'અમારું ભવિષ્ય બચાવો': બેનરો સાથે જેટ એરવેઝના સેંકડો કર્મચારીઓ રસ્તા પર


એરલાઇન્સની બિડિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક સમાપ્ત થવાની આશા : જેટ એરવેઝના પાંચ વિમાનો લીઝ પર લેવા માટે એર ઇન્ડિયાએ એસબીઆઇને પત્ર લખ્યો

અન્ય એરલાઇન્સમાં 30 ટકા ઓછા પગારની ઓફરને પગલે જેટ એરવેઝના પાયલોટોની કફોડી સ્થિતિ

વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવાની જેટના પાયલોટોની અપીલ

આઇએટીએએ જેટ એરવેઝની ક્લિયરિંગ હાઉસ મેમ્બરશીપ સસ્પેન્ડ કરતા રિફન્ડની ચૂકવણી પર અસર થશે

મુંબઇ, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર

જેટ એરવેઝની તમામ ફલાઇટ બંધ થયા પછી તેના કમર્ચારીઓએ આજે દિલ્હીમાં જંતર મંતર ખાતે દેખાવો કર્યા હતાં. આ દેખાવોમાં જેટ એરવેઝના કમર્ચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. દેખાવકારો જેટ એરવેઝની ફલાઇટ ફરીથી શરૃ કરવાની માગ કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ શનિવારે પણ જેટ એરવેઝના કર્મચારીઓએ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશલ એરપોર્ટની બહાર દેખાવો કર્યા હતાં. તે દિવસે કર્મચારીઓએ માનવ સાંકળ પણ રચી હતી. 

દેખાવોેમાં જેટ એરવેઝના પાયલોટ, ટેકનિકલ અને સુરક્ષા સહિતના કર્મચારીઓ જોડાયા હતાં. તેઓ 'જેટ એરવેઝ બચાવો, હમારા ભવિષ્ય બચાવો'ના બેનરો લઇને ઉભા હતાં. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર જેટ એરવેઝ તાત્કાલિક ફલાઇટ શરૃ નહીં કરે તો તેનું એર એરપોર્ટ લાયન્સ પણ રદ થઇ શકે છે. 

જેટ એરવેઝના ૧૧૦૦ પાયલોટોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર મળ્યો ન હોવા છતાં તેઓ અન્ય એરલાઇન્સમાં જવા માગતા નથી કારણકે અન્ય એરલાઇન્સ તેમને વર્તમાન પગારથી ૩૦ ટકા ઓછો પગાર ઓફર કરી રહી છે. 

આ દરમિયાન જેટ એરવેઝને ધિરાણ કરનારી બેંકોએ જણાવ્યું છે કે તેમને હજુ પણ આશા છે કે એરલાઇન્સની બિડિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક સમાપ્ત થશે. 

ઉલ્લેખનીય છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્ત્વવાળા બેંકોના જૂથોએ ૪૦૦ કરોડ રૃપિયાનું તાત્કાલિક ફંડ આપવાનો ઇનકાર કરતા જેટ એરવેઝે પોતાની તમામ ફલાઇટ બંધ કરવાની જાહેરાત કરી હતી. 

આ દરમિયાન એર ઇન્ડિયાએ જેટ એરવેઝના પાંચ વિમાનો લીઝ પર લેવા માટે એરલાઇન્સના એમડી અશ્વિની લોહાનીએ એસબીઆાઇના ચેરમેન રજનીશ કુમારને પત્ર લખ્યો છે. 

દેખાવો દરમિયાન જેટ એરવેઝના પાયલોટોએ આ બાબતમાં વડાપ્રધાન મોદીને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. 

આ અગાઉ જેટ એરવેઝના સીઇઓ વિજય દુબેએ પત્રકારોને જણાવ્યું હતું કે વેચાણમાં થોડોક સમય લાગશે પણ મને વિશ્વાસ છે કે એરલાઇન્સ ફરીથી શરૃ થશે. જેટ એરવેઝે તમામ ફલાઇટ બંધ કરી દેતા એરલાઇન્સના ૨૦ હજાર કર્મચારીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે. 

દેખાવોમાં ભાગ લેનારા જેટ એરવેઝના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમે સિનેમા, રેસ્ટોરન્ટ સહિતના કોઇ પ્રકારના એન્ટરટેઇનમેન્ટમાં જવાનું બંધ કરી દીધુ છે. મેં મારા બાળકોનું પ્રાઇવેટ ટયુશન બંધ કરાવી દીધું છે અને હું પોતે જ મારા બાળકોને ભણાવી રહ્યો છું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2INgt8C
via Latest Gujarati News

Post a Comment

0 Comments