અપમાન કરવું તે નામદાર રાહુલ માટે ફેશન બની ગઇ છે : મોદી


કોંગ્રેસ દેશદ્રોહની કલમ હટાવી કાશ્મીરમાં હિંસા અને છત્તીસગઢમાં નક્સલવાદ ફેલાવલનારાને મદદ કરી રહી હોવાનો આરોપ 

નવી દિલ્હી, તા.16 એપ્રિલ, 2019, મંગળવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહ્યા હતા, સાથે એમ પણ કહ્યું હતું કે નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી આ બધા ચોરોના નામની પાછળ મોદી જ છે. વડા પ્રધાન મોદીએ રાહુલના આ ટોણાનો વળતો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે અપમાન કરવું એ નામદાર માટે જાણે ફેશન બની ગઇ છે. 

ઓડિશા અને છત્તિસગઢમાં રેલીને સંબોધતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે શું આ પ્રકારની ભાષા રાહુલ ગાંધીને શોભે છે? આ પ્રકારના લોકોને હવે હટાવવાનો સમય આવી ગયો છે. અહીં જે સમાજને શાહુ કહેવામાં આવે છે તેને ગુજરાતમાં મોદી કહેવામાં આવે છે. શું તે દરેક લોકો ચોર છે? 

છત્તીસગઢમાં રેલીને સંબોધતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો હાથ વિકાસની સાથે કે વિનાશની સાથે? શું છત્તીસગઢને લેન્ડમાઇન જોઇએ છે કે વિજળી, પાઇપલાઇન અને અન્ય સુવિધા જોઇએ છે? સાથે મોદીએ આરોપ લગાવ્યો હતો કે છત્તીસગઢની સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જે સુવિધા આપવામાં આવે છે તેને ખેડૂતો સુધી પહોંચવા નથી દેતી. પીએમ કીસાન યોજનાનો લાભ પણ ખેડૂતો સુધી નથી પહોંચતો. કોંગ્રેસની નીયત અને નીતી બન્ને ખરાબ છે. લોકોને સુવિધાથી વંચીત રાખવામાં કોંગ્રેસે પીએચડી કર્યું છે. 

કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જણાવ્યું છે સત્તામાં આવ્યા બાદ અમે દેશદ્રોહની કલમ હટાવી દઇશું, જેને ટાંકીને મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો મેનિફેસ્ટો એવા લોકોને હથિયારો ઉઠાવવાની ખુલ્લી છુટ આપશે કે જેઓ ગરીબો અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસના આ પગલાથી સૈન્યનું મનોબળ તુટશે અને સૈન્યને નિશાન બનાવનારાઓમાં ઉજવણી થશે. મોદીએ સાથે દાવો કર્યો હતો કે એક મતથી સર્જિકલ સ્ટ્રાઇક, એરસ્ટ્રાઇક શક્ય છે. 

સૈન્યનો સત્તા માટે દુરુપયોગ થઇ રહ્યો હોવાના આરોપો વચ્ચે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત આજે એરસ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે કેમ કે જનતાના એક મતની આ તાકાત છે. 

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જેટલા પણ ચોરો છે તેના નામની પાછળ મોદી જ કેમ લાગે છે? નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી આ બધા જ ચોરોની ગેંગ છે તેવો આરોપ રાહુલે લગાવ્યો હતો. રાહુલના આ નિવેદનને ટાંકીને જ મોદીએ આરોપ લગાવ્યો હતો કે શું દેશના દરેક મોદી ચોર છે? રાહુલ આ પ્રકારનું નિવેદન કરીને અપમાન કરી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IBDFXn
via Latest Gujarati News

Post a Comment

0 Comments