ઓડિશામાં મોદીના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવા બદલ આઇએએસ અધિકારી સસ્પેન્ડ


અગાઉ ઓડિશાના સીએમ પટનાયક, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના હેલિકોપ્ટરનું પણ ચેકિંગ થયું હતું 

ચોકીદારને પણ એસપીજીનું સુરક્ષા કવચ જોઇએ છે, શું છુપાવી રહ્યા છો? : આપનો સવાલ 

આ દેશમાં કોઇ એક વ્યક્તિ માટે શું વિશેષ કાયદો છે ? : અહેમદ પટેલ

નવી દિલ્હી, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર

ઓડિશાના સંબાલપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક રેલીને સંબોધવા ગયા હતા, જોકે મોદીના હેલિકોપ્ટરની તપાસ એક સ્થાનિક આઇએએસ અધિકારીએ કરી હતી. જેને પગલે આ આઇએએસ અધિકારીને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધા હતા. ચૂંટણી પંચના આ પગલાની સોશિયલ મીડિયાથી લઇને વિપક્ષ દ્વારા ભારે ટીકા થઇ રહી છે. સાથે સવાલ ઉઠાવ્યો છે કે કોઇ ઇમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યું હોય તો તેની જ વિરુદ્ધ ચૂંટણી પંચ કાર્યવાહી કેવી રીતે કરી શકે? આ અતી શરમજનક પગલું કહેવાય. 

૧૬મી એપ્રીલે મોદી ઓડિશાના સંબલપુરમાં એક પ્રચાર રેલીને સંબોધવા ગયા હતા જે દરમિયાન સ્થાનિક આઇએએસ ઓફિસર મોહમ્મદ મોહસિને મોદીના હેલિકોપ્ટરનું ચેકિંગ કર્યું હતું. મોહસિનના આ પગલા બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ચૂંટણી પંચે એવી દલીલ કરી છે કે વડા પ્રધાન મોદીને એસપીજીની સુરક્ષા મળેલી છે આવી સ્થિતિમાં તપાસ કરવાથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે આઇએએસ અધિકારીએ હેલિકોપ્ટરનું ચેકિંગ કરતા વડા પ્રધાન મોદી ૧૫ મિનિટ સુધી સંબલપુરમાં રહ્યા હતા. 

ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે જે લોકોને એસપીજીની સુરક્ષા મળેલી હોય તેવી વ્યક્તિને ચેકિંગમાંથી છુટ આપવામાં આવે છે, મોદીને એસપીજીની સુરક્ષા છે આવી સ્થિતિમાં તેમનું ચેકિંગ કરવું તે ચૂંટણી પંચની ગાઇડલાઇન્સમાં નથી આવતું માટે આ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે અધિકારીને પોતાની ફરજ બજાવવા બદલ સસ્પેન્ડ કરી દેવાના ચૂંટણી પંચના પગલાની ટીકા કરી છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે શું ચોકીદારે પણ સુરક્ષાની જરુર હોય છે? આ ચોકીદારે પોતાની સુરક્ષા માટે એક કવચ બનાવી રાખ્યું છે અને કહે છે કે હું ચોકીદારી કરીશ, શું એવું આ ચોકીદાર છુુપાવી રહ્યા છે કે કોઇ તપાસ કરે તો તેને સસ્પેન્ડ કરી દેવાય છે. 

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે શું કોઇ એક વ્યક્તિ માટે સ્પેશિયલ અલગથી કાયદો છે? જે અધિકારી પોતાની ફરજ બજાવી રહ્યા હતા તેને જ સસ્પેન્ડ કેમ કરી દેવામાં આવ્યા? એસપીજીનો ઉપયોગ વ્યક્તિગત હેતુ માટે ન કરી શકાય. અગાઉ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક, કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના હેલિકોપ્ટરને પણ ચેક કરવામાં આવ્યું હતું. જોકે તેમના હેલિકોપ્ટરની તપાસ કરનારા સામે કોઇ પગલા નહોતા લેવાયા જ્યારે મોદીના હેલિકોપ્ટરને ચેક કરનારાને સસ્પેન્ડ કરી દેવાયા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gwc2Of
via Latest Gujarati News

Post a Comment

0 Comments