શત્રુધ્ન સિંહાના પત્ની પૂનમ સિંહાએ રોડ શો બાદ લખનઉ બેઠક પરથી ફોર્મ ભર્યુ


(પીટીઆઇ) લખનઉ, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર

લખનઉ લોકસભા બેઠક પરથી સપા-બસપા ગઠબંધનના સપા ઉમેદવાર તરીકે શત્રુધ્ન સિંહાના પત્ની પૂનમ સિંહાએ આજે ફોર્મ ભર્યુ હતું. ફોર્મ ભરતી વખતે તેમની સાથે  તેમના પતિ અને પટણા સાહેબથી કોંગ્રેસના ઉમેદવાર અભિનેતા શત્રુધ્ન સિંહા તથા સપા સાંસદ અને અખિલેશના પત્ની ડિમ્પલ યાદવ પણ હતાં. 

ઉલ્લેખનીય છે કે પૂનમ સિંહા બે દિવસ પહેલા સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતાં. લખનઉ લોકસભા બેઠક પર ૬ મેના રોજ ચૂંટણી થવાની છે. પૂનમ સિંહા રોડ શો કરીને બપોરે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. આ બેઠક પર આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો.

અભિનેતા શત્રુધ્ન સિંહાએ તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસમાં જોડાયા હતાં. પૂનમ સિંહાની ટક્કર રાજનાથ સિંહ સાથે થવાની છે. આ બેઠક પર કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ઉભા રાખ્યા છે. 

બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે આજે આઝમગઢ લોકસભા બેઠક પરથી ફોર્મ ભર્યુ હતું. ફોેર્મ ભરતી વખતે તેમની સાથે બસપાના મહાસચિવ સતીષચંદ્ર મિશ્રા હતાં. આ બેઠક પર તેમની ટક્કર ભાજપના નેતા અને ભોજપુરી સુપરસ્ટાર દિનેશલાલ યાદવ સાથે થશે. આઝમગઢ બેછક પર ૧૨ મેના રોજ ચૂંટણી થવાની છે. ૨૦૧૪માં આ બેઠક પર મુલાયમ સિંહનો વિજય થયો હતો. 

શત્રુધ્ને પત્નીનો પ્રચાર કરતા કોંગ્રેસ ઉમેદવાર ભડક્યા 

નવી દિલ્હી, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર

ભાજપથી બળવો કરી કોંગ્રેસમાં સામેલ થયેલા શત્રુધ્ન સિંહાએ આજે પોતાની પત્ની પૂનમ સિંહા માટે લખનઉમાં સપાનો પ્રચાર કર્યો હતો. જેના કારણે લખનઉ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ શત્રુધ્ન સામે રોષે ભરાયા હતાં. તેમણે જણાવ્યું હતું કે શત્રુધ્ન સિંહાએ પાર્ટી ધર્મ નિભાવવાની જરૃર છે અને તેમને પત્ની માટે નહીં પણ મારા માટે પ્રચાર કરવો જોઇએ. ઉલ્લેખનીય છે કે શત્રુધ્ન સિંહા કોંગ્રેસમાં છે જ્યારે તેમના પત્ની પૂનમ સિંહા બે દિવસ પહેલા જ સપામાં જોડાયા છે. સપાએ પૂનમ સિંહાને લખનઉ બેઠક પરથી ટિકિટ આપતા તેઓ આજે રોડ શો કરીને ફોર્મ ભરવા ગયા હતાં. આ રોડ શોમાં પૂનમ સિંહાની સાથે ડિમ્પલ યાદવ અને શત્રુધ્ન સિંહા પણ હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GkcH3N
via Latest Gujarati News

Post a Comment

0 Comments