
નવી દિલ્હી, તા.18 એપ્રિલ, 2019, ગુરૂવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલી સંબોધી હતી જે દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ આ દેશને એવા વડા પ્રધાન આપવા માગે છે કે જે નિસહાય હોય. સાથે અપીલ કરી હતી કે નિસહાય નહીં પણ એક મજબુત સરકાર રચાય તે માટે દરેકે મળીને મતદાન કરવું જોઇએ.
કેમ કે જો મજબુત સરકાર હશે તો રાષ્ટ્રીય સુરક્ષામાં વધુ ધ્યાન આપી શકાશે અને તેને સંલગ્ન નિર્ણયો પણ લઇ શકાશે તેવો દાવો મોદીએ કર્યો હતો. કર્ણાટકમાં ચૂંટણી રેલીને સંબોધતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે જો તમારે એક મજબુત સરકાર જોવી હોય તો તમે દિલ્હી તરફ નજર નાખો અને જો મજબુર સરકાર જોવી હોય તો બેંગાલુરુ પર નજર કરો.
મોદીએ આરોપ લગાવ્યો હતો કે હાલ કર્ણાટકમા જેડીએસ અને કોંગ્રેસની જે ગઠબંધન વાળી સરકાર છે તે મજબૂરીમાં કામ કરે છે, કોંગ્રેસે કર્ણાટકને એક મજબૂર મુખ્ય પ્રધાન આપ્યા છે અને હવે તે કેન્દ્રમાં પણ મજબૂર વડા પ્રધાન આપવા માગે છે.
મોદીએ દાવો કર્યો હતો કે અગાઉ કોંગ્રેસમાં જે વડા પ્રધાન હતા તે રિમોટ કન્ટ્રોલથી ચાલતા હતા. કોંગ્રેસની સરકાર મજબૂર હતી તેવી જ રીતે હવે તે ફરી આ દેશમાં એક મજબૂર સરકાર અને મજબૂર વડા પ્રધાન આપવા માગે છે. કોેંગ્રેસની સરકાર સમયે પાકિસ્તાન સામે કોઇ જ કાર્યવાહી નહોતી કરવામાં આવતી. જ્યારે હવે દરેક પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PiWsIu
via Latest Gujarati News
0 Comments