દિલ્હીમાં ભાજપના વડામથકે પત્રકાર પરિષદમાં જીવીએલ નરસિંહ રાવ પર ચપ્પલ ફેંકાયું


ડોક્ટર તરીકેની ઓળખ આપનાર કાનપુરનો રહેવાસી શક્તિ ભાર્ગવનું કૃત્ય શક્તિ ભાર્ગવ સામે કોઈ ફરિયાદ દાખલ ન કરાતા દિલ્હી પોલીસે છોડી મૂક્યો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર

દિલ્હી ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલયમાં ગુરુવારે બપોરે પાર્ટીના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવ પર ચપ્પલ ફેંકવાની ઘટના બની હતી. ચપ્પલ ફેંકનારી વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

ભાજપના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને સંબોધી રહેલા ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું. જાણવા મળ્યા મુજબ ચપ્પલ ફેંકનારી વ્યક્તિ ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી છે અને આ ઘટના બાદ ત્યાં ઉપસ્થિત લોકો તે શખ્સને પકડીને બહાર લઈ ગયા હતા. પોલીસે આ શખ્સને કસ્ટડીમાં લઈને ચપ્પલ ફેંકવાનું કારણ  જાણવા તપાસ હાથ ધરી છે.  

નરસિમ્હા રાવ જ્યારે પત્રકારોને સંબોધી રહ્યા હતા ત્યારે ચપ્પલ ફેંકનારી વ્યક્તિ પહેલી હરોળમાં પત્રકારોની વચ્ચે બેઠી હતી. નરસિમ્હા રાવ જ્યારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મુદ્દે વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે આ વ્યક્તિએ ઉભા થઈને તેમના પર ચપ્પલ ફેંક્યુ હતું જો કે સદનસીબે તે નિશાન ચુકી ગયો હતો. તેના પાસેથી મળેલા કાર્ડમાં શક્તિ ભાર્ગવ નામ લખેલું હોવાથી તે કાનપુરનો ડોક્ટર શક્તિ ભાર્ગવ હોવાનું જાણી શકાયું છે.

તેની ફેસબુક પ્રોફાઈલમાં તે વ્હીસલ બ્લોઅર હોવાનો ઉલ્લેખ કરાયેલો છે.  નરસિમ્હા રાવે આ ઘટના પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો દાવો કર્યો હતો. જાણવા મળ્યા મુજબ શક્તિ ભાર્ગવ ભૂમાફિયા તરીકે ઓળખાય છે અને ગત વર્ષે તેના અનેક ઠેકાણાઓ પર આવક વેરા વિભાગે દરોડા પાડયા હતા.

શક્તિ ભાર્ગવ પત્રકાર પણ નથી અને ભાજપનો કોઈ કાર્યકર્તા પણ નથી તેમ છતા તે પત્રકાર પરિષદમાં હાજર રહીને મંચ સુધી કઈ રીતે પહોંચ્યો તે એક સવાલ છે. એક ચપ્પલ ફેંક્યા બાદ શક્તિ ભાર્ગવ બીજું ચપ્પલ ફેંકવાની તૈયારીમાં હતો ત્યારે જ આજુબાજુમાં ઉપસ્થિત લોકોએ તેને પકડી લીધો હતો. 

શક્તિ ભાર્ગવે 11.5 કરોડમાં ત્રણ બંગલા ખરીદતા આઇટીની તપાસ

નવી દિલ્હી, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર

દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં ઘૂસીને પત્રકાર પરિષદ દરમિયાન ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહા પર ચપ્પલ ફેકનાર શક્તિ ભાર્ગવ સામે ચોંકાવનારી વિગતો સામે આવી છે. શક્તિ ભાર્ગવ સામે બેનામી સંપત્તિ અને આવકથી વધુ સંપત્તિ રાખવા બદલ આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. ભાર્ગવે ૧૧.૫ કરોડમાં ત્રણ બંગલા ખરીદ્યા હતાં. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર ૨૦૧૮માં ત્રણ દિવસ સુધી ચાલેલા દરેડા દરમિયાન ભાર્ગવના સંકુલોમાંથી ૨૮ લાખ રોકડા અને ૫૦ લાખની ઘરેણા જપ્ત કરાયા હતાં. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UI74Xq
via Latest Gujarati News

Post a Comment

0 Comments