આજે રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સને હારનો બદલો લેવાની તક

જયપુર, તા.૧૯

છેલ્લી બે મેચની જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમોમાં સ્થાન મેળવનારા મુંબઈ ઈન્ડિયન્સને આવતીકાલની રાજસ્થાન સામેની મેચમાં અગાઉની હારનો બદલો લેવાની તક છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આવતીકાલે આઇપીએલ-૧૨ની લીગ મેચ રમાશે, ત્યારે મુંબઈ સતત ત્રીજી જીત સાથે પ્લે ઓફમાં પ્રવેશવાની આશા વધુ મજબુત કરવાના ઈરાદા સાથે ઉતરશે. રહાણેની કેપ્ટન્સી હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમને પોઈન્ટ ટેબલમાં આગેકૂચ કરવાની આશા છે. તેઓ મુંબઈને અગાઉ હરાવી ચૂક્યા છે અને હવે ફરી તેઓ મુંબઈને પરાસ્ત કરવાની આશા રાખી રહ્યા છે.

જયપુરમાં આવતીકાલે સાંજે ૪.૦૦ વાગ્યાથી રાજસ્થાન અને મુંબઈ વચ્ચે મુકાબલો ખેલાશે. રાજસ્થાન તેની છેલ્લી બે મેચ હારી ચૂક્યું છે, જ્યારે મુંબઈને છેલ્લી બે મેચમાં વિજય મળ્યો છે. પંડયા બ્રધર્સે આગવું ફોર્મ બતાવતા ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા, પોલાર્ડ, ડી કૉક જેવા બેટસમેનોએ તેમજ મલિંગા, રાહુલ ચાહર અને બુમરાહ જેવા બોલરોએ શાનદાર દેખાવ કર્યો છે. મુંબઈને જીતનો આ સિલસિલો જારી રાખવાની આશા છે.

રહાણેની કેપ્ટન્સી હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ આ સિઝનમાં ખાસ કમાલ કરી શકી નથી. સ્ટીવ સ્મિથ, સ્ટોક્સ અને બટલર જેવા ધુરંધર ખેલાડીઓ એકાદ-બે મેચોને બાદ કરતાં સાવ સાધારણ ફોર્મમાં જોવા મળ્યા છે. રોયલ્સ માટે તેમની બોલિંગ કમજોર કડી સાબિત થઈ છે. કુલકર્ણી, સોઢી, ઉનડકટ જેવા બોલરોને દેખાવ સાધારણ સ્તરનો રહ્યો છે અને તેની અસર ટીમના પર્ફોમન્સ પર પડી છે. રાજસ્થાન ૮માંથી માત્ર બે જ મેચ જીતી શક્યું છે, જેમાંનો એક વિજય મુંબઈ સામેનો છે. જ્યારે તેમને છમાં હારનો સામનો કરવો પડયો છે. જ્યારે મુંબઈ ૯માંથી છ મુકાબલામાં વિજેતા બન્યું છે અને ત્રણમાં તેમને હારનો સામનો કરવો પડયો છે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IJVp39
via Latest Gujarati News

Post a Comment

0 Comments