
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તાઃ 19 એપ્રિલ 2019, શુક્રવાર
મહારાષ્ટ્રનું હવામાન અકળ બની રહ્યું છે.એક તરફ મરાઠવાડા અને વિદર્ભમાં ગાજવીજ અને તોફાની પવન સાથે હળવી વર્ષા અને કરા પડવાની ઘટના બની રહી છે. તો બીજીબાજુ વીજળી પડવાથી મૃત્યુની ઘટનાઓ પણ બની રહી છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હાલ મરાઠવાડાથી કર્ણાટક અને તામિલનાડુ સુધી હવાનાહળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.વળી,આકાશમાં જુદી જુદી બે દિશાના પવનોની ટક્કર પણ થઇ રહી છે.આવાં બદલાયેલાં કુદરતી પરિબળોથી રાજ્યના અમુક વિસ્તારોમાં વીજળીના પ્રચંડ કડાકાભડકા અને તીવ્ર પવન સાથે વરસાદી માહોલ સર્જાય છે.
જોકે હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે ૨૦-૨૧ એપ્રિલ દરમિયાન વિદર્ભનાં અમુક સ્થળોએ સાંજે ગાજવીજ અને તોફાની પવન સાથે હળવી વર્ષા થાય તેવી શક્યતા છે.વળી, આજે ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં સરેરાશ કરતાં થોડો ઘટાડો નોંધાયો છે.
આજે ગઢચિરોળીમાં વીજળીના પ્રચંડ કડાકાભડાકા અને તોફાની પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હોવાના સમાચાર મળે છે.આવા અચાનક પલટાયેલા વાતાવરણથી ખેતીને ઘણું નુકસાન થયું હોવાના સમાચાર મળે છે.વળી,અમુક ઘરની ઘરવખરી પણ વેરણછેરણ થઇ ગઇ હોવાના અહેવાલ મળે છે.
મુંબઇમાં આવતા ૪૮ કલાક દરમિયાન સાંજે આકાશ વાદળિયું રહે તેવી શક્યતા છે.આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે વિદર્ભનાં બ્રહ્મપુરી અને ચંદ્રપુર ૪૨ ડિગ્રી તથા મરાઠવાડાનું નાંદેડ ૪૧ ડિગ્રી સેલ્સિયસ સાથે હોટ હોટ રહ્યાં હતાં.
આજે મધ્ય મહારાષ્ટ્રના સોલાપુરમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી,જળગાંવ-૩૮,સાંગલી-૩૭,સોલાપુર-૩૭,મરાઠવાડાનાં પરભણી-૩૯ અને ઔરંગાબાદ-૩૭ જ્યારે વિદર્ભનાં અકોલા-૩૯ અને વર્ધા-૩૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KOStEU
via Latest Gujarati News
0 Comments