‘તમામ મોદી ચોર છે' નિવેદન બદલ રાહુલ સામે ફરિયાદ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર

ઉત્તર પ્રદેશના બુલંદશહેરની એક કોર્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાહુલ ગાંધીના નિવેદન 'કેવી રીતે તમામ ચોરોના નામમાં મોદી છે'ને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. બુલંદશહેરના રહેવાસી જગદીપ કુમાર મોદીએ સોમવારે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તેમણે જણાવ્યું કે એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીના કારણે અનેક લોકોએ તેમની મજાક ઉડાવી હતી જેથી તેમની તથા તેમના પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. જગદીપના મતે રાહુલ ગાંધીએ આ ખોટું છે તે સમજવા છતાં મોદી અટક ધરાવતા લોકોને બદનામ કરવાના હેતુથી આ નિવેદન આપ્યું હતું.

આ ઉપરાંત બિહારના વરિષ્ઠ નેતા અને ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો છે. રાહુલ  ગાંધીએ મહારાષ્ટ્રના નાંદેડમાં એક જનસભાને સંબોધતી વખતે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરીને તમામ ચોરોના નામમાં મોદી કેમ સામાન્ય હોય છે તેવો સવાલ કર્યો હતો.

આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સહયોગીઓએ મારી પછાત જાતિ વિશે અપશબ્દો બોલવામાં કોઈ કસર નથી છોડી. પરંતુ હવે તેમણે તમામ હદ વટાવીને સમગ્ર સમૂદાય માટે જ અપશબ્દનો પ્રયોગ કર્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KP6z9s
via Latest Gujarati News

Post a Comment

0 Comments