
રંજન ગોગોઇને જાતિય શોષણના કેસમાં ફસાવવાના કાવતરાના વકીલે સોંપેલા પુરાવા પટનાયકને આપવામાં આવ્યા
છેલ્લા કેટલાક વર્ષથી સુપ્રીમ કોર્ટ સાથે જે થઇ રહ્યું છે તે અતિ ચિંતાજનક : સુપ્રીમ કોર્ટનું અવલોકન
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ વિરુદ્ધ એક મહિલાએ છેડતીના આરોપો લગાવ્યા હતા, જોકે આ આરોપો રંજન ગોગોઇને ફસાવવા માટેનું એક કાવતરુ છે તેવા દાવા સાથે એક વકીલે સુપ્રીમ કોર્ટને કેટલાક પુરાવા સોપ્યા છે. તેથી આ સમગ્ર મામલો હવે નિવૃત જજ એ.કે. પટનાયકને સોપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે એ.કે. પટનાયકને મામલો સોપી દીધો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સીબીઆઇ, આઇબી અને દિલ્હી પોલીસ કમિશનરે પણ કહ્યું છે કે તે આ સમગ્ર મામલે જે પણ તપાસ ચાલી રહી હોય તેમાં નિવૃત જજ એ.કે. પટનાયકને સાથસહકાર આપે.
સુપ્રીમ કોર્ટે સાથે એવી પણ સ્પષ્ટતા કરી દીધી છે કે જે તપાસ સોપવામાં આવી છે તેને મહિલાએ જે છેડતીના આરોપો લગાવ્યા તેને કઇ લેવાદેવા નથી. આ તપાસ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ વિરુદ્ધ જે કાવતરુ ઘડાયુ છે તેને લઇને છે.
આ સમગ્ર તપાસ પુરી થઇ ગયા બાદ જસ્ટિસ પટનાયક એક બંધ કવરમાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોપશે. હાલ આ મામલે ઇન હાઉસ તપાસ સોપવામાં આવી છે. તેથી જે બંધ કવરમાં રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોપવામાં આવશે તેને આ ઇન હાઉસ તપાસમાં ધ્યાન પર લેવામાં આવશે તેથી તેના પર પણ અસર પહોંચશે.
સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બૈંસે એક બંધ કવરમાં પોતાના પુરાવા સુપ્રીમ કોર્ટને સોપ્યા હતા, જેમાં તેમણે દાવો કર્યો હતો કે કેટલાક કોર્પોરેટ હાઉસના લોકો અને સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ મળીને મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇને ફસાવવા માગે છે. ઉત્સવે જે સોગંદનામુ અને પુરાવા સુપ્રીમ કોર્ટને સોપ્યા છે તેને બંધ કવરમાં હાલ જે નિવૃત જજ પટનાયકને તપાસ સોપાઇ તેમને આપવામાં આવ્યા છે. દરમિયાન જ્યારે સમગ્ર મામલાની તપાસ પટનાયકને સોપી તે પહેલા સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે આગની સાથે ખેલવાનો પ્રયાસ ન કરો.
સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં ચેતવણી આપી હતી કે દેશના કેટલાક અમીર અને તાકતવર લોકો આગ સાથે ખેલવાનું બંધ કરે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરુણ મિશ્રા, આર એફ નરિમન, દીપક ગુપ્તાની બેંચે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી સુપ્રીમ કોર્ટ સાથે જે પ્રકારનો વ્યવહાર થઇ રહ્યો છે તે અતી ગંભીર અને ચિંતાજનક છે. જો આવુ જ થતુ રહ્યું તો અમે બચીશું નહીં.
આ સંસ્થાની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. હાલ હવામાં ઘણુબધુ ચાલી રહ્યું છે. અને તેની તપાસ થશે. એવુ ન વીચારતા કે ધરપતી પર કોઇ પણ વસ્તુથી સુુપ્રીમ કોર્ટને નિયંત્રીત કરી શકાશે. પછી તે ધન હોય કે રાજનૈતીક બળ પ્રયોગ હોય. સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું કે દેશના ધનવાન અને તાકવર લોકો એમ ન વીચારે કે સુપ્રીમ કોર્ટને પણ રિમોટથી કંટ્રોલ કરી શકાશે. આ કેટલાક ધનવાન લોકો આગ સાથે ખેલવાનું બંધ કરે.
મુખ્ય ન્યાયાધીશની તપાસ પેનલમાં જજ ઇંદુ મલ્હોત્રા સામેલ
નવી દિલ્હી, તા. ૨૫
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ સામેના જે પણ આરોપ લાગ્યા છે તેની ઇન હાઉસ તપાસ કરવામા આવી રહી છે. આ તપાસ એક પેનલને સોપવામાં આવી છે જેની આગેવાની જસ્ટિસ એસએ બોબદેને સોપવામાં આવી છે. જોકે હવે આ પેનલમાં જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇંદુ મલ્હોત્રા જસ્ટિસ એનવી રમણનુ સ્થાન લેશે. આ પહેલા જસ્ટિસ રમણે પોતાને આ પેનલમાં દુર કરી લીધા હતા જેને પગલે બાદમાં પેનલમાં ઇંદુ મલ્હોત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની એક પૂર્વ મહિલા કર્મચારીએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ પર સતામણી સહીતના આરોપો લગાવ્યા હતા.
ગયા વર્ષે ચાર જજોએ ઉઠાવેલા સવાલોનો મામલો ફરી સુપ્રીમમા ચર્ચામાં આવ્યો
નવી દિલ્હી, તા. ૨૫
સુપ્રીમ કોર્ટમાં ગયા વર્ષે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની સામે સુપ્રીમના જ ચાર જજોએ સવાલો ઉઠાવ્યા હતા. જેમાં હાલના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ પણ સામેલ હતા. ગુરુવારે જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે ગયા વર્ષે જે વિવાદ સર્જાયો હતો તે ફરી ચર્ચામાં સામે આવ્યો હતો. એક વકીલે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે રંજન ગોગોઇ મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઇને સુનાવણી વેળાએ જસ્ટિસ અરુણ મિશ્રાએ ગયા વર્ષની એ ઘટનાને પણ યાદ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J3Yf3d
via Latest Gujarati News
0 Comments