
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.12 એપ્રિલ, 2019, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે સમાજમાં વધી રહેલી અસહિષ્ણુતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ય અદાલતે જણાવ્યું કે કલાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સવાલ ઉઠાવવાનો છે પરંતુ વધી રહેલી અસહિષ્ણુતા અને સંગઠિત સમૂહો અભિવ્યક્તિની આઝાદીના અધિકાર માટે ગંભીર જોખમ સમાન બની રહ્યા છે.
સુપ્રીમે બંગાળની એક વ્યંગ ફિલ્મના સ્ક્રીનિંગને મંજૂરી ન મળતા મમતા બેનર્જીની સરકારને ૨૦ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. આ અંગે કોર્ટે ગંભીર ટિપ્પણીઓ કરી હતી અને ચુકાદા દરમિયાન આ ઘટનાને અધિકારીઓ દ્વારા તેમની સત્તાનો સ્પષ્ટ દુરુપયોગ ગણાવ્યો હતો. આ ઉપરાંત કોર્ટે રાજ્ય લોકોને આઝાદી નથી આપતું પરંતુ તે અધિકારો લોકોના અસ્તિત્વ સાથે જ સંકળાયેલા છે તેવી સ્પષ્ટતા કરી હતી.
કોર્ટે જો રાજ્યો કલાકારોના અધિકારોનું સંરક્ષણ નહીં કરે તો કલા અને સાહિત્ય અસહિષ્ણુતાના શિકાર બનતા રહેશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને હેમંત ગુપ્તાની બેંચે કહ્યું કે વર્તમાન ઘટનાઓને જોતા સમાજમાં અસહિષ્ણુતા વધી રહી હોવાનું જણાઈ રહ્યું છે. સમાજમાં અન્ય લોકોને સ્વતંત્રરુપે પોતાના વિચારો રજૂ કરતા અને તેને પ્રિન્ટ, થિએટર કે ઈલેક્ટ્રોનિક માધ્યમોમાં શેર કરતા અટકાવવા તે અસહિષ્ણુતા છે.
આવા સંગઠિત સમૂહો ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે. કોર્ટે સવાલ કર્યો હતો કે જો નાટયકાર, કલાકાર, સંગીતકાર કે અભિનેતાઓના અધિકારોને લોકપ્રિય ધારણાઓને કારણે આઝાદી સાથે રજૂ કરવા દેવામાં ન આવે તો બંધારણ દ્વારા અપાયેલી વિચારોની સ્વતંત્રતાની ખાતરીનું પાલન કઈ રીતે થઈ શકશે. કોર્ટેે કલાનો સાચો ઉદ્દેશ્ય અસંખ્ય વિચારોને પ્રગટ કરવાનો અને સવાલ ઉઠાવવાનો ગણાવ્યો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ky4NJL
via Latest Gujarati News
0 Comments