ક્રુડમાં મોડી સાંજે સૂસ્તાઈનો માહોલ :સોના- ચાંદી અને ડોલરમાં આગળ ધપતી તેજી

મુંબઈ, તા. 08 એપ્રિલ, 2019, શુક્રવાર

મુંબઈ ઝવેરીબજારમાં આજે તેજી આગળ વધી હતી. વિશ્વબજારના સમાચાર તેજી બતાવતા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં નવો ઉછાળો જોવા મળ્યો હતો. આના પગલે ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી જતાં ઝવેરીબજારમાં વધતા ભાવોએ વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા.

વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશના ૧૩૦૦ ડોલરને આંબી ગયાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૯.૨૩ વાળા રૂ.૬૯.૩૩ ખુલી ઉંચામાં રૂ.૬૯.૭૨ થઈ છેલ્લે બંધ રૂ.૬૯.૬૭ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૪૪ પૈસા વધ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૮ પૈસા ઉછળી રૂ.૯૧ પાર કરી રૂ.૯૧.૦૩ રહ્યા પછી છેલ્લે બંધ રૂ.૯૦.૯૧થી ૯૦.૯૨ રહ્યા હતા.

યુરોના ભાવ ૬૦ પૈસા ઉછળી આજે રૂ.૭૮.૩૪થી ૭૮.૩૫ બંધ રહ્યા હતા. આમ વિવિધ કરન્સીઓ સામે રૂપિયો આજે ગબડયો હતો. ઘરઆંગણે આજે શેરબજાર નરમ રહેતાં તથા વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઉછળતાં તેના પગલે કરન્સી  બજારમાં રૂપિયાના ભાવ દબાણ હેઠળ આવ્યાની ચર્ચા હતી.

મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૬૦૦ વાળા રૂ.૩૧૯૨૯ તથા ૯૯.૯૦ના રૂ.૩૧૭૫૦ વાળા રૂ.૩૨૦૫૭ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૪૫૦ વાળા રૂ.૩૭૬૬૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૮૦૦થી ૩૭૮૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૦૦૦થી ૧૧૦૦ ઉંચા રહ્યા હતા. 

વિશ્વબજારમાં  સોનાના ભાવ વધી આજે ઔંશના ૧૩૦૦ ડોલર તથા ચાંદીના વધી સાંજે ૧૫.૨૫થી ૧૫.૨૬ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં સોનામાં ચીનની ખરીદી વધી છે અને ચીન છેલ્લા સતત ચાર મહિનાથી સોનું ખરીદી ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યું છે. ચીનમાં હુંડિયામણનો રિઝર્વ પણ વધી સાત મહિનાથી ટોચે પહોંચ્યો છે.

આના પગલે ચીનની કરન્સી મજબૂત બની છે. આની સામે ભારતનો રૂપિયો ગબડી રહ્યો છે. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી ઔંશના ૯૧૪.૭૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૩૭૧ ડોલર આસપાસ સૂસ્ત રહ્યા હતા. કોપરના ભાવ ન્યુયોર્ક બજારમાં આજે સાંજે ૦.૯૦થી ૦.૯૫ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ વધ્યા પછી થોડા નરમ  પડયા હતા. બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલના ઉંચામાં ૭૦.૮૦થી ૭૦.૮૫ ડોલર થયા પછી સાંજે ભાવ ૭૦.૬૦ ડોલર રહ્યા હતા. ન્યુયોર્કના ભાવ ઉંચામાં ૬૩.૫૦થી ૬૩.૫૫ ડોલર થઈ સાંજે ૬૩.૨૫થી ૬૩.૩૦ ડોલર રહ્યા હતા.

લીબીયામાં આંતરવિગ્રહ થતાં ત્યાંથી વિશ્વબજારમાં આવતો ક્રુડતેલનો પુરવઠો ઘટવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ આગળ વધતાં આ પ્રશ્ને વિશ્વબજારના ખેલાડીઓમાં આશાવાદ વધ્યો છે અને તેની અસર ક્રુડતેલ તથા ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ પર દેખાઈ રહી હતી. બ્રેન્ડ ક્રુડના  ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં આશરે ૩૦ ટકા વધ્યા છે. અમેરિકાના જોબના આંકડા પણ તાજેતરમાં સારા આવ્યા છે. હવે અમેરિકાના ફેડરલ રિઝર્વની જે છેલ્લે મિટિંગ મળી હતી તેની બુધવારે બહાર પડનારી મિનિટ્સ પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી છે.

દરમિયાન, કોપરના ભાવ લંડન બજારમાં ટનના ત્રણ મહિનાની ડિલીવીરીના ૬૪૫૫થી ૬૪૬૦ ડોલર રહ્યા હતા. ત્યાં કોપરનો સ્ટોક આજે ૭૫૦ ટન ઘટયો હતો. જ્યારે ટીનનો તથા જસતનો સ્ટોક ત્યાં વધ્યો હતો. સામે નિકલ, એલ્યુમિનિયમ તથા સીસાનો સ્ટોક ઘટયાના વાવડ હતા. ઘરઆંગણે જોકે હિન્દુસ્તાન ઝીંકે આજે જસતના ભાવ ટનના રૂ.૫૦૦ તથા સીસાના ભાવ ટનના રૂ.૧૪૦૦ ઘટાડયાના સમાચાર મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UnRikn
via Latest Gujarati News

Post a Comment

0 Comments