મુંબઈમાં સોશિયલ મીડિયાને કારણે ભૂલી પડેલી બાળકીનો ફરી માતા-પિતા સાથે મેળાપ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.7 એપ્રિલ 2019,રવિવાર

સોશિયલ મીડિયાનો અતિરેક વધી રહ્યો છે ત્યારે જો તેનો સંવેદનશીલપણે ઉપયોગ થાય તો તેના સારા પરિણામ પણ મળી શકે છે. તેનું એક પ્રત્યક્ષદર્શી ઉદાહરણ તાજેતરમાં મુંબઈમાં જોવા મળ્યું છે. લોકલની ગિર્દીમાં ખોવાયેલી એક બાળકી સોશિયલ મીડિયાના માધ્યમે ફરી તેના માતા-પિતાને મળી શકી છે. 

મહાલક્ષ્મી મંદિરમાં દર્શન કરીને પાછા ફરતી વેળાએ થોડાં દિવસો પહેલાં એક નાનકડી બાળકી લોકલ ટ્રેનમાં ચડી ગઈ અને તેનું કુટુંબ પાછળ રહી ગયું હતું. જોકે તેમને દીકરી ન દેખાતાં તેમણે તુરંત જ પાછળની બીજી બોરીવલીની દિશામાં જતી લોકલ ટ્રેન પકડી લીધી.

પરંતુ તેઓ બાળકીને શોધી શક્યા નહીં. દરમ્યાન એક નાનકડી ભૂલકી રસ્તો ભૂલી હોવાનું જણાતાં પ્રભાદેવી સ્ટેશને ચડેલાં એક મહિલા પ્રવાસીએ સોશિયલ માધ્યમનો ઉપયોગ કરી આ બાળકીને તેના વડીલો સુધી પહોંચાડી હતી.

બાળકીને તેના વાલીથી મેળવનાર પ્રવાસીના જણાવ્યાનુસાર, તેઓ જ્યારે પ્રભાદેવીથી બોરીવલી તરફ જનારી ટ્રેનમાં ચડયા ત્યારે તેમને આ બાળકી રસ્તો ભૂલી હોવાનું જણાયું હતું. તે કંઈ બોલી રહી નહોતી. ત્યારબાદ તે પ્રવાસી આ બાળકીને દાદર રેલવે પોલીસ પાસે લઈ જતાં બાળકીએ પિતાનું નામ જણાવ્યું હતું.

તે બાળકીને પિતાના ફોન નંબરની જાણ પણ નહોતી. આથી સોશિયલ મીડિયાના આધારે તેના પિતાનું નામ સર્ચ કરતાં બાળકીએ પિતાનો ફોટો ઓળખી પાડયો હતો. આથી દાદર તથા બોરીવલી રેલવે પોલીસની સહાયતાથી બાળકી ફરી પોતાના માતાપિતાને મળી શકી હતી. 

'મુંબઈની આજની પરિસ્થિતી જોતાં છોકરી ખોટાં હાથમાં ન જઈ ચડે તેની ખૂબ ચિંતા થઈ રહી હતી. પરંતુ એક મહિલા પ્રવાસીને કારણે અમને અમારી દીકરી પાછી મળી છે.' એવી પ્રતિક્રિયા આનંદમાં આવી બાળકીના વાલીએ વ્યક્ત કરી છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uUiMi0
via Latest Gujarati News

Post a Comment

0 Comments