નવી દિલ્હી, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર
પૂર્વ સનદી અધિકારીઓ, સંરક્ષણકર્મીઓ, ન્યાયમૂર્તિઓે અને શિક્ષણવિદોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી કેટલાક લોકો દ્વારા ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે વ્યક્ત કરવામાં આવી રહેલી શંકા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ પત્રમાં ૮૦ પૂર્વ સનદી અધિકારીઓ, સંરક્ષણ અધિકારીઓ, ન્યાયમૂર્તિઓ, શિક્ષણવિદો અને પ્રોફેશનલોએ હસ્તાક્ષર કર્યા છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ પર જૂઠા આક્ષેપ મૂકવામાં આવી રહ્યાં છે તથા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની તેમની ક્ષમતા પર પ્રશ્રો ઉઠાવવામાં આવી રહ્યાં છે.
આ પત્રમાં હસ્તાક્ષર કરનારા અધિકારીઓમાં દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર આર એસ ગુપ્તા, નિવૃત્ત એર માર્શલ આર સી બાજપાઇ, પૂર્વ રાજદ્વારી અશોકકુમાર, લેફ્ટનન્ટ જનરલ એ કે સાહની પણ સામેલ છે.
વાસ્તવમાં આ પત્ર સત્તાધારી પક્ષની સંડોવણીવાળા ચૂંટણી આચાર સંહિતાના ભંગ કરવાના કથિત કેસોમાં કાર્યવાહી કરવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપોના જવાબમાં મોકલવામાં આવ્યો છે.
આ આક્ષેપો પણ પૂર્વ સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને આ સંદર્ભમાં તેમણે એક અરજી પણ કરી હતી. રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમે ચૂંટણી પંચને બદનામ કરવાના કેટલાક જૂથોના પ્રયાસોથી ચિંતિત છીએ. ફક્ત ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ભારતના ચૂંટણી પંચની વિશ્વસનીયતા છે.
વડાપ્રધાન મોદીની બાયોપિક અંગે આ જૂથોએ કરેલા વિરોધનો ઉલ્લેખ કરતા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે એવું લાગે છે કે ચૂંટણી પંચની સ્વતંત્રતા પર શંકા કરનારાઓ એક સ્વતંત્ર નિર્માતા દ્વારા બનાવવામાં આવેલી બાયોપિક પર પ્રતિબંધ લગાવવામાં ચૂંટણી પંચના નિર્ણયને પ્રભાવિત કરવામાં સફળ થયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zf9OKq
via Latest Gujarati News
0 Comments