નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019, બુધવાર
ભારત અને અમેરિકાના સંરક્ષણ સબંધો દિવસને દિવસે વધારે મજબૂત બની રહ્યા છે. ભારત અમેરિકન હથિયારોની વ્યાપક ખરીદી કરી રહ્યુ છે.
આવા જ એક મોટા સંરક્ષણ સોદાને અમેરિકાએ મંજુરી આપી દીધી છે. ભારત અમેરિકા પાસે 2.4 અબજ ડોલર એટલે કે લગભગ 16000 કરોડ રુપિયાના ખર્ચે 24 એચએચ 60 સી હોક હેલિકોપ્ટર ખરીદશે. જેને રોમિયો તરીકે ઓળખવામાં આવે છે.
છેલ્લા એક દાયકાથી ભારતને આ હેલિકોપ્ટરની જરુરીયાત હતી.એફ-16 સહિતના લડાકુ વિમાનો બનાવનાર લોકહીડ માર્ટિન કંપનીએ આ હેલિકોપ્ટર બનાવ્યા છે. જે દુશ્મન સબમરીન અને યુધ્ધ જહાજોને ટાર્ગેટ બનાવવા માટે સક્ષમ છે. તેની સાથે સાથે સમુદ્રમાં બચાવ કામગીરી માટે પણ તે ઉપયોગી છે.
અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે, આ સોદાના પગલે ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સબંધ વધારે મજબૂત બનશે.તેની સાથે સાથે ભારતને હિન્દ મહાસાગરમાં વધતા ખતરાને પહોંચી વળવા માટે મદદ મળશે.
એવુ મનાય છે કે રોમિયા દુનિયાના સૌથી અત્યાધુનિક દરિયાઈ હેલિકોપ્ટર છે. જે નૌસેનાની મારક ક્ષમતામાં ભારે વધારો કરશે.
હિંદ મહાસાગરમાં ચીનની વધતી આક્રમકતાને જોતા ભારતને આ હેલિકોપ્ટર ઉપયોગી થશે. જે ચીનની અને પાકિસ્તાનની સબમરિન હિલચાલ પર બાજ નજર રાખી શકશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YHExzn
via Latest Gujarati News
0 Comments