEX ઉપર ચણાના ભાવોમાં લગભગ ૧૪ ટકાના વધારા સાથે ૬૧૦૦ની સપાટી કુદાવી છે.

એરંડામાં પણ આ વર્ષે ઉત્પાદન ઓછું રહેવાની ગણત્રીએ વધતી જતી સતત માંગને કારણે લાંબા ગાળા સુધી તેજી રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિઓમાં એરંડાના ભાવો ૬૫૦૦ની સપાટી કુદાવે તો નવાઈ નહિ તેવું જણાઈ રહ્યું છે. એરંડાના ઉત્પાદનમાં પણ ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો રહે તેવું અનુમાન છે.

ધાણામાં પણ બજાર ૪૦ ટકાના ઉછાળા સાથે ભાવો ૭૦૦૦ની સપાટી સુધી પહોંચી ગયા છે. ધાણા ઉત્પાદિત ભારત ઉપરાંત યુક્રેન, બલ્ગેરીયા, રશિયા જેવા દેશોમાં પણ લગભગ ૪૦ ટકાની આસપાસ ઓછું ઉત્પાદન થવાની ભીતિએ ધાણા બજાર તેજી તરફી સતત આગળ વધી રહ્યું છે. જેના પગલે ધાણાના ભાવો ૭૫૦૦ની સપાટી ક્રોસ કરી શકે છે. ધાણાનું ઉત્પાદન મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં મુખ્યત્વે થાય છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UzZgH0
via Latest Gujarati News

Post a Comment

0 Comments